________________
અહીં તેમણે ગુજરાતી ભાષાની થઈ રહેલી અવગણના બદલ અનુભવાતી વેદનાને વાચા આપી છે. ‘મા ગુર્જરી’ નામે તેમની રચેલી કવિતા અહીં આંખો ભીંજવી દે છે. વિશેષતા એ છે લેખકની આ વેદનાના મૂળમાં કેવળ ભાષાપ્રેમ નહીં પણ ભાવનાપ્રેમ, સંસ્કૃતિપ્રેમ, ધર્મ અને અધ્યાત્મનો પ્રેમ છતો થાય છે. અહીં કોઈ ભાષા પ્રત્યે પૂર્વગ્રહ નથી છતાં તેના ચોક્કસ પ્રકારના અસામર્થ્ય પ્રત્યે બેધડક અંગુલિનિર્દેશ છે. વૈજ્ઞાનિક સંશોધનો, મનોવૈજ્ઞાનિક તારણો, વિદ્વાનોના અવતરણોની સાથે પ્રગટતો એક તર્કપૂર્ણ, અભ્યાસપૂર્ણ મહાનિબંધ એટલે “ભવ્ય ભાષા : માતૃભાષા.”
વાંચતા જણાશે કે.. ક્યાંક ભાષામાં ઝીલાતા સંસ્કારોનું પ્રતિબિંબ છે.. ક્યાંક ભાષા બદલાવાથી થનારી હાલાકીનું દર્શન છે. ક્યાંક માતૃભાષા પર વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક, સાહિત્યિક અને બંધારણીય અગ્રતાની મહોરછાપ છતી થાય છે. ક્યાંક માતૃભાષા દ્વારા થઇ શકતા બૌદ્ધિક અને સર્વાંગીણ વિકાસની રોચક રજૂઆત છે અને above all, શબ્દ શબ્દ ભાષારક્ષા દ્વારા સંસ્કૃતિ અને ધર્મની સુરક્ષા અંગેની એક જાગ્રત સંતની આંતરવ્યથા અને ઊંડી ચિંતા વ્યક્ત થાય છે.
પ્રસ્તુત લખાણ પ્રક્રિયાની કરુણતા એ છે કે ગુજરાતીઓ સમક્ષ ગુજરાતી ભાષાની મહત્તા દર્શાવાય છે. મા સામે મોસાળનું વર્ણન કરવા જેવું લાગશે. પણ જે દીકરી તરીકે જન્મીને રેસડિશ્યલ સ્કૂલમાં ભણી હોય, અને પછી હોસ્ટેલ લાઈફ પૂરી કરીને સીધી જ સાસરે ચાલી ગઈ હોય તેવી માતાને મોસાળનો ખરો પરિચય કરાવવો પડે. આમ આ એક સમયોચિત પગલું છે.
માતૃભાષા પ્રત્યેના અભિપ્રાય અને અભિગમમાં જરૂરી ફેરફારો લાવવા દ્વારા આ લખાણની વાચાને પ્રતિવાચા આપીએ. ઘણા વિચારકો, પ્રબુદ્ધો, સક્રિય ચિંતિતોને યોગ્ય ઉપચાર માટેના અનેક ઉપાયો અહીંથી મળશે.
પ્રસ્તુત પ્રકાશનને જોઈને બિછાને પડેલી મા ગુર્જરીની ભીની આંખોમાં આશાની ચમક જોવા મળશે. લેખશ્રીના અન્ય પ્રકાશન માલ્ક પ્રસ્તુત પ્રકાશનને પણ ઊંચો પ્રતિસાદ તો મળશે જ પણ મા ગુર્જરીનો ભાવ પ્રસાદ મળશે એ વધારાનો ! વિ.સં. ૨૦૬૭
પં.ઉદયવલ્લભ વિજય અષાઢ વદ ૧૦
ઘાટકોપર (નવરોજી લેન)