________________
આપણા દાક્તરો
દાક્તરી લાઇન લેવામાં એક સામાન્ય આકર્ષણ રહે છે કે અહીં આ મિશનરીઓ છે તો હું કેમ દાક્તર થઈને સેવા ન કરું ? પણ લોભ ગૂંગળાવી નાખે છે અને કુટુંબનો ભાર દબાવી દે છે.
આપણી પાસે સત્તા હોય તો એવો કાયદો કરવો જોઈએ કે દાક્તર થવા બહાર ન જવા દેવા. કરોડો રૂપિયા એમાં પરદેશ જાય છે.
દાક્તરોએ ભેળા થઈ આ વિચારી લેવું જોઈએ. પોતે પોતાનું મંડળ કરી આપણા દેશમાં જ દાક્તરી વિદ્યાના મોટા મોટા પ્રયોગો કરવા જોઈએ.
યુરોપમાં જે દાક્તરો છે એમાં મોટો ભાગ શોખની ખાતર દાક્તરી કરે છે, ધન કમાવાની ખાતર નહીં.
એક મિત્રે મને વાત કરી કે પોતાને મટાડ્યું ત્યારે તેણે દાક્તરને પાંચસો પાઉન્ડનો ચેક આપ્યો. પણ દાક્તરે સો રાખી બાકી પાછા આપ્યા.
આપણો ધર્મ
જો રાજા સારી રીતે રાજ કરતો હોય, તે પ્રજાનો વાલી હોય, પ્રજાનો તે સાચો સેવક હોય તો આપણે કંઈ બોલવાપણું ન રહે. પણ ગમે તેવા સારા રાજા છતાં એ રાજ્યમાં ન રહે, વરસમાં છ મહિના તો પરદેશ જ રહેતા હોય ને પ્રજાના હજારો રૂપિયા પરદેશ ખરચાતા હોય, પરદેશમાં મિલકત વસાવાતી હોય અને છ મહિના દેશમાં આવે ત્યારેયે ત્રણ મહિના તો દિલ્હી, સિમલામાં જાય ને બાકીના ત્રણ મહિના રાજ્યમાં રહે, ત્યારે મહેલમાં બેઠા બેઠા આ ભીલ લોકોને હુકમ મળે કે રાજા શિકાર કરવાનો છે, હોકાટો કરવા તૈયાર રહેજો, ને જો વાઘ વચ્ચે આવે અને પ્રાણઘાતક હુમલો કરે તોયે વાઘને રાજા સિવાય કોઈ મારી ન શકે, તો આપણો ધર્મ છે કે આપણે રાજાને રાજધર્મ શીખવવો જોઈએ. ન શીખવીએ તો પ્રજાધર્મ ભૂલીએ અને રાજદ્રોહી બનીએ. આપણે કોઈની ખુશામત કરવી નથી.
ક