________________
શાશ્વત સૌરભ ભાગ-૨
કo૩
પ્રેરણાનાં પગથિયાં
–કિશોરસિંહ સોલંકી
કવિ ખબરદારે ભલે કહ્યું હોય કે “તેજ-અંધારાનું અજબ આ પૂતળું, માનવી કોયડો છે જ પોતે!” પણ ખરેખર માનવી એ કોયડો નથી; એક સ્વાભાવિક, સહજ, સરળ, પારદર્શી અને પારગામી પ્રાણી છે. ખરેખર તો જોનારની દૃષ્ટિ પર બધો આધાર છે. વસ્તુને નકારાત્મક અભિગમથી જોનારને તે તે વસ્તુના અનેક અવગુણો અપલક્ષણો દેખાશે. વસ્તુને સકારાત્મક અભિગમથી જોનારને તે તે વસ્તુમાં ઘણી સારપ પણ દેખાશે. એ બેથી પણ ઊંચો એક ત્રીજો અભિગમ છે, જેને ક્રાંતિદ્રષ્ટા કહે છે. એ દૃષ્ટિબિન્દુ ધરાવતો દ્રષ્ટા વસ્તુને તટસ્થપણે જોશે અને ન્યાયપૂર્ણ અભિગમથી વસ્તુનું મૂલ્યાંકન કરશે. આવું દૃષ્ટિબિન્દુ કવિ અને લેખકમાં બહુ સહજપણે હોય છે. એટલે જ મહાકવિઓના દુષ્ટ પાત્રો પણ સહાનુભૂતિના અધિકારી ઠરતા હોય છે. વ્યાસનો દુર્યોધન કે વાલ્મીકિનો રાવણ કે શેકસપિયરના ખલનાયકો ભાવકની સહાનુભૂતિ ગુમાવ્યા વગર જીવે છે કારણ કે માનવી તરીકેના એના કોઈને કોઈ ઉત્તમ પાસાને લેખકે એવી રીતે ઉજાગર કર્યું હોય કે તે પાત્ર પ્રત્યે આપણને અનુકંપા તો અવશ્ય થાય જ.
એવાં પાત્રો મહાકાવ્યોમાં જ જોવા મળે એવું નથી. આ દુનિયા સૌથી મોટું મહાકાવ્ય છે. પ્રત્યેક જીવ એનું પાત્ર છે. પ્રત્યેક જીવ કોઈ ને કોઈ વિલક્ષણતાથી જીવે છે. એના ઉમદા પાસાને તીવ્ર દૃષ્ટિથી જોઈ–તપાસીને, એના ઉત્તમ ચારિત્રનું ગુણપૂજન કરવું એ આપણી ફરજ છે. આ કામ લેખક શ્રી કિશોરસિંહ સોલંકીએ સુપેરે કર્યું છે.
શ્રી કિશોરસિંહ સોલંકી વ્યવસાયે ગુજરાતીના અધ્યાપક, ગુજરાતી વિભાગના વડા તરીકે મહુધા, મોડાસા, પ્રાંતિજ, તલોદ વગેરે સ્થળોની આર્ટ્સ કોલેજોમાં સેવા આપી છે અને હાલમાં ગાંધીનગરની સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય છે, પણ વિશેષ તો ગુજરાતી સાહિત્યના મોટા ગજાના સર્જક છે. લેખક તરીકે અત્યંત સંવેદનપટુ પ્રતિભા ધરાવે છે. એમનાં સર્જનોમાં મુખ્યત્વે કવિતા, નવલકથા, નિબંધ, ભ્રમણવૃત્ત વગેરે છે. વીરવાડા' અને “અરવલ્લી' જેવી નવલકથાઓમાં એમની જનપદ પ્રત્યેની લાગણી છલકાય છે, તો “ભીની માટીની મહેક જેવા નિબંધો વતનની માટીમાંથી મહોર્યા હોય તેમ લાગે. શું પદ્ય કે શું ગદ્ય? કિશોરસિંહનો શબ્દ હૃદયતંત્રીના ઝંકાર સાથે પ્રગટે છે અને આપણા સમસંવેદનનો અધિકારી બની રહે છે. જી. એન. એફ. સી. ના ચેરમેન રહી ચૂકેલા ડૉ. સોલંકી બાહ્ય અનુભવેય એટલા જ સમૃદ્ધ છે. એમની આ અનુભૂતિથી પરિમાર્જિત થયેલી વાણી હંમેશાં આસ્વાદ્ય હોય છે. ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ઘણી શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓમાં સભ્ય તરીકે સેવાઓ નોંધપાત્ર છે. વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કર્યો છે. અનેક પારિતોષિકો મેળવ્યાં છે. મળવા જેવા માણસ છે.
દરેક વ્યક્તિના જીવનપ્રસંગોમાંથી કાંઈક પ્રેરણાદાયી ચીજ ગ્રહણ કરી લેવાની શ્રી સોલંકી સાહેબની તડપ અને લગન ખરેખર દાદ માંગી લ્ય છે. લેખકની માન્યતા મુજબ ગુજરાતના વિકાસમાં શિખરો સર કરનારાઓનાં જીવનની લાક્ષણિકતાઓ કે જીવનયાત્રાની એકાદ ઝાંખી નવી પેઢીમાં આમૂલ પરિવર્તન લાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે એવી ભારોભાર શ્રદ્ધા તેમણે હૃદયમાં ભરી રાખી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org