________________
શહેરનું ઋણ
આપણા દેશમાં નાગરિક ભાવના બહુ ઓછી છે. આપણી નદીઓ જુઓ. આવાં ખીચોખીચ ભરેલાં શહેરની નદીઓ આવી ન હોય. શહેરીઓ જે રીતે નદીનો ઉપયોગ કરે છે એ શોભે એવું નથી.
આજે યુરોપમાં પુલો બાંધે છે ને ભાંગે છે. ભલે ભાંગતા હોય પણ એમણે બાંધ્યા કેવી સારી ભાવનાથી !
આપણામાં આ બધી એબો ક્યાંથી આવી એનાં કારણોમાં ન જતાં એને આપણે કાઢવી જોઈએ. ગુલામ પ્રજા એટલે ઉકરડો. એટલે ગુલામીને કૂદી જવાના પુલ કરવા જોઈએ.
જે શહે૨માં વસીએ છીએ અને સ્વચ્છ રાખવા વગેરેનું ઋણ અદા ન કરીએ તો જે મોટાં કામ કરવાનાં છે તે નહીં કરી શકીએ.
३०
કૃત્રિમ શાંતિ
છેલ્લાં પચાસ વર્ષથી પ્રજા કૃત્રિમ શાંતિથી ટેવાયેલી છે. તેથી તેને અશાંતિથી ન ડરતાં શીખવવાનું રહે છે. ખોટી અફવા રોકવી જોઈએ, અને લોકોને સમજાવવું જોઈએ કે જો સલામતી જોઈતી હોય તો ગામેગામ જાતે જ બંદોબસ્ત કરી લેવો પડશે.
આપસઆપસનાં વેરઝેર ભૂલી જવાં જોઈએ. ઊંચનીચના ભેદ, સ્પૃશ્યઅસ્પૃશ્ય એવા અનેક જાતના ભેદ છોડી દેવા જોઈએ.
લોકોએ હવે એક બાપની પ્રજા બનીને રહેવું જોઈએ. હિન્દુસ્તાનમાં પહેલાં જેમ સ્વરાજ હતું બધા કજિયા ગ્રામપંચાયત મારફતે ચૂકવાતા ને ગામડાના વડીલો ગામની પ્રજાને પોતાની પાંખમાં લઈને બેસતા ને તેમને સાચવતા, એ જે સ્થિતિ હતી તે સ્થિતિ લાવવી જોઈશે... પણ તમે સરકાર સામે મોં ફાડીને જોશો તો એમાં કંઈ નહીં વળે.
૩૧