________________
અઝહરા પૂર્વ પરિચય :
ચક્રવર્તી ભરત અને બાહુબલિ બન્ને રણભૂમિમાં આવી ગયા. આકાશમંડલ દેવોથી છવાઈ ગયું. સર્વ પ્રથમ “દૃષ્ટિયુદ્ધ'નો પ્રારંભ થયો. કેટલા પ્રહર સુધી દૃષ્ટિયુદ્ધ ચાલ્યું. ભરત દષ્ટિયુદ્ધમાં હારી ગયા. પછી “શબ્દયુદ્ધનો પ્રારંભ થયો. બન્નેના સિંહનાદથી સમસ્ત જગત કંપી ઊઠ્યું. તેમાં પણ ભરતની હાર થઈ. ત્યાર બાદ “મુષ્ટિયુદ્ધનો પ્રારંભ થયો. ભરતે બાહુબલિની છાતીમાં મુષ્ટિનો જોરદાર પ્રહાર કર્યો ! બાહુબલિને અત્યંત પીડા થઈ. ક્રોધિત બનેલા સર્પની જેમ ફૂંફાડા મારતા બાહુબલિએ ભરતને આકાશમાં એટલા ઊંચે ઉછાળ્યા કે ભરત આકાશમાં દેખાતા બંધ થઈ ગયા ત્યારે બાહુબલિનું મન ચિંતિત બની ગયું. અનેક સંકલ્પ-વિકલ્પ બાદ ભરત આકાશમાર્ગથી આવતા દેખાયા ત્યારે બાહુબલિએ પોતાના હાથમાં ઝીલી લીધા. પરંતુ ભરત અતિ આવેશમાં આવી ગયા ત્યાર બાદ “દંડયુદ્ધ”નો પ્રારંભ થયો. બન્નેના હાથમાં લોહદંડ આવી ગયા. એકબીજાને પ્રહાર કરવા માટે તત્પર બની ગયા. ભારતના તીવ્ર પ્રહારથી બાહુબલિ ઘૂંટણ સુધી જમીનમાં ઘૂસી ગયા. ભરતની બીજા પ્રહારની તૈયારી જાણી બાહુબલિએ સાવધાન બની ભરત પર જોરદાર પ્રહાર કર્યો જેથી ભરત કંઠ સુધી જમીનમાં ઘૂસી ગયા. ભરત ગભરાઈ ગયા. એમની આંખો ભયથી ચકળવકળ થઈ ગઈ. બાહુબલિનો બધાંયે યુદ્ધમાં વિજય થયો ! દેવોએ દેવદુંદુભિનો નાદ કરી વિજય જાહેર કર્યો. પરંતુ ભરત પરાજય સ્વીકારવા તૈયાર નથી. ભારતે બાહુબલિને કહ્યું: “તું મારા આધિપત્યનો સ્વીકાર કર ! નહીંતર આ ચક્રરત્નથી તને ભસ્મીભૂત કરી નાખીશ.” ભરતના આવા રોષપૂર્ણ વચનથી બાહુબલિ અત્યંત ગુસ્સામાં આવીને ભરતને મુષ્ટિ મારવા માટે દોડ્યા. બાહુબલિની અત્યંત-પ્રચંડતા જોઈને દેવો ગભરાઈ ગયા. બાહુબલિને પ્રતિબોધ કરવા માટે વચમાં આવીને ઊભા રહી બાહુબલિને સમજાવ્યા. બાહુબલિનો રોષ શાંત થયો ! એમણે ઊંચી કરેલી મૂઠીથી પોતાના કેશનું લંચન કરી અણગાર બની ગયા. ભરતની આંખો અશ્રુથી છલકાઈ ગઈ. બાહુબલિની સ્તુતિ કરી, બાહુબલિના પુત્રને બહલી દેશનું રાજ્ય સોંપી ભરત અયોધ્યા પાછા ફર્યા. બાહુબલિ ત્યાં શાંત મુદ્રામાં કાઉસગ્નધ્યાને ઊભા રહ્યા, તે વગેરેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકાર સત્તરમા સર્ગમાં બતાવે છે.
स्वासिन्धोः पुलिनरजांसि पावयन्ती, पन्न्यासैः समरभुवं प्रकीर्णपुष्पाम् ।
आयातौ स्थितिमिव पूर्वपश्चिमाब्धी, तौ बाहूल्वणलहरीभराभिरामौ ।।१।। પોતાનાં પુનિત પગલાંથી ગંગા નદીના તટ પર રહેલી રેતાળ ભૂમિને પવિત્ર કરતા અને ભુજારૂપી તરંગોથી શોભતા ભરત અને બાહુબલિ બન્ને પુષ્પોથી બિછાવાયેલી રણભૂમિમાં આવીને એવી રીતે સ્થિર થયા કે જેમ પૂર્વસમુદ્ર અને પશ્ચિમસમુદ્ર પોતપોતાની મર્યાદામાં સ્થિર રહે તેમ.
एताभिवृषभतनूजरूपलक्ष्मीमन्वेष्टुं कलहविलोकनोत्सुकाभिः ।
पातालाद् भुजगवधूभिरू_लोकाद्देवीभिः कबरितमन्तरीक्षमासीत् ।।२।। યુદ્ધ જોવામાં અત્યંત ઉત્સુક બનેલી પાતાળલોકની નાગકન્યાઓ અને સ્વર્ગલોકની અપ્સરાઓ આકાશમાર્ગમાં આવીને રહી, જેથી આકાશ રંગબેરંગી બની ગયું. તે બન્ને પ્રકારની દેવીઓ ક્ષભદેવના પુત્રોની રૂપલક્ષ્મી જોવા માટે જાણે આવી ના હોય !
શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્ય ૦ ૨૩૯