________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેથી સ્પષ્ટ છે કે ભોગપ્રાપ્તિ વડે થતું સુખ જેને ઈન્દ્રિયસુખ કહે છે તે કાલ્પનિક છે તથા વાસ્તવિક સુખ એનાથી ભિન્ન છે. તે સાચું સુખ શું છે? મૂળ પ્રશ્ન તો એ છે.
સુખ તો કલ્પનામાં છે, સુખ મેળવવું હોય તો ઝૂંપડી તરફ જુઓ, પોતાનાથી દીન-દુ:ખી હોય તેમની તરફ જુઓ-એમ કહેવું એ પણ અસંગત છે, કેમકે દુ:ખી લોકોને દેખીને તો લૌકિક સજ્જન પણ દયાર્ટ થઈ જાય છે. દુ:ખીજનોને જોઈને એવી કલ્પના કરીને પોતાને સુખી માનવો-કે હું એનાથી સારી સ્થિતિમાં છું એ એનાં દુઃખ પ્રત્યે એકરુણાનો ભાવ તો છે જ, સાથે જ માન-કષાયનું પોષણ કરી સંતોષ મેળવવાની સ્થિતિ છે. એને કદીય સુખ કહી શકાય નહીં, તે સુખ તો છે જ નહીં. વાસ્તવિક સુખ કલ્પનામાં નહીં પણ આત્મામાં છે. આત્મા અનંત આનંદનો કંદ છે, તે સુખમય છે અને સુખ આત્માનો ગુણ છે. સુખ ઝૂંપડીમાં નથી, તેની પ્રાપ્તિ ઝૂંપડીમાંથી થાય નહીં. સુખ શું ઝૂંપડીમાં ભરેલું છે કે તેની તરફ નજર કરતાં મળી જાય? જ્યાં સુખ છે તેની તરફ જ્યાં લગી નજર નહીં જાય ત્યાં લગી સાચું સુખ મળશે નહીં. પોતાનું સુખ પોતાના આત્મામાં છે, તેથી સુખની ઈચ્છા કરવાવાળાઓએ આત્મોન્સુખી થવું જોઈએ, પર સન્મુખ નજર રાખનારાઓને સાચું સુખ કદીય મળી શકતું નથી.
ભોગ-સામગ્રીમાંથી પ્રાપ્ત થતું સુખ સાચું સુખ છે જ નહીં, તે તો દુ:ખનો તારતમ્યરૂપ ભેદ છે. આકુળતામય હોવાથી તે દુઃખ જ છે. સુખનો સ્વભાવ તો નિરાકુળતા છે અને ઈન્દ્રિયજનિત સુખમાં નિરાકુળતા હોતી નથી, તથા આત્મા અતીન્દ્રિય હોવાથી જેમ ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરી શકાતો નથી તેવી જ રીતે અતીન્દ્રિય સુખ પણ આત્મામય હોવાથી ઈન્દ્રિયો દ્વારા મેળવી શકાતું નથી.
કેટલાક લોકો કહે છે કે-તમે આ કરો, તે કરો, તમારી મનોકામના પૂરી થશે, તમને ઈચ્છિત વસ્તુ મળી જશે અને તમે સુખી થઈ જશો. આ પ્રમાણે કહેનારાઓ ઈચ્છાઓની પૂર્તિ થવી એ જ સુખ અને ઈચ્છાઓની પૂર્તિ ન થવી એ જ દુઃખએમ માનતા હોય છે.
૪૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com