Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આ રીતે સમસ્ત આગમોના ભાવોનો અર્થરૂપે તીર્થંકરોએ ઉપદેશ આપ્યો છે. ગણધરોએ તેને સૂત્ર રૂપે ગૂંથ્યા છે અને કાલક્રમે અનેક પૂર્વાચાર્યો તે તે ભાવોમાંથી કોઈ ચોક્કસ વિષયને સંક્ષિપ્ત રૂપ આપી શાસ્ત્ર રૂપે પ્રસિદ્ધ કર્યા છે. સંક્ષેપમાં શાસ્ત્રના સર્વ ભાવો મૂલતઃ તીર્થંકર કથિત છે, તેથી તે પરમ શ્રદ્ધેય, આદરણીય અને આચરણીય છે. છેદ સૂત્રોનો વર્ણ વિષય :- સામાન્ય રીતે છેદ સૂત્રોના વિષયને ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય છે. (૧) ઉત્સર્ગ માર્ગ (૨) અપવાદ માર્ગ (૩) દોષ સેવન (૪) પ્રાયશ્ચિત્ત.
ઉત્સર્ગ માર્ગ -- જે નિયમોનું પાલન કરવું પ્રત્યેક સાધુ-સાધ્વીને અનિવાર્ય હોય, તે ઉત્સર્ગ માર્ગ છે. જેમ કે પંચ મહાવ્રતોનું પાલન કરવું તે સર્વ સાધુ-સાધ્વીઓ માટે સામાન્ય નિયમ છે. સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારના વસ્ત્રો કલ્પે છે. ચામડાંનાં વસ્ત્રો કલ્પતા નથી. આ સામાન્ય નિયમ છે, તે ઉત્સર્ગ માર્ગ છે. તે નિયમોનું પ્રામાણિકતાથી પાલન કરનાર સાધુ પ્રશંસનીય અને આદરણીય બને છે. ઉત્સર્ગ માર્ગને સામાન્ય આચાર વિધિ કહે છે.
અપવાદ માર્ગ -- વિશિષ્ટ પરિસ્થિતિમાં સામાન્ય આચાર વિધિના પાલનમાં જે છૂટ અપાય, તે અપવાદ માર્ગ છે, તેને વિશેષ વિધિ પણ કહે છે. જેમ કે– સાધુને ચામડાંના વસ્ત્ર કલ્પનીય નથી, તે ઉત્સર્ગ માર્ગ છે પરંતુ રોગ આદિ વિશેષ પરિસ્થિતિમાં સાધુ ચર્મખંડનો ઉપયોગ વિવેકપૂર્વક કરી શકે છે. આ અપવાદ માર્ગ-વિશેષ વિધિ છે. તેના બે પ્રકાર છે– (૧) નિર્દોષ અપવાદ અને (૨) સદોષ અપવાદ. ઉત્તરગુણ પ્રત્યાખ્યાનમાં જે છૂટ-આગાર રખાય, તે નિર્દોષ અપવાદ છે, જેમ કે– સાધુએ ગૃહસ્થને ત્યાં બેસવું નહીં, તે ઉત્સર્ગ માર્ગ છે, પરંતુ વૃદ્ધ, ગ્લાન કે તપસ્વી સાધુને અત્યંત જરૂરી હોય, તો તે થોડીવાર બેસી શકે છે, આ નિર્દોષ અપવાદ છે. નિર્દોષ અપવાદ સેવનનું પ્રાયશ્ચિત્ત હોતું નથી, પરંતુ સાધુ વિવેકપૂર્વક અત્યંત જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરે છે.
જે ક્રિયા અનિવાર્ય પરિસ્થિતિમાં ઇચ્છા ન હોવા છતાં કરવી પડે છે; જે ક્રિયામાં હિંસાદિ દોષનું સેવન કરવું પડે છે; તે સદોષ અપવાદ છે; જેમ કે– સાધુએ જલમાર્ગે વિહાર ન કરવો, તે ઉત્સર્ગ માર્ગ છે પરંતુ અનિવાર્ય પરિસ્થિતિમાં નદી પાર કરવી પડે, તો તે મહિનામાં બે વાર કરી શકે છે. આ સદોષ અપવાદ છે. સદોષ અપવાદના સેવન પછી તુરંત પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને સાધક શુદ્ધિ કરે છે.
57