________________
ન યુનિવર્સિટીનો પાક - યુનિવર્સિટીનો કબજો લેવો એ કાંઈ મોટી વસ્તુ નથી. જેઓ દેશી રાજ્ય તથા બ્રિટિશ હિન્દ્રની પ્રજા. માટે સ્વાતંત્ર ઇચ્છે છે તેને એ મોટી વાત નથી. છતાં આપણે કીડીને વેગે બધું ચલાવીએ એ ન ચાલે. જો આપણે ઘોડાવેગે ચલાવવું હોય તો ચારિત્ર્યવાળા માણસો જોઈએ. યુનિવર્સિટીના કેટલાકને જ્યારે અરજીઓ કરતા જોઉં છું ત્યારે મને જણાય છે કે, તેમનામાં તેજ નથી, દિલમાં હિંમત અને સાહસ નથી. એના અભાવથી મને ઘણું દુઃખ થાય છે. યુનિવર્સિટીનો પાક આટલો સડેલો કેમ છે ? તેનામાં તેજ કેમ નથી ? સ્વરાજ ભોગવવાનો તેનામાં ઉત્સાહ કેમ નથી ? જે અભણ માણસોમાં તેજ જોઉં છું તે પણ તેમનામાં કેમ નથી દેખાતું ? જો દિલમાં સાહસ અને કુશળતા હોય તો આ વસ્તુ મુશ્કેલ નથી. કેટલાક કહે છે કે તમે નવા માણસ કેમ નથી લેતા ? પણ હું તો મારા સાથીઓને રોજનો રોજ કહ્યાં કરું છું કે માણસો લાવો.
ન કાયરતાનો કટ્ટર શત્રુ } જો માણસો ખુની માણસોને સંઘરતા હોય, આશ્રય આપતા હોય અથવા તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તો એ પણ એના જેટલા જ ભયંકર છે. એવા માણસોની પણ જોખમદારી સરખી જ છે. એની સાથે મિત્રાચારી ક્યાં સુધી રાખી શકાય, તે આપણે વિચારી લેવાનું છે. સાપના દરમાં ક્યાં સુધી માથું મૂકવું એનું જોખમ વિચારી લેવું જોઈએ.
હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો હું સાથ કરવા કદી તૈયાર ન થાઉં.
રાજ્યની અને સત્તાવાળાઓની એવી ઇચ્છા હોય છે કે આવા પ્રસંગો ભુલાઈ જાય તો સારું. પણ આમ ભીનું સંકેલી મેળ બાંધવા જતાં ભવિષ્યમાં વધારે મોટું ગાબડું પડવાનો સંભવ છે. એટલે ગુનેગારોને પકડી કાવતરું કરનાર તત્ત્વોને શોધી કાઢવાં જોઈએ. આવી આફતોને કાયમને માટે મિટાવવી તેમાં રાજ્યનું હિત છે. રાજ્ય પોતાનો ધર્મ બજાવે કે ન બજાવે પણ આપણે તો આપણું કર્તવ્ય બજાવવા તૈયાર રહેવાનું છે. આપણે સમજપૂર્વક કામ કરવાનું છે.