________________
કૂતરાના મોતે ન મરવું
બંદૂકવાળો તો બંદૂક તાકે છે. એમાં એને નિશાનની ફિકર છે. આપણે શાની ફિકર ? આપણે જો અહિંસાત્મક હોઈએ તો આપણા ઉપર નિશાન ભરવાની જવાબદારી બીજા ઉપર આવે છે.
બાપુએ ઘણી વાર સમજાવ્યું છે પણ આપણે તો અહિંસા-હિંસાની ચર્ચામાં પડી જઈએ છીએ. મારનારો કોણ છે જે મરણિયો હોય તેને ? બાપુ તો ઠોકી ઠોકીને કહે છે કે મરતાં ન આવડે તો મારતાંયે આવડે છે કે નહીં ? કંઈ નહીં તો મારતાં મારતાં તો મરો. કૂતરાના મોતે મરવા કરતાં મારતાં મારતાં તો મરો. એ વસ્તુ કૉંગ્રેસમૅનોએ પ્રજાને સમજાવવાની જરૂર છે.
જ્યાં જ્યાં કજિયા હોય ત્યાં ત્યાં પંચ નીમી પતાવી દો. ગામમાં કોઈ ભૂખે મરતું હોય ને તેની પાસે કંઈ જ સાધન નહીં હોય તો ગામે તેનો બંદોબસ્ત કોઈ પણ રીતે કરી આપવો જોઈએ, જોઈએ તો કંઈ કામ આપીને.
३४
બીકણ લૂંટારા
મારા પોતાના અનુભવની એક વાત કહું. બાબર દેવા બહારવટે નીકળ્યો ત્યારે આણંદ તાલુકાના ને આજુબાજુના પ્રદેશના ગામેગામના લોકો દહાડો આથમતાં બધા ઘરમાં પેસી જાય ને દહાડો ઊગે ત્યારે બહાર નીકળે.
પેલો બહારવટિયો ચાળીસ-પચાસ માણસ લઈને ધોળે દહાડે ફરે. કોઈની મીઠાઈ લૂંટે, બાળકોને મીઠાઈ વહેંચી દે, કોઈને મારવો હોય તેને મારી જાય; પોલીસ પોતે પણ ડરે. તેઓ બહારથી થાણાને તાળું મરાવી દે ને અંદર સાંકળ ચડાવે ને ખાટલા નીચે સૂઈ જાય. પણ જે દિવસે અમે ગયા તે દિવસથી તે નાઠો. એ જ પ્રમાણે ગુજરાત પ્રાંતિક સમિતિના સભ્યોએ ફરવાનું છે. કારણ લૂંટારા બીકણ રૈયતમાં પોષાય પણ રૈયત રૂઠી હોય તો તે નહીં નભી શકે.
ગામમાં પંચો સ્થાપી એટલે વાતાવરણ સાફ કરી સંગઠન કરો.
૩૫