Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
હકીકત છે. પરંતુ શાસ્ત્રકાર આ સ્થૂલ સિદ્ધાંતની પ્રક્રિયા પરમાણુ સૃષ્ટિથી અર્થાત્ અતિ સૂક્ષ્મ સૃજન ક્રિયામાં સમાયેલી છે તે બતાવવા માંગે છે અને આ ક્રિયા અતિ સૂક્ષ્મ જગતમાં સ્વતઃ સૃષ્ટ થાય છે, ત્યાં મનુષ્ય બુદ્ધિની કોઈ પહોંચ નથી. તેમજ કોઈ પ્રકારનું માનવીય કર્તૃત્વ નથી. તે એક ગૂઢ સત્ય છે. જૈનદર્શન સ્વતંત્ર સૃજન શૈલી પ્રદર્શિત કરે છે. જ્યારે કેટલાક દર્શનો તેને ઈશ્વર કૃત માને છે. ખરું પૂછો તો તે પરમાણુઓ જ સ્વયં ઐશ્વર્યવાન હોવાથી પોતે પોતાના ઈશ્વર છે. પરંતુ જૈનદર્શનમાં આ સૂક્ષ્મ જગતમાં કેટલી મોટી અને કેટલા વિશાળ પ્રમાણમાં ક્રિયાઓ ચાલી રહી છે, તેનું જ્ઞાન આપવામાં આવ્યું છે.
આ રીતે અમોએ થોડા ઉદાહરણો ઉપસ્થિત કરી ગૂઢ ભાવોની સમીક્ષા કરી છે. જો આ દૃષ્ટિ કેળવવામાં આવે તો ભગવતી સૂત્ર રૂપ મહાસાગરમાં પડેલા હજારો રત્ન અને નવનીતરૂપ સિદ્ધાંતો દષ્ટિ ગોચર થાય તેમ છે. સામાન્ય પરંપરા પ્રમાણે પાઠોનું રટણ કરી લે કે સ્થૂલ ભાષાન્તર વાચી લે, વધારે આગળ ન વધે તો સ્વાધ્યાય લાભ તો જરૂર થાય, કર્મની નિર્જરા પણ થાય, પરંતુ માનવજાતિને ઉપકારી તથા શાસનની અપૂર્વ પ્રભાવના થાય તેવા ગૂઢ રહસ્યો ચીંથરે વીંટેલા રત્નની જેમ દૃષ્ટિથી અગોચર રહેવા પામે, અસ્તુ......
આટલું કહી આ ઝાંખી સમાપ્ત કરતાં પહેલાં, આ વિરાટ શાસ્ત્રનો ઊંડો સ્વાધ્યાય કરી, પદેપદનું આલેખન કરી જ્ઞાનતપમાં બેઠેલા સંત-સતીજીઓને પુનઃ પુનઃ કોટી કોટી અભિનંદન આપતા, માનો મસ્તક નમી પડે છે. પ્રભુની આ વીરવાણી, વિશ્વમાં જેને બેજોડ કહી શકાય અને જેની રચના આચાર્યદેવોએ અપૂર્વ તપ કરી સૂત્રબદ્ધ કરી રાખી છે; તે રચનાને હજારો વર્ષો પછી પુનઃ ગુજરાતી સમાજ સામે બહુજ વ્યવસ્થિત રીતે પ્રકાશિત કરી, ગુજરાતને આગમ સાહિત્યનો અણમોલ ખજાનો અર્પિત થઈ રહ્યો છે. ખરું કહો તો એ પૂજ્ય મોટા રતિલાલજી સ્વામીની જીવનભરની નિરંતર તપસ્યાનો મહા પ્રસાદ છે, તેમ કહેવું સોળઆના ઔચિત્ય ધરાવે છે. તેથી પણ વધારે આજે જ્ઞાનતપ કરી જે સતીવૃંદ પુરુષાર્થ કરી રહ્યા છે તે પણ એટલા જ વધાઈને પાત્ર છે. આ પ્રકાશનમાં બે પંક્તિઓ નિર્દેશિત કરવા માટે જે સ્વર્ણ અવસર ઉપલબ્ધ થયો છે તે મારે માટે ગૌરવનો વિષય છે. સુજ્ઞ બંધુ ! તત્ત્વ સમજી, લાભ ઉઠાવે અને કોઈ પ્રશ્ન સમાહિત ન થાય તો યોગ્ય અવસરે સમાધાન મેળવવાના અધિકારી છે.
AB
31
જયંતમુનિ પેટરબાર