Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust

View full book text
Previous | Next

Page 38
________________ દલીલો તર્કસિદ્ધ હોવી જોઈએ. એમ હોય તો જ સાહિત્યને, સમાજને, એ વિષયને અને વિવાદકર્તાઓને – એમ સૌને કંઈ ને કંઈ લાભ થતો હોય છે. પોતાનો કક્કે ખરો કરવા કે અભિમાનને વશ થઈને પોતાની દલીલો ખોટી હોવા છતાં તેમને વળગી રહેવાનું વલણ એક પ્રકારની અપ્રામાણિકતા બતાવે છે. એવા વિકૃત વિવાદોથી ઊલટું વિઘા-જ્ઞાનનું વાતાવરણ ક્ષુબ્ધ થતું હોય છે. શ્રી કનૈયાલાલ મુનશીના આર્યસંસ્કૃતિ અને ગુજરાતનાં ઇતિહાસવિષયક નિરીક્ષણોએ, નરસિંહના સમય અને નરસિંહના કાવ્યના અર્થઘટન અંગે ઘણો વિવાદ થયો હતો, પરંતુ મધ્યકાલીન સાહિત્ય વિશે ‘ઊછળતા જીવનનું કચરિયું કરવાનો પ્રયોગ મધ્યકાલીન ગુજરાતમાં સફળ રીતે કરવામાં આવ્યો છે " એ વિધાને પછીના સમયમાં ઘણી ચર્ચા જગાવી હતી. પ્રેમાનંદ ચડે કે શામળ તે અંગે દલપતરામ અને નવલરામ વચ્ચે વિવાદ થયો હતો તે ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ગુજરાતી શાળાપત્રમાં પ્રગટ થયો હતો. નરસિંહ, મીરાં, અખો જેવા કવિઓના સમય વિશે, અખાના છપ્પાના અર્થો વિશે તેમજ નરસિંહ, મીરાં અને પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ વિશે પણ ઘણી ચર્ચા થઈ, પરંતુ કોઈ ચર્ચાએ સાહિત્યિક વિવાદનું રૂપ લીધું હોય તો તે પ્રેમાનંદનાં નાટકો વિશેની ચર્ચાઓ , આ વિવાદનો પ્રારંભ મણિલાલ નભુભાઈના પત્ર પરથી થયો હશે તેમ અનુમાન કરી શકાય, કારણ કે તેમના પત્રના ઉત્તરમાં આનંદશંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, ‘કાન્ત’ અને નરસિંહરાવ ‘પ્રાચીન કાવ્યમાળામાં પ્રગટ થતાં પ્રેમાનંદનાં નાટકોના કર્તુત્વ વિશે પોતાનો અભિપ્રાય આપે છે. ‘કાન્ત’ અને નરસિંહરાવ સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે આ નાટકો પ્રેમાનંદે લખેલાં નથી, પણ કોઈ ‘અર્વાચીન લેખકે લખેલાં છે અને તેની જાહેર ચર્ચા કરવાની તત્પરતા પણ દાખવે છે. કેશવ હર્ષદ ધ્રુવ વડોદરા રાજ્યના કેળવણી ખાતાના ઉપક્રમે પ્રગટ થતી ‘પ્રાચીન કાવ્યમાળા’ ચાલુ રાખવાની અને આનંદશંકર ધ્રુવ ‘સારા સહૃદય વિદ્વાન' મળે તો સંપાદન ચાલુ રાખવાની ભલામણ કરે છે.* આમાં હરગોવિંદદાસ કાંટાવાળા, ગજેન્દ્ર લા. પંડ્યા જેવા સાહિત્યકારોએ તેમજ ‘સાહિત્ય’, ‘જ્ઞાનસુધા', ‘સમાલોચક” અને “સુદર્શન ' જેવાં સાહિત્યિક સામયિકોએ પણ રસ લીધો. નરસિંહરાવે ત્રીજી સાહિત્ય પરિષદ અને એ પછી ભરૂચમાં આપેલાં ભાષણોમાં આ નાટકો વિશે શંકા ઉઠાવતાં પાંચ દલીલો કરી હતી, જેનો ઉત્તર ‘સમાલોચક'માં પ્રગટ થયો હતો અને તેમાં નરસિંહરાવ કલ્પનાઓ કરે તેના કરતાં ગ્રંથો લખી આપનાર લેખકરૂપી ‘મુદામાલ’ પકડી આપે” એમ કહ્યું હતું. પ્રેમાનંદનાં નામે ચડાવેલાં નાટકો વિશેની ચર્ચામાં નાટકોને સાચાં માનનારા લોકોની રમૂજ કરવાના હેતુથી નરસિંહરાવે ‘એક અમૂલ્ય ગ્રંથની શોધ” નામે લેખ લખ્યો હતો, જેમાં કવિ ભાલણે પોતાના હસ્તાક્ષરથી આ ગ્રંથ લખ્યો છે અને ભાલણના વખતમાં નાટકો ભજવાતાં હતાં અને પ્રેમાનંદનાં નાટકો ભજવાતાં એણે જોયાં હતા એવી વિગતો મળે છે. આ ગ્રંથ ખરેખર પ્રાપ્ત થયો છે એમ સમજીને એના પર ચર્ચાપત્રો પણ પ્રગટ થયાં હતાં !? ડૉ. પ્રસન્ન વકીલે પીએચ.ડી.નો મહાનિબંધ ‘પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ” લખીને આ નાટકોનું કર્તુત્વ પ્રેમાનંદનું નથી એવું સાબિત કરી આપ્યું. નર્મદ અને દલપતરામના સમયમાં નર્મદની કવિતા ચડે કે દલપતરામની –એવી ઘણી ચર્ચા ઉભયના પ્રશંસકોએ અને વર્તમાનપત્રોએ જગાવી. હીરાચંદ કાનજીએ ‘મિથ્યાભિમાનખંડન' નામે લેખ લખીને નર્મદની કવિતા અને સાહિત્યિક પ્રવૃત્તિ પર સૌપ્રથમ આકરી ટીકા કરી હતી. દલપતરામની ઉશ્કેરણીથી હીરાચંદે આમ લખ્યું છે તેમ નર્મદ ‘મારી હકીકતમાં નોંધે છે. નર્મદે ‘સભામાં વાણીની છટાથી જેવુંતેવું ગટરપટર બોલી દિગ્વિજયી છઉં એવું દેખડાવે છે ' એવી દલપતરામ પર ગર્ભિત રીતે ટીકા કરી હતી. એ સમયે ‘પંચે’ તો એનું ઠઠ્ઠાચિત્ર બનાવ્યું હતું કે જેમાં નર્મદ અને દલપતરામને એકબીજાની ચોટલી પકડીને કુસ્તી કરતા ચીતર્યા હતા. આ બંને વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવા બનાવો બન્યા હોવા છતાં ૧૮૭૩-૭૪માં નર્મદના ‘સરસ્વતીમંદિર 'ના વાસ્તુ સમયે દલપતરામ સૂરત ગયા હતા અને પછી વર્ષે સૂરતમાં દલપતરામના પુત્રના લગ્ન સમયે નર્મદ વરઘોડામાં અગ્રણી થઈને ફર્યો હતો તેમજ વરપિતાની પહેલી પાઘડી દલપતરામના વેવાઈએ નર્મદને બાંધી હતી. આ સાહિત્યસ્પર્ધાને પરિણામે સાહિત્યિક વિવાદોનો મહિમા સાહિત્યિક નિસબત

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54