Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તત્ત્વશ્રવણનું જ ફળ વર્ણવાય છે–
तत्त्वश्रवणतस्तीवा, गुरुभक्तिः सुखावहा ।
समापत्त्यादिभेदेन, तीर्थकृद्दर्शनं ततः ॥२२-२२॥ तत्त्वेति-तत्त्वश्रवणतः । तीवा उत्कटा । गुरौ तत्त्वश्रावयितरि भक्तिराराध्यत्वेन प्रतिपत्तिः । सुखावहोभयलोकसुखकरी । ततो गुरुभक्तेः समापत्त्यादिभेदेन तीर्थकदर्शनं भगवत्साक्षात्कारलक्षणं भवति । तदुक्तं-“गुरुभक्तिप्रभावेण तीर्थकृद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ।।१।।” समापत्तिरत्र ध्यानजस्पर्शना भण्यते, आदिना तन्नामकर्मबन्धविपाकतदावापत्त्युपपत्तिपरिग्रहः ॥२२-२२॥
તત્ત્વશ્રવણથી સુખને કરનારી ઉત્કટ એવી ગુરુભક્તિ પ્રાપ્ત થાય છે અને તેથી સમાપત્તિ... વગેરે પ્રકારે શ્રી તીર્થંકર પરમાત્માનું સાક્ષાત્ દર્શન થાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તત્ત્વશ્રવણ કરવાથી સાંભળનારને પોતાના પરમઈષ્ટસિદ્ધિની સાધનાનું ચોક્કસ જ્ઞાન થાય છે. તેથી તેવું જ્ઞાન આપનારા અને તત્ત્વનું શ્રવણ કરાવનારા પરમતારક ગુરુદેવશ્રીની પ્રત્યે ઉત્કટ કોટિનો ભક્તિભાવ જન્મે છે. તેને લઇને આ પરમતારક ગુરુદેવશ્રીનો; આરાધ્યસ્વરૂપે મુમુક્ષુ આ દૃષ્ટિમાં સ્વીકાર કરે છે. આરાધ્યસ્વરૂપે જે પ્રતિપત્તિ (અંતરથી સ્વીકાર) છે તેને ભક્તિ કહેવાય છે. આ ભક્તિ આ લોક અને પરલોક : ઉભય લોકમાં સુખ-હિતને કરનારી છે. એવી ઉત્કટ ભક્તિ તત્ત્વશ્રવણથી ચોથી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે.
એ ગુરુભક્તિથી સમાપત્તિ વગેરે પ્રકારે ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માનું સાક્ષાત દર્શન પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચયમાં (ગ્લો.નં. ૬૪) જણાવતાં ફરમાવ્યું છે કે – ગુરુભક્તિપ્રભાવથી અર્થાત્ તેને લઈને ઉપાર્જન કરેલા શુભકર્મથી સમાપત્તિ વગેરે પ્રકારે શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શન માનવામાં આવ્યું છે, જે મોક્ષનું ચોક્કસ કારણ છે. અહીં જે શ્રી તીર્થંકરપરમાત્માનું દર્શન; સમાપત્તિ વગેરે પ્રકારે થાય છે – એમ જણાવ્યું છે ત્યાં સમાપત્તિ ધ્યાનજ સ્પર્શનાસ્વરૂપ છે. પરમાત્માએ ઉપદેશેલા પરમતારક તત્ત્વશ્રવણથી શ્રોતાને નિરંતર પરમાત્માનું પુણ્યસ્મરણ થાય છે. એ રીતે સતત પરમાત્મધ્યાનથી ધ્યેયસ્વરૂપે પરમાત્માની સાથે જે તન્મયતા પ્રાપ્ત થાય છે તે સ્વરૂપ જ અહીં સમાપત્તિ છે. તેમ જ આ તત્ત્વશ્રવણથી સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ દ્વારા શ્રી તીર્થકર નામકર્મનો બંધ થાય છે, તેનો વિપાક અનુભવાય છે અને તીર્થંકરપણાની પ્રાપ્તિ થાય છે. તે સ્વરૂપે શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શન; આ દષ્ટિમાં તત્ત્વશ્રવણથી થાય છે. જેના મૂળમાં ઉત્કટ ગુરુભક્તિ કામ કરે છે. એ સ્પષ્ટ છે કે ગુરુભગવંત પ્રત્યેની ભક્તિ પરમગુરુના દર્શનનું પ્રબળ કારણ છે. ૨૨-૨૨ા.
એક પરિશીલન
૨૨૫