Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 30
________________ ર૮ આ ભાષાનું બાહ્ય સ્વરૂપ સંસ્કૃતથી ભિન્ન હોવા છતાં વાક્યબંધારણ અને શબ્દરચના સંસ્કૃતનાં જ હતાં. બેત્રણ શબ્દોના સમાસ વારંવાર વપરાતા અને આખી પંક્તિને ભરી દે તેવડા સમાસ વાપરવાનો બાધ ન હતો. છતાં પણ સંસ્કૃતની તુલનામાં પ્રાકૃત લોકભાષાની વધુ નિકટ હતી, અને પ્રાકૃત રચનાઓની શૈલીમાં લોકભોગ્ય બનવા માટે વધુ અવકાશ રહેતો. સ્વરો વચ્ચેના સ્પર્શ વ્યંજનો લુપ્ત થયા હોવાને કારણે પ્રાકૃત સંસ્કૃતની સરખામણીમાં સ્વરપ્રધાન શબ્દોવાળી ભાષા હતી, અને આવા શબ્દસ્વરૂપને કારણે તેમાં સંગીત તત્ત્વનું પ્રમાણ ઉત્કટ હતું. સુકુમાર પ્રાકૃત બંધ અને પરુષ સંસ્કૃત બંધ વચ્ચેનું અંતર મહિલા અને પુરુષ વચ્ચેના અંતર જેવું હોવાનું કવિ રાજશેખરે કહ્યું છે. તો લલિત, મધુર, અલંકૃત અને યુવતીઓને પ્રિય એવું પ્રાકૃત કાવ્ય સુલભ હોય ત્યાં સંસ્કૃત કાવ્ય કોણ વાંચે?— એવી લાગણી “વજ્જાલગ્ન'માં વ્યક્ત થયેલી છે. વિદગ્ધ શૈલી “સપ્તશતી'માંનાં જીવન અને પ્રકૃતિ ઘણા પ્રમાણમાં ગ્રામીણ છે, પરંતુ તેમની અભિવ્યક્તિ નાગર છે. આ કવિતા લોકકવિઓની કે લોકપ્રિય કવિઓની રચના નથી. એ રાજસભાની કવિતા છે : રાજાના કે શ્રીમંતના આશ્રિત કવિની વિદગ્ધ શૈલીની રચનાઓ છે. તેમના ભાવ અને વિચારની અભિવ્યક્તિની રીતિમાં અલંકૃતતા અને સાહિત્યિક રૂઢિઓનો આદર છે. પદાવલિ ખેડાયેલી અને પરિમાર્જિત છે. આ કવિતા પર સભાન કલાકસબ અને પદ્ધતિનું વર્ચસ્વ હોઈને તેમાં સીધો સરળ આસ્વાદ કે પ્રાસંગિક મનોરંજન આપે તેવો અંશ ઓછો છે. “સપ્તશતી'ની શૃંગારિક કવિતાના કવિ કામશાસ્ત્રમાં મળતી પ્રેમની રીતિનીતિ અને ગતિવિધિની વ્યાખ્યા, ઝીણું વિશ્લેષણ અને વિસ્તારી વર્ગીકરણના જાણકારછે. નાયિકાભેદ, નાયકભેદ, ભાવ વિભાવ અનુભાવ વગેરે શૃંગારરસની સામગ્રી અને સાજસજ્જા તેમને હાથવગી છે. અભિવ્યક્તિની વિદગ્ધ શૈલીની અને કવિસમયોની તેમને ફાવટ છે. પણ રૂઢિ અને કૃત્રિમતાનો અંશ હોવા છતાં ઘણી રચનાઓ સચ્ચાઈ, સુકુમારતા, ઉત્કટતા કે તીણતા નથી ગુમાવતી એ આપણે જોઈ શકીએ છીએ,

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60