________________
૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : તદ્દન શુદ્ધાત્મા. મૂળ સ્વરૂપે પરમાત્મા છે.
પ્રશ્નકર્તા : પણ એ એક શક્તિનું સ્વરૂપ છે ?
દાદાશ્રી : પરમાત્મામાં શું ના હોય ? વીતરાગ, નિર્ભય. નિર્ભય એટલે બધું, પછી શક્તિ કોઈ જરૂર રહી જ નહીંને ! નિર્ભયને શક્તિની જરૂર ખરી ?
પ્રશ્નકર્તા : નિર્ભય હોવું એ શક્તિની જરૂર નથી હોતી ?
દાદાશ્રી : ના, ના, વધુ શક્તિવાળો હોય તો જ એને ભય ના લાગેને કોઈનો ? નિર્ભય એટલે ક્યારેય ભય ના લાગે. અનંત શક્તિઓનો ધણી એટલે એ નિર્ભય, વીતરાગ, નિરંતર પરમાનંદી એવો
આત્મા.
આવરણો ખસતા વ્યક્ત થાય પરમાત્મ શક્તિ
પ્રશ્નકર્તા : આત્માની શક્તિની અભિવ્યક્તિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ તો આવરણ ખસે કે અભિવ્યક્ત થાય. આવરણ ખસવાનો ઉપાય કરીએ એટલે આવરણ ખસે. આવરણ ખસવું એ કાર્ય છે, ઈફેક્ટ છે અને ઉપાય એ કૉઝ છે. એટલે કૉઝ કરીએ એટલે પેલું ખસી જાય, એટલે એની શક્તિ પ્રગટ થાય. શક્તિ તો છે જ, પ્રગટ થતી નથી. શક્તિ તો પૂર્ણ છે પણ પ્રગટ થવી જોઈએ ને ?
મૂળ આત્મા સ્વરૂપે બધી અનંત શક્તિ છે પણ હવે એ સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી બધી શક્તિઓ વેડફાય છે. પોતે પોતાની સંપૂર્ણ શક્તિઓ વ્યક્ત થઈ જાય તે પરમાત્મા. પણ આ શક્તિઓ આવરાઈ ગયેલી છે, નહીં તો પોતે જ પરમાત્મા છે.
લોકસંજ્ઞાએ આવરાઈ અનંત શક્તિ
પ્રશ્નકર્તા ઃ આવરણ ખસે તો અનંત શક્તિ પ્રગટ થાય તો તે આવરણ વિશે વધુ સમજાવશો.