________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામે આવે છે? આવે સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામીના જીવનના ઉપસર્ગો યાદ આવે છે. રાજકુમાર વર્ધમાનમાંથી યોગી બનેલા મહાવીર પ્રભુએ કેટલું સહન કર્યું! એમની આગળ મારી વિપત્તિ કયાં?. વળી એકાએક વિષાદ ઘેરાઈ આવતાં મનમાં વિચારે છે કે પૂર્વજન્મના પુણ્યના બળે જ મનમાં સાધુતાની ઝંખના જાગી અને શું હું સાધુ નહિ થઈ શકું? મને બધા જ જાકારો આપશે તો હું ક્યાં જઈશ? જેણે ઘર અને કુટુંબ છોડયાં છે, સંસાર છોડયો છે એને સાધુતામાં સ્થાન ન મળે તો એની દશા આકાશ અને ધરતી વચ્ચે લટકતો ત્રિશંકુ જેવી થાય! આખરે કાશીરામ મહેસાણા ગયા. મહેસાણાની પાઠશાળામાં પહોંચ્યા. આ પંજાબી યુવાનને અહીં પણ સૌ શંકાની નજરે જોવા લાગ્યા. મોટાભાગના માનવીઓ અન્ય વ્યક્તિ વિશે શ્રધ્ધાથી નહિ, પણ શંકાથી વિચારવાનો પ્રારંભ કરતા હોય છે. એમાં પણ કાશીરામ જેમ જેમ સાચું બોલતા જાય, તેમ તેમ સામી વ્યક્તિની એમના વિશેની શંકા વધતી જાય. સાચી વાત ક્યારેક ઘણી શંકાપ્રેરક બને છે! મહેસાણાની પાઠશાળામાં જઈને એમણે વિનંતી કરી કે મારે અહીં રહીને અભ્યાસ કરવો છે. સંચાલકોએ એમની વિગતો પૂછી અને હજી બાકી હોય તેમ વળી એક નવી મુશ્કેલી ઊભી થઈ. પાઠશાળાના સંચાલકોએ કહ્યું. “આ પાઠશાળામાં રહીને તમે જરૂર ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી શકશો, પરંતુ તમારા માટે છાત્રાલયના પ્રવેશ નિષિદ્ધ છે, કારણકે પરિણીત વ્યક્તિને અમારા છાત્ર લયમાં પ્રવેશ આપવામાં આવતો નથી.” કાશીરામનું હૃદય દ્રવી ગયું. ગદગદિત મનથી વિચારવા લાગ્યા કે આ મૂંઝવણોનો કોઈ અંત જ નથી? જયાં જાય ત્યાં કોઈ ને કોઈ સમસ્યા જ સામી મળે છે ! આફતમાં ઉમેરો જ થતો રહે છે! શું પોતાને બધેથી જાકારો જ મળવાનો છે? દીક્ષિત થવા તો ન મળ્યું, પણ શિક્ષિત થવાનુંયે પોતાને માટે મુશ્કેલ છે! મઝધારમાં તો તોફાન હોય, પણ અહીં કિનારેય કિતી અફળાય છે. કાશીરામના મનમાં અનેક વિચારો ધૂમરીઓ લેવા માંડયા વિષાદના બોજથી હૈયું દબાઈ ગયું. આંખમાં આસું આવ્યાં! મહેસાણા ગામમાં પોતાને કોઈ ઓળખે નહિ અને જો છાત્રાલયમાં રહેવા ન મળે તો ઓટલો ક્યાં મેળવવો એ મોટો સવાલ હતો. રોટલાની તો કાશીરામે કદી પરવા કરી ન હતી, પણ ઓટલાએ મૂંઝવણ ઊભી કરી. છેવટે મનોમન પ્રાર્થના કરવા લાગ્યા, હે તીર્થંકર પરમાત્મા! મારી મોક્ષપ્રાપ્તિની તાલાવેલી વિફળ જશે? હું ‘બાહ્મણ' તો બનું છું. પણ શું હું ભિક્ષુક નહિ બની શકું? ‘ઉત્તરાધ્યયન સૂત્ર”
રે ૧
For Private And Personal Use Only