Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
ઉપરની માટી અને કાદવ ખરી પડ્યો, અને સોનું ઝળહળવા માંડ્યું. તે વખતે ત્યાંથી પસાર થતા નગરના આરક્ષકે આ જોયું અને મજૂરોને પકડીને રાજા સમક્ષ લઇ ગયો. રાજાના પૂછવાથી મજૂરોએ તો હકીકત હતી તે સાચેસાચી જણાવી દીધી. રાજાએ પૂછ્યું કે કોને કોને તમે કોશો આપી છે ? ત્યારે તેમણે કહ્યું કે ધર્માનંદને પહેલાં દેખાડી હતી પણ તેણે ન ખરીદી એટલે અમે લોભાનંદ શ્રેષ્ઠીને ત્યાં ગયા. તો તેણે બમણા મૂલ્યે બધી કોશો રાખી લીધી છે. આથી રાજા ક્રોધે ભરાયો અને આ મહાચોર છે એમ જાણીને તેના ઘરના બધાને કેદ કરી તેમની માલમિલકત ઝડપી લીધી. લોભાનંદ મિત્રના ત્યાં બેઠો વિચારે છે કે પુત્રો કોશો નહિ લે તો ઘણું નુકસાન થશે. એમ સમજીને મિત્રને કહ્યા વિના તે પોતાના ગામમાં પાછો ફર્યો. ઘરે આવીને બધી ઘટના સાંભળી અને પશ્ચાત્તાપરૂપી અગ્નિમાં બળવા લાગ્યો. પોતાના પાપકર્મ ઉપર ગુસ્સે થયો. આ પાપકર્મે જ મને બહારગામ જવાની કુમતિ
આપી ઇત્યાદિ વિચારમાં ક્રોધના આવેશમાં પોતાના બે પગ કાપી નાંખ્યા ને મરણ પામ્યો.
આ બાજુ રાજાએ ધર્માનંદને બોલાવીને પૂછ્યું કે તમે તે કોશો કેમ ન લીધી ? ત્યારે ધર્માનંદે જણાવ્યું કે એ કોશો લેવાથી મારે બે વ્રતોનો ભંગ થતો હતો. એક તો ચોરી ન કરવી તે અને બીજું પરિગ્રહનું પરિમાણ. આથી મેં ન લીધી. તદુપરાંત મજૂરોને જણાવું તો તેમને પણ દુષ્ટ બુદ્ધિ જાગે અને તેથી મને અધિકરણ
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૫૦
લાગે. તેથી મજૂરોને પણ તેનું રહસ્ય ન જણાવ્યું. આ સાંભળીને રાજાએ, તું ખરેખરો ધર્માનંદ છે એમ પ્રશંસીને તેનો સત્કાર કર્યો.
આવા પ્રકારના ઋજુવ્યવહારના કારણે ભાવશ્રાવક આ લોકના અને પરલોકના કલ્યાણનું સ્થાન બને છે. જ્યારે અત્યંત લોભના કારણે લોભાનંદની જેમ, હોય તે પણ ગુમાવાનું બને છે. ધંધાની કરામત છે – એમ સમજીને પણ ચોરી કે છેતરામણ કરવી નથી. પૈસો તો આજે છે ને કાલે નથી. એના માટે આટલાં પાપનું ઉપાર્જન કરવું એ ભાવશ્રાવક માટે તદ્દન અનુચિત છે. ભાવશ્રાવક અવિરતિના યોગે ઘરમાં રહ્યો હોય, લોભના યોગે ધંધો કરતો હોય તોપણ એટલો લોભી ન હોય કે જેના કારણે પોતે, પોતાનો ધર્મ નિંદાય એવી પ્રવૃત્તિ કરે.
હવે શ્રાવકના પાંચમા ગુણનું વર્ણન કરે છે. ગુરુની શુશ્રુષા આ પાંચમું લક્ષણ છે. જેને ભવિષ્યમાં સાધુ થવું હોય તેણે ગુરુની શુશ્રુષા કરવી જ પડશે. કારણ કે ગુરુની શુશ્રુષા વિના એકે ગુણ પ્રાપ્ત થતો નથી. આ ગુરુશુશ્રુષા ચાર પ્રકારની છે. ૧. સેવા જાતે કરવી, ૨. બીજા પાસે કરાવવી, ૩. ગુરુને ઔષધાદિનું સંપાદન કરવું, ૪. તેમની પ્રત્યે ચિત્તનું બહુમાન રાખવું. આપણાં માતાપિતાની સેવા આપણે આ રીતે કરતા જ હોઇએ છીએ. માતાપિતાની સેવા જાતે કરીએ, કારણ ઉપસ્થિત થાય ને જાતે ન કરી શકીએ તો બીજા પાસે કરાવવી, એમને અવસરે રોગાદિ થયે ઔષધાદિનું સંપાદન કરવું અને તેમની પ્રત્યે ચિત્તનું બહુમાન
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૧૫૧