________________
તે સમજાતું નથી. તે અંગે વિચારવાથી સમજાશે કે ગુરુપારતંત્ર અને શુશ્રુષાનો અભાવ હોવાથી આવી કરુણ પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ વિષયમાં ગંભીરતાપૂર્વક ઘણું વિચારવાનું છે. અહીં અત્યારે એ શક્ય નથી. અવસરે અન્યત્ર એ અંગે જણાવીશ. ત્યાં સુધી મુમુક્ષુઓ એટલું યાદ રાખે કે કોઈ પણ રીતે સમયસર શુશ્રુષાને કેળવી લે તો તેમના જીવનમાં કોઈ અપૂર્વ આનંદની અનુભૂતિ કરી શકશે. ||૧૧-રા
પરમશુશ્રુષાનું ફળ જણાવાય છે - यूनो वैदग्ध्यवतः कान्तायुक्तस्य कामिनोऽपि दृढम् । किन्नरगेयश्रवणादधिको धर्मश्रुतौ रागः ॥११-३॥
“સર્વકલાઓમાં કુશલ; મનોહરપત્નીથી યુક્ત અને ગીતના રસિક એવા યુવાનને કિન્નરો દ્વારા ગવાતા ગીતના શ્રવણમાં જે રાગ છે તેથી પણ અધિક ઘર્મશ્રવણમાં પરમશુશ્રુષા હોતે છતે રાગ હોય છે.” આ પ્રમાણે ત્રીજી ગાથાનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે પરમશુશ્રુષાનું ફળ અત્યન્ત ઉત્કટ કોટિનો ધર્મશ્રવણસંબંધી રાગ છે. એની ઉત્કટતાને સમજાવવા યુવાનના ગીતશ્રવણના રાગનું દૃષ્ટાંત આપ્યું છે.
યુવાન પુરુષ હોય, સર્વ કલાઓમાં તે કુશલ હોય; પાસે અત્યંત પ્રિય એવી પત્ની હોય અને સંગીતનો તે રસિયો હોય. આવા માણસને કિન્નર જાતિના દેવો દ્વારા ગવાતું સંગીત સાંભળવામાં જે રાગ થાય છે, તેથી પણ અધિક રાગ;