________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
૫૫.
દાદાશ્રી : સ્વરૂપનું અજ્ઞાન એનું નામ જ મોહનું આવરણ. આત્મા તો અનંત શક્તિનો ધારક છે, (પણ) આવરણ કાઢવાનું છે. સ્વરૂપનું અજ્ઞાન છે અને સ્વરૂપનું અદર્શન છે, આ બે મોટામાં મોટા આવરણ છે.
દરેક જીવમાં, ગધેડા, કૂતરા ને ગુલાબના છોડમાંયે આત્માની અનંત શક્તિઓ છે પણ તે આવરાયેલી છે, તેથી ફળ ના આપે. જેટલી પ્રગટ થઈ હોય એટલું જ ફળ આપે. ઈગોઈઝમ ને મમતા બધું જાય તો એ શક્તિ વ્યક્ત થાય.
આત્માની ચૈતન્ય શક્તિ શેનાથી આવરાય છે ? આ જોઈએ છે ને તે જોઈએ છે. લોકોને જોઈતું હતું તે તેમનું જોઈને આપણેય શીખ્યા એ જ્ઞાન. આના વગર ચાલે નહીં. મેથીની ભાજી વગર ના ચાલે, એમ કરતા કરતા ફસામણ થઈ ગઈ ! અનંત શક્તિવાળો છે, તેની પર પથરા નાખ નાખ કર્યા ! આત્માની અનંત શક્તિ છે પણ આ જગતમાં ઘર્ષણ ને સંઘર્ષમાં જ બધી શક્તિઓ ખલાસ થઈ જાય છે.
પોતાનામાં અનંત શક્તિ છે, આ તો પાર વગરની વસ્તુઓ છતાંય આ જુઓને, ગમે તેમ મુશ્કેલીઓમાં આખા દિવસો કાઢવા. ચિંતાઉપાધિઓ ! અનંત શક્તિઓ છે પણ બધી આવરાયેલી પડી છે. જેમ ઘરમાં દાદાએ ધન બહુ દાટેલું હોય પણ ખબર ના હોય, એટલે ભઈ પાંચ રૂપિયા ઉછીના ખોળવા જાય. ત્યારે લોકો કહેશે, ભઈ, તારા ઘરમાં તો ઘણું ધન છે. તો એ કહે, પણ મને ખબર નથી. એનું શું થાય ? તે ધન કાઢી આપે તો કામ લાગે. એટલે અનંત શક્તિ છે.
બધા જીવો સામાન્ય ભાવે આત્મા જ છે, પરમાત્મા જ છે પણ જેનું જેટલું આવરણ તૂટ્યું ને શક્તિ પ્રગટ થઈ એટલે એને ફળ મળે. બાકી કોઈ કોઈનો ઉપરી છે નહીં. હું કંઈ કોઈનો ઉપરી નથી, હું તો નિમિત્ત છું. મારે શક્તિ પ્રગટ થઈ, તમારી શક્તિ પ્રગટ થશે. એકનું એક, વસ્તુ એક જ છે. (તમારે) અપ્રગટ છે ને (મારે) પ્રગટ છે. તે પ્રગટની પાસેથી પ્રગટ શક્તિ ઉત્પન્ન થઈ જાય.