________________
હવા, પાણી ને કપડાં
સારામાં સારું જીવન ગાળવું હોય તો પહેલાં તો આપણે વિચાર કરવો જોઈએ કે સૌથી વધારે અગત્યની વસ્તુ જીવવા માટે કઈ છે ? એ છે હવા. એના ઉપર કોઈનો કાબૂ નથી. સરકારનો કાબૂ પણ નહીં ચાલે. દરિયાકાંઠે સારામાં સારી હવા હોય છે. એવી હલકી હવા હોય છે જેથી ફેફ્સાં પણ સારાં થઈ જાય. આથી એવી જગ્યાએ લોકો આરોગ્યભવન બનાવે છે. બીજું જોઈએ પાણી. જ્યાં ખાડો ખોદો ત્યાં પાણી. એ ભગવાનની ક્ષિસ છે. એના ઉપર કોઈનો કાબૂ નથી. ભગવાનનો કાબૂ છે. એનો ઉપકાર માનવો જોઈએ કે, એણે આવી સરસ હવા ને પાણી આપ્યાં. સૂકોપાકો રોટલો મળે તો હિન્દુસ્તાનના ગામડાના લોકોને બહુ સંતોષ છે. એ સારી વાત છે. જે લોકો માછલાં ખાનાર છે એને માટે તો દરિયામાં ઢગલો પડેલાં છે. પછી બાકી રહે છે પહેરવાનાં કપડાં. તો એને માટે આપણે હાથ ચલાવવો જોઈએ.
૩૮
સ્વર્ગ અને નરક
તમને હવા મફત મળે, પાણી મફત મળે; તો અનાજ અને કપડું પેદા કરી લો. જરૂરિયાત કરતાં વધારે વસ્તુ વાપરવી એ સારું નથી. હું જોઉં છું કે તમારી સ્ત્રીઓ ઓછામાં ઓછું કપડું વાપરે છે. એ બહુ સારી વાત છે.
ગામ સ્વચ્છ રાખવું જોઈએ. ગામમાં ચીંથરાં નહીં પડેલાં હોવાં જોઈએ. ઢોરના પોદળા ગમે ત્યાં પડેલા ન હોવા જોઈએ. ગોજું ન હોવું જોઈએ. પરદેશી પાસે મોટામાં મોટી વસ્તુ શીખવાની હોય તો તે સ્વચ્છતા છે.
એક મહિનામાં મેં શાંતિ ભોગવી. અહીં લોકો ઉદ્યમી છે. ખુલ્લે બારણે સૂઈ રહેવાય છે. ચોરી નથી. આટલા બધા ભલા સજ્જન લોકો છે, તો થોડુંક વધારે સ્વચ્છ રહેતાં શીખી લો, તમારી જરૂરિયાતની વસ્તુ પેદા કરતાં શીખી લો. માણસ પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરક બનાવી શકે છે.
૩૯