________________
[૧૭.૨]
અનુભવગમ્ય આત્મા અવર્ણનીય, છતાં દાખલા આપી સમજાવે જ્ઞાની
પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું કે આત્મા અવર્ણનીય છે પણ ભેદવિજ્ઞાનીની કૃપાથી અનુભવી શકાય એમ છે તે વધારે સમજાવશો.
દાદાશ્રી : આત્મા જાણવા જેવો છે ને તે આ મહાત્માઓએ જાણ્યો છે તેવો છે ને તેથી વધારે આ દાદા જેવા છે તેવો આત્મા છે. આ મૂર્તિમાન મોક્ષ છે એવો આત્મા છે, એમ માનવું ને બીજી કલ્પનામાં પડવું નહીં. આત્મા સ્વ-પર પ્રકાશક છે. એને રૂપ નથી, રંગ નથી ને આકાર પણ નથી. આત્મા તો અનુપમ છે ને જગતની બધી જ ચીજો ઉપમાવાળી છે. આત્મા તો અનુભવગમ્ય છે. આત્મા તો અવર્ણનીય છે. આત્મા વાણીથી બોલી શકાય તેવો નથી. આ તો જ્ઞાની પુરુષ વાણીથી દાખલા-દલીલ આપીને અને બીજી રીતે સમજાવી શકે. કારણ કે બધી જ રીતે આત્મા કેવો છે એ જાણી ચૂક્યા છીએ. બાકી આત્મા શબ્દોમાં ઊતરી શકે તેમ છે જ નહીં. તેથી તો કહ્યું કે પુસ્તકમાં કે શાસ્ત્રમાં આત્મા નથી. આત્મા તો એક જ્ઞાની પુરુષ પાસે જ છે, વ્યક્ત થયો તે આત્મા. કોઈ પૂછે કે આત્મા કેવો છે, તો કોઈથી કહેવાય જ નહીં. એમાં કોઈનુંય ગજું નહીં. જ્ઞાની પુરુષ સિવાય એ માટે તો કોઈથી એક અક્ષરેય બોલાય જ નહીં. એ તો સ્પષ્ટવેદન હોય તેવા જ્ઞાની પુરુષ સમજાવી શકે.