________________
આપ્તવાણી-૯
૧૦૯
આપણે ઘેર જવું છે ને એક માણસ એમ બોલ્યા કરે, ઘેર જતાં અથડામણ થાય તો શું થશે ? અગર તો એક્સિડન્ટ થશે તો શું થશે ?’ તો મન બધાનાં કેવાં થઈ જાય ?! એવી વાતને તો પેસવા જ ના દેવાય. શંકા હોતી હશે ?
દરિયા કિનારે ફરતા હોય ને કહેશે, ‘મહીં મોજું આવે ને ખેંચી જાય તો શું થાય ?’ કોઈએ વાત કરી હોય કે ‘આમ મોજું આવી અને ખેંચી ગયું.' તો આપણને શંકા પડે તો શું થાય ? એટલે આ ‘ફૂલિશનેસ’ની વાતો છે. ‘ફૂલ્સ પેરેડાઈઝ’ !!
એટલે જે કામ કરવું એમાં શંકા નહીં, ને શંકા આવે તે કરવું નહીં. ‘મારાથી આ કામ થશે કે નહીં થાય' એવી શંકા પડે ત્યાંથી જ કામ થાય નહીં. શંકા રહે છે એ બુદ્ધિનું તોફાન છે.
અને એવું કશું બનતું નથી. જેને શંકા પડે છે ને, તેને બધી ભાંજગડ ઊભી થાય છે. કર્મ રાજાનો નિયમ એવો છે કે જેને શંકા પડે, તેને ત્યાં એ પધારે ! અને જે ગાંઠે નહીં, તેને ત્યાં તો એ ઊભા જ ના રહે. માટે મન મજબૂત રાખવું જોઈએ.
આ તો ‘પ્રીકોશત' કે ડખો ?!
શંકા તો દુ:ખે ય બહુ આપે, ભયંકર દુઃખ આપે. એ શંકા ક્યારે નીકળે ?! ઘણાં ફેરા હજાર-બે હજારના દાગીના, ઘિડયાળ ને એ બધું લૂંટી લીધું હોય કોઈએ રસ્તામાં મારીને, તો પછી કપડાં-ઘડિયાળ-ઘરેણાં ફરી પહેરીને બહાર જવાનું હોય તો તે ઘડીએ શંકા ઊભી થાય કે આજ ભેગો થશે તો ? હવે ન્યાય શું કહે છે ? ભેગો થવાનો એમાં છૂટકો થવાનો નથી અને તું શું કરવા વગર કામનો શંકા કરે છે ?!
પ્રશ્નકર્તા : એ શંકા ઊભી થઈ, હવે ત્યાં એની માટે કોઈ ‘પ્રીકોશન’ લેવા કરવાની કંઈ જરૂર રહેતી નથી ?
દાદાશ્રી : ‘પ્રીકોશન’ લેવાથી જ બગડે છે ને ! અજ્ઞાનીને માટે
બરોબર છે. જો આ કિનારે જવું હોય તો આ કિનારાનું બધું એકઝેક્ટ કરો.
૧૧૦
આપ્તવાણી-૯
પેલે કિનારે રહેવું હોય તો પેલા કિનારાનું એકઝેક્ટ રાખો. જો શંકા કરવી હોય તો પેલે કિનારે રહો. આ તો અધવચ્ચ રહીએ એનો અર્થ જ નહીં !
પ્રશ્નકર્તા : પણ કોઈ ડેન્જર સિગ્નલ' આવે એટલે એમાં શંકા ન સેવીએ, પણ એના માટે સાહજિક ભાવે ‘પ્રીકોશન' લેવા જોઈએ ને ?
દાદાશ્રી : ‘પ્રીકોશન' તમારાથી લેવાય જ નહીં. ‘પ્રીકોશન’
લેવાની શક્તિ જ નથી. એ શક્તિ છે નહીં, એને ‘એડોપ્ટ’ કરવું એનો અર્થ શો છે ?
પ્રશ્નકર્તા : અમારામાં ‘પ્રીકોશન’ લેવાની શક્તિ જ નથી ?
દાદાશ્રી : બિલકુલે ય શક્તિ નથી. જે શક્તિ ના હોય, તેને અમથા માનીએ એ કામનું જ નહીં ને ! આ તો ‘પ્રીકોશન’ લેવાની શક્તિ નથી ને કરવાની યે શક્તિ નથી અને ‘પ્રીકોશન’ ‘ચંદુભાઈ' લઈ જ લે છે. તમે વગર કામના ડખો કરો છો. કરે છે કોઈક બીજો અને તમે માથે લઈ લો છો એનું તેથી બગડે છે.
પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈ ‘પ્રીકોશન’ લે, એનો વાંધો નથી ?
દાદાશ્રી : એ લે જ. એ તો લે જ, હમેશાં ય લે. વાતો કરતો કરતો કોઈ માણસ ચાલતો હોય, એટલે એ બેધ્યાનપણે ચાલતો હોય પણ જો એકદમ સાપ જોવામાં આવે આમ જતો, તો એકદમ કૂદી જાય છે એ. એ કઈ શક્તિથી કૂદે છે ? કોણ કૂદાડતું હશે ? એવું બને કે ના બને ? આટલી બધી સાહજિકતા એકલી છે આ દેહમાં. આ ‘ચંદુભાઈ’ને એટલી બધી સાહજિકતા છે કે આમ દેખતાંની સાથે કૂદે.
પ્રશ્નકર્તા : પણ એવી સાહજિકતા અમારા કામધંધામાં, વ્યવહારમાં નથી આવતી.
દાદાશ્રી : એ તો ડખો કરો છો તેથી.
ને શંકા કરવી તો બધી જાતની કરવી જોઈએ, કે ‘ભાઈ, કાલે મરી જવાય તો શું થશે ? કોઈ ના મરી જાય ?’