________________
Vol. XXX, 2006
મૈત્રક રાજા ધ્રુવસેન ૨ જાનું જેસર દાનશાસન,
વેદની શાખા, એનું મૂળ નિવાસસ્થાન, વગેરે વિગતો આપવામાં આવી છે સ્થાણેશ્વરમાંથી નીકળીને મટસર ગામમાં વસેલા કૌશિક ગોત્રના, શુક્લ યજુર્વેદની વાજસનેયી સંહિતાની માધ્યદિન શાખાના બ્રાહ્મણ દેવશર્માના પુત્ર બ્રાહ્મણ પ્રતિરૂપને ભૂમિદાન આપવામાં આવ્યું હતું. (પં. ૩૩).
213
દેયભૂમિનું ગામ સુરાષ્ટ્રમાં ઓસાતિવોટસ્થલીમાં આવેલું પેપ્યાવટ ગામ છે. (પં. ૩૪). આ ગામની પશ્ચિમ સીમાએ કુટુંબી કુહુટની ૧૨ પાદાવર્ત જમીનના ઘેરાવાવાળી વટ વાપી છે. પેપ્યાવટ ગામની પૂર્વ દિશામાં મહત્તર મિશ્રણકની માલિકીની વાપી, દક્ષિણ દિશામાં ગુહદાસની માલિકીની વાપી, પશ્ચિમ દિશામાં યમલ વાપી અને ઉત્તર દિશામાં વિવીત ગામ તરફ જવાનો રસ્તો છે. એ જ ગામની દક્ષિણ સીમામાં કુટુંબી નાગહૃદે ખેડેલું સો પાદાવર્તના માપવાળું ખેતર છે, જેને દેયભૂમિ તરીકે આપવામાં આવ્યું. આ ખેતરની સીમાઓ આ પ્રમાણે હતી : એની પૂર્વ દિશામાં દિન્તકની માલિકીનું ખેતર, દક્ષિણ દિશામાં મસાતી નદી, પશ્ચિમ દિશામાં દ્રાંગિક મિશ્રણકનું ખેતર અને ઉત્તરમાં રામસ્થલી હતી. આ પ્રમાણે ચારે બાજુના ખૂંટથી વિશુદ્ધ વાપી અને ખેતર દાનમાં આપ્યું (પં. ૩૫-૩૭). આ ભૂમિ ઉદ્રંગ (જમીનદાર પાસેથી વસૂલ કરાતું સામટું મહેસૂલ), ઉપરિકર (જમીન પર માલિકી-હક ન ધરાવતા ખેડૂતો પર નાખેલો કર), ધાન્યહિરણ્યાદેય (ધાન્ય અને હિરણ્યના રૂપમાં લેવાતું મહેસૂલ), ભૂતવાત પ્રત્યાય (ગામમાં ઊપજેલી અને આયાત કરેલી ચીજો પરનો ક૨), દશાપરાધ (દશ પ્રકારના અપરાધો માટે લેવાતો દંડ) અને ઉત્પદ્યમાનવિષ્ટિ (જરૂર પડ્યે વેઠ કરાવવાનો હક) સહિત આપવામાં આવી છે. આ દાન ભૂમિચ્છિદ્ર (પડતર જમીનની રૂએ તથા કરમુક્ત પ્રકારે) ન્યાયે શાશ્વત કાલ માટે અપાયું હતું અને પુત્રપૌત્રાદિને એના ભોગવટાનો હક હતો (પં. ૩૮-૩૯). વળી જણાવવામાં આવતું કે ધર્મદાન અનુસાર પ્રતિગ્રહીતા એનો ઉપભોગ કરે, ખેડે કે ખેડાવે અથવા અન્યને સોંપે તો એમાં કોઈએ અંતરાય કરવો નહીં (પં. ૩૯-૪૦). ‘અમારા વંશના કે અન્ય ભાવિ નૃપોએ ઐશ્વર્ય ચંચળ છે, જીવન અસ્થિર છે અને ભૂમિદાનનું ફળ સર્વને સામાન્ય છે એમ માનીને અમારા આ દાનને અનુમોદન આપવું અને એનું પરિપાલન કરવું (પં. ૪૧-૪૨).
ત્યારબાદ દાન આપવાથી કે એનું પરિપાલન કરવાથી કેવું પુણ્ય મળે છે અને આપેલું દાન લઈ લેવાથી કેવું પાપ લાગે છે એને લગતા પુરાણોક્ત ત્રણ શ્લોક ટાંકવામાં આવ્યા છે (પં. ૪૨૪૪). દાનશાસનનો દૂતક સામંત શીલાદિત્ય છે અને આ શાસનનું લખાણ સંધિવિગ્રહાધિકૃત (સંધિ અને વિગ્રહ ખાતાનો અધિકારી) અને દિવિરપતિ (રાજ્યના સર્વ લિપિકારો-લહિયાઓનો ઉપરી) વત્રભટ્ટીએ કર્યું છે. અંતે દાનની મિતિ (વલભી) સંવત ૩૦૦ (+)૧૦(+)૧ = ૩૧૧ની શ્રાવણસુદિ ૩ની આપેલી છે (પં. ૪૪-૪૫).
આ દાનશાસનના દાતા વલભીના મૈત્રક વંશના રાજા ધ્રુવસેન ૨જા બાલાદિત્ય છે. વંશસ્થાપક શ્રીભટાર્કથી દાતા રાજા સુધીની વંશાવળી નીચે મુજબ છે.