Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
ન હોય અને અનુમોદના કરનારને કરવાની કે કરાવવાની શક્તિ ન હોય. બળદેવમુનિ, કઠિયારો અને હરણિયું : આ ત્રણનું દૃષ્ટાંત યાદ છે ને ? બળદેવમુનિ વહોરવા માટે યોગ્ય હતા, તેમની પાસે વહોરાવવાની યોગ્યતા-શક્તિ ન હતી. કઠિયારા પાસે વહોરાવવાની શક્તિ હતી, વહોરવાની ન હતી માટે વહોરાવ્યું, જયારે હરણિયા પાસે બેમાંથી એકે શક્તિ ન હતી માટે તે ઊભું ઊભું અનુમોદના કરતું હતું. તમે હરણિયા જેવા છો માટે અનુમોદના કરો છો ? હરણિયું પણ છેવટે કઠિયારાને લાવવાનું કામ તો કરતું હતું. તમારે કશું કરવું નથી ને અનુમોદના કરવી છે ને ? જયારે જમાડવાની શક્તિ ન હોય ત્યારે જમાડનારની અનુમોદના કરવાની, પણ શક્તિ હોય તો જમાડવા બેસવાનું. સ) શક્તિ હોય ને પરિણામ ન હોય તો અનુમોદના કરાય ને ?
શક્તિ હોય ને પરિણામ ન હોય તો પરિણામ પેદા કરવા માટે પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરશો તો આજે નહિ તો કાલે પરિણામ આવશે. ધર્મ કરવો જોઇએ કે કરવો જ જોઇએ ? નહિ કરીએ તો ય ચાલશે – આ ભાવ છે, પણ ફરજિયાત કરવું છે – આ ભાવ નથી. પ્રાણ જાય ત્યાં સુધી ધર્મ કરવો છે. કારણ કે પ્રાણ ભવાંતરમાં નથી આવવાના, ધર્મ ભવાંતરમાં લઈને જવાય છે. ભૂતકાળની ભૂલના કારણે આ ભવમાં આઠમે વર્ષે દીક્ષા ન મળી, આ ભવમાં તો એવી ભૂલ નથી કરવી કે જેથી દીક્ષા દુર્લભ બને. ઉપરથી એવો પુરુષાર્થ કરવો છે કે જેથી આવતા ભવે આઠમા વર્ષે
દીક્ષા મળે. રાજસ્થાની લોકો કમાવા માટે દરેક દેશદેશાંતરમાં ગયેલા દેખાય છે. એવા પણ રાજસ્થાની લોકો જ્યારે દીકરો સમર્થ બને ત્યારે તેના માથે બધો કારભાર મૂકીને પોતે મોટી ઉંમરે કાશીમાં ભણવા આવતા. તે વખતે તેમને ભણાવનારા પંડિતો મશ્કરી કરતા કે – આ કાંઇ ભણવાની ઉંમર છે ? ત્યારે તે રાજસ્થાનીઓ કહેતા કે બાળપણમાં ભણ્યા નહિ, માટે આ ઉંમરે ભણવાનું આવ્યું. ભલે ચઢતું નથી, પણ સંસ્કાર તો પડશે ને ? આ ભવમાં જ્ઞાન ન મળ્યું પણ ભવાંતરમાં ય જ્ઞાનરહિત રહી જઇએ એવી રીતે અહીં નથી જીવવું... આવું એ લોકો કહેતા હતા. સમ્યગ્દર્શન ચારે ગતિમાં મળી શકે એવું છે, માત્ર મેળવવું છે – એવો સંકલ્પ જોઇએ. “ધર્મ આવે તો સારું’ આ ધર્મ પામવાનાં લક્ષણ નથી. પંદર કલાક ભણવા છતાં ગાથા ન ચઢે તો ય વાંધો નથી. અહીં ભણવાના કારણે એવા સંસ્કાર પડશે કે ભવાંતરમાં એકાએક ક્ષયોપશમ પ્રગટ થઇ જાય. આપણી વાત તો એ ચાલુ હતી કે જે શ્રાવકો દર્પણ જેવા હોય તેમના હૈયામાં ગુરુએ કહેલા સૂત્ર અને અર્થ યથાર્થપણે પ્રતિબિંબિત થાય. ગુરુ શું કહે ? સૂત્ર કે અર્થ. એ બે સિવાય બીજું કશું ગુરુ ન કહે. તમે આવો ત્યારે ‘ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા, કેટલા દિવસ રોકાવાના, ફલાણા ભાઇ કેમ નથી આવ્યા...’ આવું આવું પૂછે એ ગુરુ ન હોય. ગુરુ તો સૂત્ર અને અર્થ કહે. એ સૂત્રાર્થનું પ્રતિબિંબ ન પડે અને બીજી બધી વસ્તુઓ કહે તેનું પ્રતિબિંબ પડે ને ? દર્પણ બોલબોલ ન કરે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૨૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૨૩