________________
Vol. XXX, 2006
પ્રાચ્યવિદ્યાવિદ્ મુનિશ્રી જિનવિજયજી
227
ઉદાર અને વિશાળ જીવન જીવનાર મુનિશ્રી જિનવિજયજીનો જન્મ મેવાડની રૂપાયેલી ગામમાં થયો હતો. પિતાનું નામ ઠાકુર વૃદ્ધિસિંહજી અને માતાનું નામ રાજકુમારી હતું. વિ. સં. ૧૯૪૪ના મહા સુદિ ૧૪ ના એમનો જન્મ થયો હતો. તેમનું નામ કિશનસિંહ રાખવામાં આવ્યું હતું પરંતુ માતા તો લાડમાં તેમને રિણમલ (રણમલ-રણમાં શૂરવીર)ના નામે જ બોલાવતા હતા. જ્ઞાતિ પરમાર રાજપૂત પણ જીવન જૈનધર્મને સમર્પિત કર્યું. મુનિજીના જીવને સાબિત કરી બતાવ્યું કે જૈન કુળમાં જન્મે તે જ જૈન કહેવાય એવું નહીં જે કોઈ જૈનધર્મને પાળવા ઇચ્છે અને પાળી જાણે એ જૈન.
અગિયાર વર્ષની કુમળી વયે પિતાનું અવસાન થયું. તે અરસામાં તેઓ યતિશ્રી દેવીસિંહજીના પરિચયમાં આવ્યા. બે વર્ષ સુધી તેમની દેખરેખમાં અભ્યાસ કર્યો. પરંતુ માત્ર બે વર્ષમાં જ યતિશ્રીનો સ્વર્ગવાસ થયો અને એ અરસામાં જ નાના ભાઈ બાદલસિંહનું અવસાન થયું. આથી સંસાર પ્રત્યેની મમતા ઓછી થવા લાગી. પરંતુ ચિત્ત કાંઈક નવું નવું જાણવા શીખવાની ઝંખનામાં અટવાવા લાગ્યું. નવું જાણવા શીખવાની અદમ્ય ઇચ્છાના કારણે તેમને સુખાનંદજી નામના એક શૈવયોગી મહંત ખાખી બાબાનો સંપર્ક થયો. વિ. સં. ૧૯૫૮માં તેઓએ તેમની પાસે દીક્ષા લીધી અને તેઓ કિશનસિંહમાંથી કિશનભૈરવ બની ગયા. પરંતુ અહીં તેમને નવું જાણવા શીખવાનું ન મળતા છ-આઠ મહિનામાં જ નિરાશ થઈ ગયા અને એક રાતે તેઓ ભાગી નીકળ્યા. સં. ૧૯૫૯માં પંદર વર્ષની વયે કિશનસિંહને સ્થાનકવાસી સંપ્રદાયના એક તપસ્વી સાધુનો પરિચય થયો. તેમની સરળતા જોઈ તેમનું ચિત્ત મુનિ તરફ આકર્ષાયું અને તેમણે જૈન સાધુ ધર્મની દીક્ષા સ્વીકારી. તેમનું નામ કિશનલાલ મુનિ રાખવામાં આવ્યું.
વિ. સં. ૧૯૬૦નું ચોમાસું ધારમાં કર્યું. અહીં તેમને સંસ્કૃત સાહિત્યના આરૂઢ વિદ્વાન્ શ્રીઘર ભાંડારકરનો પરિચય થયો. ધારમાં ભોજના વિખ્યાત સરસ્વતી મંદિરને તોડીને કમાલ મૌલાની મજીદ બનાવવામાં આવી હતી. તે મજીદનો ગુંબજ તૂટતા તેમાંથી કેટલીક શિલાઓ મળી આવી તેમાં ભોજન સમયના કેટલાંક ગ્રંથો કોતરવામાં આવ્યા હતા. સરકારે આ શિલાઓ પુરાતત્ત્વ વિભાગને સોંપી હતી. આ વાતની ખબર પડતા કિશનલાલજી ત્યાં પહોંચી ગયા અને તેમણે તે ગ્રંથો વાંચ્યા હતા. તે સમયે શ્રી ભાંડારકર પણ ત્યાં આવ્યા હતા. તેમણે કિશનલાલજીને બોલાવ્યા. મુનિશ્રીએ એ શિલાના સમગ્ર લેખને વાંચ્યો અને જણાવ્યું કે આ જૈનોનું ઉત્તરાધ્યયન સૂત્ર છે. આ વાતની શ્રી ભાંડારકરે નોંધી લીધી.
આ પ્રસંગે મુનિશ્રીને નવી દિશા આપી. તેમને પ્રાચીન લિપિઓ અને ભાષાઓના જ્ઞાનની આવશ્યકતા જણાઈ. પરંતુ અહીં તેમની જ્ઞાન પિપાસાને પૂરી કરી શકે તેવું વાતાવરણ હતું નહીં. હવે તેમનું મન વ્યાકરણ, કાવ્ય, અલંકાર, પિંગલ આદિ ભણવા તલસી રહ્યું હતું. તેથી તેમણે એક રાતે હિંમત કરી સ્થાનકવાસી સાધુ વેશ છોડી માત્ર એક ધોતી અને પાતળી ચાદર ઓઢી ઉર્જનથી ભાગી નીકળ્યા. પરિભ્રમણ કરતાં કરતાં અમદાવાદ આવી પહોંચ્યા. અહીં તેમણે અભ્યાસ માટે પ્રયાસ કર્યો પણ અનુકૂળ વાતાવરણ ન મળતાં પુનઃ તેઓ આગળ ચાલી નીકળ્યા. પાલનપુર