________________
અમદાવાદ મળે સં. ૧૭૦રમાં થયેલ મકાનના હક્ક અંગેનું ખતપત્ર
રસીલા કડીઆ
પૂ. દાદા (શ્રી લક્ષ્મણભાઈ ભોજક) સાથે “શુકરાજરાસના લિખંતરને ચેક કરાવવા હું બેઠી હતી ત્યારે પ્રીતિબેને નવા આવેલા દસ્તાવેજોને નંબર આપી વિગત નોંધવાની હોવાથી શ્રી લક્ષ્મણભાઈને સાથે બેસવા જણાવ્યું. મને પણ એ પ્રક્રિયામાં મઝા પડી. આ પહેલાં થોડાંક દસ્તાવેજો અભ્યાસાર્થે મને મળેલા તેનું લિખંતર કરીને ચેક પણ કરાવેલું પણ શાળાજીવનની વ્યસ્ત કારકિર્દીમાં એથી વિશેષ કામ થઈ શકયું ન હતું અને પછી તો એ વાત ભુલાઈ ગયેલી. પૂ. દાદાએ એની યાદ અપાવી અને આ દસ્તાવેજો પણ કરી શકાય તેવી મૂક પ્રેરણા આપી. મેં પૂછ્યું : “આ કામ દાદા હું કરી શકું ?” દાદા કહે : “ચોક્કસ, જો ઇચ્છો તો.” પણ પ્રોસેસમાં હોવાથી આ દસ્તાવેજોમાંનો એક મને લિખંતર તથા અભ્યાસ અર્થે જાન્યુઆરી ૨૦૦પમાં ઉપલબ્ધ થયો. આ માટે હું લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદની સંસ્થા તથા શ્રી જિતુભાઈની આભારી છું.
સં. ૧૭૦૨માં અમદાવાદ મધ્યે થયેલ મકાનના હક્ક અંગેનું આ ખત્રપત્ર છે. આ ખતપત્ર લા.દ. ભા. સં. વિદ્યામંદિર અમદાવાદના હસ્તપ્રતસંગ્રહમાં ૧૪૮૩ નંબરનું છે. તેનું માપ ૬૦ સેમી. X ૨૩.૫ સે.મી. છે. ખતપત્રનું લખાણ આર કરેલા કાપડ ઉપર કાળી શાહીથી દેવનાગરી લિપિમાં થયેલ છે. ભાષા સંસ્કૃત મિશ્રિત જૂની ગુજરાતી છે. કુલ ૪૭ પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં અક્ષર સંખ્યા ૩૪થી ૩૮ છે. અક્ષરો મોટા છે. દસ્તાવેજ જીર્ણ અવસ્થામાં, ડાઘયુક્ત તથા સછિદ્ર છે. લિપિમાં દીર્ઘ ઈ, તથા દીર્ઘ ઉ ખાસ ધ્યાન ખેંચે છે. આજના દેવનાગરી “ઈ તથા ઉને દીર્ઘ ઈકાર તથા ઉકાર વ્યંજનમાં લાગે છે તેમ લગાડેલ છે.
દસ્તાવેજનો પ્રારંભનો અક્ષર કાપડ કરપાઈ જવાથી સ્પષ્ટ વાંચી શકાતો નથી છતાં તે “સ્વસ્તિ' હોય એમ જણાય છે વચ્ચે વચ્ચે છિદ્ર હોવાથી અક્ષરો જતા રહ્યા છે પણ જ્યાં સંદર્ભથી અક્ષરોનો નિર્ણય થઈ શક્યો ત્યાં ચોરસ કૌંસમાં મૂકેલ છે. અંતની ૪૧મી પંક્તિમાં “ત્ર મતૂ It' લખી, બાકીના અર્ધા ભાગમાં ૪૫મી પંક્તિનું બાકી રહેતું લખાણ છે અને આ લખાણનો છેલ્લો ભાગ ખૂબ જ અસ્પષ્ટ હોવાથી જેવું ઉકહ્યું તેવું મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ૪૭મી પંક્તિમાં માત્ર એક જ સહી-ભાણજીની– છે. તે જ પંક્તિના બાકીના ભાગમાં “ સત્ર સઢિ ' લખાણ છે પણ તેની નીચે એકેય સાક્ષીનું નામ નથી.
પ્રસ્તુત (દસ્તાવેજ) ખતપત્રનો પ્રારંભ “સ્વસ્તિ' એવા મંગલવાચક શબ્દથી કરીને અષાઢથી