Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-પ
૩૦૯
अत्थियाइं त्थ केइ वेयावच्चकरे कप्पइ णं तेणं वेयावच्चं कारवेत्तए, णत्थियाइं त्थ केइ वेयावच्चकरे, एवं णं कप्पइ अण्णमण्णेणं वेयावच्चं कारवेत्तए ।
ભાવાર્થ :- જે સાધુ અને સાધ્વીઓ સાંભોગિક છે, તેણે પરસ્પર એકબીજાની સેવા કરવી કલ્પતી નથી. જો સ્વપક્ષમાં કોઈ વૈયાવચ્ચ કરનાર હોય તો તેની પાસે વૈયાવચ્ચ કરાવવી કલ્પે છે. જો સ્વપક્ષમાં વૈયાવચ્ચ કરનાર કોઈ ન હોય તો સાધુ-સાધ્વીએ પરસ્પર વૈયાવચ્ચ કરવી કલ્પે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને પરસ્પર એક બીજાના કાર્યો કરવાનો નિષેધ છે. સાધુ-સાધ્વીએ
સંયમની નિર્મળતા માટે શરીર સબંધી અને ઉપકરણ સબંધી આવશ્યક કાર્ય સ્વયં કરી લેવા જોઈએ અને ક્યારેક જરૂર પડે તો સાધુ સહવર્તી અન્ય સાધુઓ પાસે અને સાધ્વીઓ સહવર્તી અન્ય સાધ્વીઓ પાસે કરાવી શકે છે, તે વિધિમાર્ગ છે.
રોગ આદિ કારણોથી અથવા પરિસ્થિતિવશ પરસ્પર સેવા કરવી કે કરાવવી પડે, તો સાધુ-સાધ્વી પરસ્પર વિવેકપૂર્વક પોતાનું કાર્ય કરાવી શકે છે, તે અપવાદમાર્ગ છે.
સાધુ-સાધ્વીના પરસ્પરના વ્યવહારની પ્રવૃત્તિઓથી અતિસંપર્ક, મોહવૃદ્ધિ, કયારેક બ્રહ્મચર્યમાં અસમાધિ ઉત્પન્ન થઈ શકે છે અને આ પ્રકારનો પરસ્પર અનાવશ્યક અતિસંપર્ક જોઈને જનસાધારણમાં ઘણા પ્રકારની કુશંકાઓ ઉત્પન્ન થઈ શકે છે, તેથી વિશેષ કારણ વિના સાધુ-સાધ્વીઓએ પરસ્પર સેવા કરવી ન જોઈએ.
સર્પદંશ ચિકિત્સાઃ
२१ णिग्गंथं च णं राओ वा वियाले वा दीहपुट्ठो लूसेज्जा, इत्थी वा पुरिसस्स ओमावेज्जा, पुरिसो वा इत्थीए ओमावेज्जा । एवं से कप्पर, एवं से चिट्ठइ, परिहारं च से णो पाउणइ, एस कप्पो थेरकप्पियाणं । एवं से णो कप्पइ, एवं से णो चिट्ठइ, परिहारं च णो पाउणइ, एस कप्पे जिणकप्पियाणं ।
ભાવાર્થ :- જો કોઈ સાધુ અથવા સાધ્વીને રાત્રે અથવા વિકાળમાં (સંધ્યા સમયે) સર્પ ડંશે અને તે સમયે કોઈ સ્ત્રી સાધુની અને કોઈ પુરુષ સાધ્વીની સર્પદંશ ચિકિત્સા કરે, તો એ રીતે ઉપચાર કરાવવો તેને કલ્પે છે. આ રીતે ઉપચાર કરાવવાથી પણ તેની સાધુતા રહે છે તથા તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. આ સ્થવિરકલ્પી સાધુઓનો આચાર છે.
જિનકલ્પીને આ રીતે ઉપચાર કરાવવો કલ્પતો નથી, આ રીતે ઉપચાર કરાવવાથી તેનો જિનકલ્પ રહેતો નથી અને તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. આ જિનકલ્પી સાધુઓનો આચાર છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં જિનકલ્પી અને સ્થવિરકલ્પી સાધુની આચાર ભિન્નતાનું નિદર્શન છે. બૃહત્કલ્પસૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં સ્થવિરકલ્પી અને જિનકલ્પી સાધુની આચાર ભિન્નતાનું કથન છે.