________________
કસોટીનો સમય આ વખત આપણી કસોટીનો આવ્યો છે. શાને માટે આપણે જીવીએ છીએ ? આપણાં એવાં ક્યાંથી ધન્યભાગ્ય કે આપણી કિંમત કરાવી હસતે મોઢે ચાલ્યા જઈએ ? આજે તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે એમ તમે માનજો. આ વખતે હિંમતથી ગામેગામ ભટકીએ ને ફરજ અદા કરીએ તો ગુજરાતમાં સ્વરાજ ઊભું થશે. અત્યારે જ વખત આવ્યો છે, જ્યારે સ્વરાજનાં મુળ પાકાં નંખાવાનાં છે, એ વસ્તુ સમજી લેજો. ને નહીં સમજો તો વર્ષોનાં કરેલા કામો એળે જવાનાં છે ને પ્રાંતની દુ:ખદ સ્થિતિ થવાની છે.
એટલે આજે અહીંથી સંકલ્પ કરીને જવાનું છે. લડાઈની ભરતીમાં લોકો જાય છે ને ? આ તો પ્રાંતની સલામતીની ભરતી છે. એમ તો કોંગ્રેસમાં દાખલ થયા ત્યારથી જ ભરતીમાં દાખલ થયેલા છીએ. પણ લડાઈ નહીં હોય ત્યાં સુધી લશ્કર પડ્યાં પડ્યાં ખાય છે ને વખત આવ્ય લડાઈમાં જાય છે, તેમ હવે એવો વખત આવ્યો છે ને આપણી ખરી કસોટી થવાની છે. એમાંથી બહાર નીકળાય તો ખરું.
- ૩૨ -
- બોદા રૂપિયા નીકળી જાય મહીકાંઠાના બારૈયા લોકો, લૂંટ કરવા જતાં પહેલાં મહીસાગરનું પાણી પીએ છે ને પ્રતિજ્ઞા લે છે. પણ આપણી પાસે તો એવું પાણી પીવાનુંયે નથી, એનો વિચાર કરજો. તમારા જિલ્લામાં જઈને કાર્યકરોની સભા મેળવીને નિર્ણય કરજો કે આમાંથી બોદા રૂપિયા હોય તે નીકળી જાય. અંદરનું વાતાવરણ સાફ કરશો તો બહાર એની અસર થવાની છે. પછી તમે ગામેગામ લોકોને મળો ને ભય દૂર કરો. ગામેગામ ભટકતા રહો ને નિર્ભયતાનું વાતાવરણ પેદા કરો. એ તો જે સાચો રૂપિયો હશે તેનો રણકાર વાગવાનો છે ને બોદો હશે તેનો વાગવાનો નથી. ઘણી વખત માણસ અખાડાની વાત કરે છે. શું અમદાવાદમાં અખાડા નહોતા ? પણ નિર્બળ દેખાતા માણસનો આત્મા બળવાન હશે તો તેનો અવાજ દુનિયાને છેડે પહોંચવાનો છે. આજે દુનિયાના લશ્કરના બધા સેનાપતિઓમાં હિન્દુસ્તાનના સેનાપતિ મહાત્મા ગાંધીનો દેહ નિર્બળમાં નિર્બળ છે પણ તેનો રણકાર | દુનિયાને છેડે પહોંચે છે.