________________
માતૃભાષાનું સિંચન
થોડા સમય પહેલાં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હતો ત્યારે ૩૦ જેટલા સર્જકો અને સાહિત્યરસિકો મળ્યા હતા. જુદા જુદા કવિઓએ અને સર્જકોએ પોતપોતાની રચનાઓ રજૂ કરી. એમાંની કેટલીક કાવ્યરચનાઓમાં ત્યાંના નવા માહોલને આત્મસાત્ કરવાની સર્જક-મથામણ પણ જોઈ શકાતી હતી. વળી ભિન્ન ભિન્ન વ્યવસાય કરનારી વ્ય િતઓની સાહિત્યપ્રીતિનો પણ ત્યારે હૃદયસ્પર્શી અનુભવ થયો હતો. અવકાશ સંશોધનની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ‘નાસા'ના હોન્સન સ્પેસ સેન્ટરના પૃથ્વી-નિરીક્ષણ વિભાગના મુખ્ય વિજ્ઞાની ડૉ. કમલેશ લુલ્લા રિમોટ સેન્સિગ અને જીઓ સાયન્સીસના વિષયના નિષ્ણાત તરીકે જાણીતા છે. એમણે અવકાશી વિજ્ઞાનનો અનુભવ ધરાવતી કાવ્યરચનાઓ રજૂ કરી. કોઈ કવિની નજર પોતાના વતન પર હોય કે બાળપણનું ગામ ગુમાવ્યાનો એને ઝુરાપો હોય, પરંતુ કમલેશ લુલ્લાને પોતાનું ગામ, પ્રદેશ કે દેશ નહીં, પણ સમગ્ર પૃથ્વી પોતાનું વતન લાગતું હતું અને એ એમની રચનાઓમાં પ્રતિબિંબિત થતું હતું.
ડાયસ્પોરા સાહિત્યનું હવે સારા પ્રમાણમાં સર્જન થાય છે. ત્યારે એનું તટસ્થ મૂલ્યાંકન જરૂરી બન્યું છે. ડાયસ્પોરા સાહિત્યની વિભાવના વિશે કેટલુંક સ્પષ્ટીકરણ અને વર્ગીકરણ જરૂરી છે. સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વિષયને એ કઈ રીતે, કયા અભિગમથી અને કેટલી સર્જનાત્મકતાથી વર્ણવે છે તે ધોરણે તેનું મૂલ્યાંકન કરવાનું રહેશે.
એક સમયે હું ગુર્જર વિશ્વપ્રવાસી’ એમ કહેવામાં આવતું. હવે હું ગુર્જર વિશ્વનિવાસી’ કહેવાનું પ્રાપ્ત થયું છે, ત્યારે એટલી આશા તો રાખીએ જ કે ડાયસ્પરા સાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને વિશ્વચૈતન્યનો નિબિડ અનુભવ-સ્પર્શ થાય.
ગુજરાતી સાહિત્ય પરિષદના તથા ગુજરાતીનો અધ્યાપક સંઘના ઉપક્રમે એકદિવસીય અધ્યાપક-સજ્જતા શિબિર યોજાઈ રહી છે ત્યારે ગુજરાતી ભાષાસાહિત્યના શિક્ષણ અંગે થોડું વિચારીએ. ભાષાના અધ્યાપનમાં એક મોટી ગંભીર ભૂલ એ થઈ કે આજે સાયન્સ અને ટેક્નોલોજીના અભ્યાસના સંદર્ભમાં એને જરૂરી મહત્ત્વ મળ્યું નથી. પ્રાથમિક શાળામાંથી જ બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવીને આપણે એને રાષ્ટ્રીય ચેતના, સાહજિક વ્યક્તિત્વ અને ભારતીય દૃષ્ટિકોણથી દૂર – વંચિત રાખીએ છીએ. એનામાં ભાષાની અસ્મિતા જ પ્રગટતી નથી. ભાષાશિક્ષણ એ સાહિત્યવિકાસની આધારશિલા છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જોઈએ તો ખ્યાલ આવશે કે આપણા ઘણા સર્જકોની સાહિત્યરુચિની માવજત અને સંવર્ધન એમના માધ્યમિક શિક્ષણ દરમિયાન થયાં છે. આજે માધ્યમિક શાળામાં અપાતા ગુજરાતીના શિક્ષણનો વિચાર કરીએ. ઉચ્ચતર માધ્યમિક શાળાનાં પરિણામો જોઈએ તો આઘાત લાગે કે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં અનુત્તીર્ણ થાય છે. ગુજરાતી ભાષાને માટે સજ્જ શિક્ષકોનો અભાવ ખેંચે તેવો છે. આને પરિણામે ગુજરાતી સાહિત્ય પર જ નહીં બલ્ક ગુજરાતી ભાષા, દર્શન, સમાજ , સાહિત્ય અને સંસ્કૃતિ – એ બધાં પર વિઘાતક અસર થઈ છે. માતૃભાષા છીનવાઈ જતાં વ્યક્તિ મૂળ સોતી ઊખડી જાય છે અને માતૃભાષાનાં મૂળિયાં સંવર્ધન પામ્યાં હોય તો બાળક સરળતાથી અન્ય ભાષા આત્મસાત્ કરી શકે છે.
સાહિત્યિક નિસબત
માતૃભાષાનું સિંચન
૨૮
૨૯