________________
ન નવજુવાનોને - નવજુવાનો અહીં સારી સંખ્યામાં હાજર છે. પ્રજાની સેવાની તેમને હોંશ છે. પણ તે એકલા તમાશા જોવા ન આવે. ભાષણ કરતાં શીખવા ન આવે. સેવાને ખાતર સેવા કરતાં શીખવાની ધગશ હોવી જોઈએ. સેવાધર્મ કઠણ છે, કાંટાની પથારી પર સૂવા જેવા છે. સત્તામાં જેટલો મોહ છે, પડવાનાં જોખમો છે તેટલાં લેવાની સત્તામાં પણ પડેલાં છે. થોડો ત્યાગ કરનારને હિન્દુસ્તાનમાં લોકો પૂજે છે. એથી તો લાખો પાખંડીઓ પૂજાય છે. ભગવું પહેર્યું એટલે ભોળો હિન્દુ અને સાધુ માને છે. ભગવાધારી એટલા સાધુ નથી. તેમ ધોળી ટોપી ને ધોળું કુડતું પહેર્યું એટલે ગાંધીનો માણસ નથી થઈ જતો. થોડું ભાષણ કરતાં આવડે, છાપાંમાં લખતાં આવડે એટલે નેતા થાય એવો ખ્યાલ જો નવજુવાનોમાં હોય તો તે ભૂલભરેલો છે. પગથિયે પગથિયે ચડવું જોઈએ.
સત્યાગ્રહની ટેક પ્રતિજ્ઞાનો આ દેશમાં અનાદિ કાળથી મહિમા છે. વચન માટે જ રામચંદ્રજી રાજપાટ છોડી નીકળેલા. છીતાભાઈ (બારડોલી સત્યાગ્રહ વખતે ગામ છોડી ગાયકવાડી હદમાં વસનાર) પાસે રાજપાટ ન હતું, પણ ખેડૂતને જમીન છોડવી રાજપાટ છોડવા કરતાં વધારે કઠણ પડે છે. આ બે ભારે પ્રતિજ્ઞાનું પાલન થયું છે એ માટે ઈશ્વરનો આભાર જેટલો માનીએ તેટલો ઓછો છે. એ ટેક પાળવામાં છીતાભાઈની ભક્તિ અને શ્રદ્ધા કામ લાગ્યાં હતાં. મહાસભા પાસે કોડીની પણ મદદ લેવાની એણે ના પાડી અને તમારા ગામમાં આવીને એમણે તમારા હૃદય ઉપર સામ્રાજ્ય મેળવ્યું. આવા માણસ જ્યાં વસે ત્યાં ભગવાનનો વાસ છે. આવું કડક પ્રતિજ્ઞાપાલન કરનારા માણસો આપણને સ્વરાજ અપાવવાના છે. એવાની તપશ્ચર્યાથી આપણી શક્તિ વધેલી છે. સ્વરાજનો ઇતિહાસ જ્યારે લખાશે ત્યારે રાષ્ટ્રપતિનો રથ હાંકનાર અને સાત સાત વર્ષનાં બહારવટાં લેનાર છીતા પટેલનું નામ સોનેરી અક્ષરે લખાશે.
- ૫૪ ]