________________
દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણ
૧૯૮
નથી. અને કદાચ ભેગી થઈ હોય તો તે દ્રવ્યથી ભેગી થાય છે. આજે બંધુઓ-બંધુઓ પ્રત્યે પ્રેમ-લાગણી નથી. કેમ ? બંનેમાંથી પરમાત્મા નીકળી ગયા છે. શું અડી–અડીને રહેવાથી એક થવાય છે ? ના.
ફાધરવાલેસ આ વાત દૃષ્ટાંત આપી સમજાવે છે કે, એક વૃક્ષ ઉપર ઘણી બધી કેરીઓ છે. ઝાડ ઉપર છે ત્યાં સુધી બધી કેરીને એક જ આંબામાંથી રસ મળી રહે છે. ત્યાં સુધી આનંદ કિલ્લોલ કરે છે. કેમ કે બધી કેરીઓનો સંબંધ પરમતત્ત્વ (આમ્રવૃક્ષ) સાથે જોડાયેલો છે. એમાંથી એનો રસ, હવા, પાણી, ખોરાક, ક્ષારો થડ શાખાઓ દ્વારા બધી કેરીઓને પહોંચે છે. એમાંથી પ્રણયનો સંદેશ મળ્યા કરે છે. વૃક્ષ ઉપર કેરીઓ ભલે જુદી જૂદી દેખાય છે. એક કેરી આ શાખા ઉપર ને એક કેરી પેલી શાખા ઉપર ભલે જૂદી હોય, પણ તે બધી કેરીઓ એક છે. કેમકે તે બધી કેરીઓનો પરમપિતા રૂપ વૃક્ષ એક છે. તે બધાનો પરમપિતા સાથેનો સંબંધ જોડાયેલો છે. એટલે જૂદી જૂદી શાખાઓ ઉપર દેખાતી જૂદી જૂદી કેરીઓ પણ એક છે.
હવે બધી કેરીઓ તોડીને ટોપલામાં ભરી દીધી. ટોપલામાં બધી કેરીઓ સાથે છે. અડીઅડીને રહેલી છે. પણ તે દૂર દૂર છે. કેમ કે પરમપિતા સાથેનો સંબંધ તૂટ્યો છે. હવે એ કેરીનું જીવન કેવું? હવે આનંદ, કલ્લોલ, પ્રણય, ગોષ્ઠી બધું નાશ પામી જાય છે. હવે તો કોઈના જડબામાં ચવાવાની જ તૈયારી છે.
એમ જો જીવનને આનંદમય બનાવવું હોય તો પરમાત્મતત્ત્વને તમે અપનાવતા જાવ. તમારા હૃદયમાં કે બીજાના હૃદયમાં જ્યારે પરમાત્મ તત્ત્વ ખીલે છે ત્યારે તે બે ભેગા થાય અને તે વખતે જે આનંદ અનુભવે તેવો કોઈ ન અનુભવી શકે. કારણ કે બંનેનાં હૃદયમાં પરમાત્મ તત્ત્વ એક સરખું ખીલેલું છે.
તમે બે ભાઈઓ, માતાપિતા વગેરે કેટલા વખતથી સાથે રહો છો! પણ એકબીજાની અંગત વાત કોઈને કહો છો ! ના, નથી કહેતા. કેમ? શું કારણ? તમારું જીવન કેવું છે? તમારું જીવન ટોપલામાંની કેરી જેવું છે કે શાખા પરની કેરી જેવું છે ? ટોપલામાંની કેરી જેવું છે. શાખા પરની કેરી જેવું નથી.
પણ એમાં જો કોઈ સંત, પરમસંત, જ્ઞાની-મહાત્મા આપણને મળી જાય ત્યારે કેટલો બધો આનંદ આવે છે ! કેટલો અહોભાવ જાગે છે ! તેના ચરણોમાં ઝૂકી પડીએ છીએ. સેવા કરવા તૈયાર થઈએ છીએ. જે કહે તે રીતે કરવા તૈયાર થઈએ છીએ. આત્મામાં ચોંટ લાગી જાય છે, વગેરે, વગેરે. તેનું શું કારણ ? જોકે આપણા હૃદયમાં પરમાત્મા નથી, પણ સામાના હૃદયમાં પરમાત્મા છે, બેમાંથી એકના હૃદયમાં પણ જો પરમાત્મા હોય તો શું કામ થાય છે! કેવું અદ્ભુત કામ થાય છે ? એવો આનંદ સ્વજનોની સાથે એક ઘરમાં રહેવા છતાં નથી મળતો. જ્યાં પરમાત્માનો વાસ નહીં, ત્યાં રહેવાથી કોઈ વિશેષ લાભ નહીં. આપણે જેની સાથે રહીએ છીએ તે બધા ય પરમાત્મ તત્ત્વ વિહોણા છે. પણ જ્યાં પરમાત્મતત્ત્વ એકમાં પણ ખીલ્યું હોય છે તો ત્યાં કેવું કાર્ય થાય છે !
પરમાત્માને કેવળજ્ઞાન થાય ત્યારે તેમની આસપાસ અસંખ્ય દેવો દોડાદોડી કરે છે, જઘન્યથી કરોડો દેવતાઓ સતત ફર્યા કરે છે. તિર્યંચો પણ સતત ફર્યા કરે છે. અનુકૂળ થઈને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org