Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
લેવા જાઓ ને ? સુખ ક્યારે મળે એ ભાવનાથી શ્રાવક દુ:ખી ન હોય, દીક્ષા ક્યારે મળશે એ ભાવનાથી શ્રાવક દુઃખી હોય. સમ્યકત્વ પામવાનો તેને આનંદ હોય પણ સાથે ચારિત્ર ન મળ્યાનું દુઃખ તેને પારાવાર હોય. આથી જ તે વ્રતકર્મ કરવા તત્પર બને.
તેમાં આપણે જોઇ ગયા કે શ્રાવક ગીતાર્થ પાસે વ્રતને વિનય-બહુમાનપૂર્વક સાંભળે. વિનય કોને કહેવાય તે તમને શીખવવાની જરૂર નથી. એક વાક્યમાં કહું તો - સામાનું આપણી પ્રત્યેનું જે વર્તન આપણને રુચિકર બને તેનું નામ વિનય. આજે આપણે વિનય ભલે ન કરતા હોઇએ તોપણ બીજા આપણો વિનય કરે તો ગમ્યા વિના ન રહે. આપણે આવીએ ને કોઇ ઊભું થઇ જાય, ‘તમે કેમ સામેથી આવ્યા, હું આવી જાત ઇત્યાદિ બોલે તો એવો વિનય ગમી જાય ને ? આવો વિનય બીજા પ્રત્યે ન આચરીએ ને ? સ0 આવો વિનય મોટા અને ઉપકારી પ્રત્યે કરવાનો ને ?
ના, દરેક પ્રત્યે વિનય આચરવાનો છે. આ દુનિયામાં કોણે આપણા ઉપર ઉપકાર નથી કર્યો ? છેવટે અનાશાતના નામનો વિનય બધા પ્રત્યે આચરવાનો છે. આપણે નાનાની પણ આશાતના કરવી નથી. જેની પાસેથી ગુણ જોઇએ તેની આશાતના ન કરવી. નાના પાસે જે વિનયગુણ છે તે તો આપણને જોઇએ છે ને ? ગુણ એ ઉંમરના કારણે નથી આવતા. માટે વિનય કરતાં શીખી લેવું.
વિનય પછી બહુમાનનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે આ મારા ગુરુ-ભવનિતારક છે, અત્યંત બુદ્ધિશાળી છે, આ મહાત્મા છે... આવા ભાવથી વ્રત સાંભળવું. આવો ભાવ ગુરુ પ્રત્યે આવે ને ? આજે જેટલું બહુમાન ડ્રાઇવર પર છે, નાવિક પર છે એટલે ગુરુ પર નથી ને ? ભગવાન પ્રત્યે પણ જે બહુમાન છે તે ભગવાન ભવ સુધારે છે માટે ? કે ભવથી નિસ્તારે છે માટે ? આપણું કામ કરે માટે ભાવ જાગે તેને બહુમાન નહિ, માન કહેવાય. આપણું કામ ન કરે છતાં પાર ઉતારે માટે ભાવ જાગે તેને બહુમાન કહેવાય. આ બધી વાત માત્ર વ્રત સાંભળવા માટેની છે. ગુણ જોઇએ છે માટે વિનય-બહુમાન કરવાનાં છે, ગુરુના પુણ્યમાં નહાવા માટે નહિ. આજે અમારે ત્યાં પણ ગુરુ પ્રત્યે બહુમાન ક્યારે જાગે ? ગુરુ પોતાનું માને તો બહુમાન જાગે, ગુરુનું માનવા માટે બહુમાન નથી ને ? જે દિવસે ગુરુ ન માને તે દિવસે ગુરુ પ્રત્યેનું બહુમાન નાશ પામે. આને બહુમાન ન કહેવાય. બહુમાનની જરૂર ગુરુનું માનવા માટે છે. ડોકટર પ્રત્યે બહુમાન શેના કારણે હોય ? રોગ દૂર કરનાર છે, જાણકાર છે, જશરેખા સારી છે માટે જ ને? તેમ ગુરુ પ્રત્યે પણ ભવાનિસ્તારકતાની ભાવનાથી અને જ્ઞાનાદિના આપનારા હોવાથી બહુમાન હોવું જોઈએ.
વિનયબહુમાનની ચતુર્ભાગી જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે કોઇ ધૂર્ત પરિજ્ઞાનનો અર્થી થઇ બાહ્યથી વંદનાદિ વિનયનું આચરણ કરે છે જયારે હૈયાથી ભારે કર્મી હોવાથી ગુરુ પ્રત્યે
ભાવશ્રાવકનાં છે લક્ષણો : ૪૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૧