________________
કાજળનો ચાંલ્લો
આ લડત એ તો રાજાના દિલનું પરિવર્તન કરવાની છે, અને એ ત્યારે થશે કે જ્યારે ચુનંદા માણસો આહુતિ આપવા તૈયાર થશે. રાજકોટનું બાલવૃદ્ધ દરેક પ્રજાજન આજે સમજી ગયું છે કે આ રાજ્યમાં રૈયત થઈને રહેવું તેના કરતાં મરવું એ વધારે સારું છે. રાજકોટનો અવાજ તો આજે હિન્દુસ્તાનની પેલી પાર પહોંચવા માંડચો છે.
કોઈ દીવાનની તાકાત નથી કે તે પ્રજાની મરજી વિરુદ્ધ કાંઈ કરી શકે. આ વખતે સમાધાની પણ કોણ કરે ? હું કોઈને પણ ચાંલ્લો કરવા જેવો જોતો નથી. મારે તો આ રાજાને કંકુનો ચાંલ્લો કરવો છે, પણ તેને કાજળનો જોઈતો હોય ત્યાં હું શું કરી શકું ? હું તો તેને ઇજ્જત આપવા આવ્યો છું. બાકી બહારના એ તો બહારના જ રહેવાના છે. ૧૯૧૭ની સાલથી આજ સુધીની બધી લડતોમાં મને અમલદારો બહારનો જ કહેતા હતા. પણ એ બધાય ચાલી ગયા અને આ પણ એ પ્રમાણે ચાલી જવાના છે.
૫૦
સાચો ગૃહસ્થ
અહીં તો એવા માણસો મારી નજરે મેં જોયા છે કે જે ફેરિયાનો ધંધો કરતા અને અતલસગજિયાણી, કિનખાબ તથા લોખંડનો ગજ લઈને ઘેર ઘેર ગામડે ગામડે ફરતા, તે આજે કરોડપતિ બની ગયા છે. તેઓ ડિગ્રી વગરના હતા. તેમણે દુનિયાની ડિગ્રી લીધી હતી; પરિશ્રમ ઉઠાવ્યો હતો.
કુદરતે દરેક માણસમાં ચેતનનો છાંટો નાખેલો હોય છે. તેનો વિકાસ કરે તો માણસ પ્રગતિ સાધી શકે છે. સાચો ગૃહસ્થ તે કહેવાય જે એક વિષયમાં પૂરેપૂરું જ્ઞાન મેળવે.
દરેક વિદ્યાર્થીએ પણ કોઈ એક વિષયમાં પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ. બાકીના વિષયમાં અપૂર્ણ હોય તો ચાલે. પણ બધા વિષયમાં અપૂર્ણ રહે તો તે આ દુનિયામાં ન ચાલે.
૫૧