________________
232
જિતેન્દ્ર બી. શાહ
SAMBODHI
આવ્યો. તેમણે રાજસ્થાન પ્રાચ્ય વિદ્યામંદિરની સ્થાપના કરી અને હજારો હસ્તપ્રતોનો સંગ્રહ કર્યો. જે આજે પણ ઉપલબ્ધ છે.
સંપાદક જિનવિજયજી :
મુનિજીએ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું હતું. ગ્રંથોનું સંપાદન કરવાની તેમની પદ્ધતિ વિશિષ્ટ હતી. સર્વપ્રથમ તો તેઓ જ્ઞાનભંડારો-ગ્રંથભંડારોમાંથી પ્રાચીન હસ્તપ્રતોની ખોજ કરતા અને તેમાંથી દુર્લભ અને અલભ્ય ગ્રંથો શોધી કાઢતા હતા. તેનું અધ્યયન કરી પાઠ શુદ્ધિ કરતા અને તેના અન્ય પાઠોનું વર્ગીકરણ કરતા હતા. મૌલિક અને પ્રક્ષિપ્ત પાઠોનું વર્ગીકરણ કરવાનું કઠીન કામ તેમને હસ્તગત હતું. પદ્યો અને ખાસ કરીને પ્રાકૃત પદ્યોનું શુદ્ધીકરણ કરવાની તેમની કળા અદ્ભુત હતી. તેમણે કેટલાંક પૂર્વે પ્રકાશિત થયેલા ગ્રંથોનું પુનઃ સંપાદન કરી શુદ્ધ કર્યા હતા. પૂર્વે પ્રકાશિત થયેલા ગ્રંથોમાં પુરાતન લિપિ વિષયક અજ્ઞાનતાને કારણે, કયાંક ઐતિહાસિક જ્ઞાન વિષયક અજ્ઞાનતાને કારણે, ક્યાંક સાંપ્રદાયિક પરંપરા વિષયક અનભિજ્ઞતાને કારણે તથા પ્રાકૃત ભાષાદિ વિષયક અજ્ઞાનતાને કારણે પાઠોમાં રહેલી અશુદ્ધિને તેમણે શુદ્ધ કરેલી છે. આમ તેમનું સંપાદન ખૂબ જ મહેનત અને ખંતથી થયેલું જોવા મળે છે. આ ઉપરાંત તેઓ સંપાદિત કરેલ ગ્રંથોમાં અનેક પરિશિષ્ટો આપતા, જેમ કે મૂળગ્રંથમાં આવતા શ્લોક, ગાથાદિનો અકારાદિ અનુક્રમ, કઠીન શબ્દોનો કોશ, પ્રાકૃત શબ્દ સૂચિ, વિશેષ નામ સૂચિ, છન્દોનામ સૂચિ આદિ. આવા પરિશિષ્ટોને કારણે ગ્રંથ સંદર્ભગ્રંથની કોટિનો બની જતો હતો.
ઇતિહાસકાર જિનવિજયજી :
| મુનિશ્રીએ ઇતિહાસ વિષયક અનેક ગ્રંથોનું સંપાદન કર્યું અને પ્રકાશિત કર્યો. આ ગ્રંથોના પ્રકાશનથી અનેક અજ્ઞાત વિષયોની જાણકારી પ્રાપ્ત થઈ. પ્રવર્તક કાન્તિવિજયજી જૈન ઇતિહાસમાલા, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર અને સીંઘી જૈન ગ્રંથમાલા દ્વારા વિજ્ઞપ્તિ ત્રિવેણી, કૃપારસકોશ, શત્રુંજયતીર્થોદ્ધાર પ્રબન્ધ, જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય, પ્રાચીન જૈન લેખ સંગ્રહ, પ્રબન્ધચિંતામણિ, વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ જેવા દુર્લભ ગ્રંથોનું પ્રકાશન કાર્ય કર્યું. વિદ્યાપીઠમાં રહીને પ્રબન્ધકોશ, કુમારપાલ પ્રબન્ધ, વસ્તુપાલ ચરિત્ર, વિમલપ્રબંધ, આદિ ગ્રંથો તથા શિલાલેખ, તામ્રપત્ર, ગ્રન્થપશસ્તિ ઇત્યાદિ અન્યાન્ય પ્રકારના ગુજરાતના ઇતિહાસના સાધનભૂત સંગ્રહની સંકલના શરૂ કરી અને અનેક ગ્રંથો પ્રકાશિત કર્યા.
સંસ્કૃત અને દેશી ભાષાઓમાં લખાયેલ વિજ્ઞપ્તિ લેખોનું કામ મુનિશ્રી જિનવિજયજીએ આરંભ્ય. વિજ્ઞપ્તિ પત્રોમાં પ્રચુર માત્રામાં ઐતિહાસિક અને સાહિત્યિક સામગ્રી પ્રાપ્ત થાય છે. આ સાહિત્યપ્રકાર અપ્રકાશિત અને અજ્ઞાત હતો તેને સંશોધિત કરી પ્રકાશિત કરવાનું કાર્ય મુનિશ્રીએ કર્યું. આ વિજ્ઞપ્તિ પત્રોમાં કેટલાંક તો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ખરતર ગચ્છના એક વિજ્ઞપ્તિ પત્ર વિશે મુનિશ્રી લખે છે કે