________________
ભારતમાં આપણે Amazon અને eBAY નેટથી પરિચિત છીએ, પરંતુ એવાં બીજાં ઘણાં સર્ચ-એન્જિન છે કે જ્યાંથી તમને અતિ દુર્લભ પુસ્તક પણ પ્રાપ્ત થાય. આને માટે Alibris નેટમાં છ કરોડ જેટલાં જૂનાં, નવાં અને આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકો મળે છે તો biblio પર જગતના પાંચ હજાર જેટલા વ્યવસાયી કે સ્વતંત્ર પુસ્તવિક્તાઓની યાદી મળે છે અને એમની પાસેનાં સાડા ચાર કરોડ પુસ્તકોની વિગત સાંપડે છે. આવી તો અનેક નેટ-સાઇટ છે અને એના સર્ચ-એન્જિન પરથી તમને જરૂરી કોઈ પણ પુસ્તક પ્રાપ્ત થાય છે. ઇન્ટરનેટ પરથી હવે તમામ વિષયના ગ્રંથોની વિગતો મેળવવાનું તો સરળ થયું છે, બલકે કોઈ એક જ વિષય ઉપર અઢળક માહિતી પણ એમાંથી પ્રાપ્ત થાય છે.
હવે નવલકથાનું એક પ્રકરણ એક વ્યક્તિ લખે અને તે નેટ પર મુકાય છે, એ પછી બીજી વ્યક્તિઓ આગળનું પ્રકરણ લખીને મોકલે અને એમાંથી પસંદગી કરીને નવલકથાનું બીજું પ્રકરણ મૂકવામાં આવે છે. પરિણામે એક જ નવલકથાનું કથાવસ્તુ અનેક લેખકોને હાથે ખેડાય છે. આવી ઇ-નવલકથા પણ હવે મળે છે.
તાજેતરમાં પ્રાચીન હસ્તપ્રતોના ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી દ્વારા થતા ડિજિટાઇઝેશનમાં એક એવી પદ્ધતિનું નિર્માણ કર્યું છે કે જેમાં મૂળ પ્રાકૃત પુસ્તકની નોંધ હોય, એની નીચે અંગ્રેજીમાં એનો અનુવાદ હોય, એની પાછળ સંગીત હોય અને એમાં કોઈ પારિભાષિક શબ્દ ન સમજાય તો ક્લિક કરવાથી એનો અર્થ પણ મળી શકે અને પાનું આપોઆપ ફરતું રહે. ‘નિંગ પેઇજિસ'ની આ ટેકનોલોજી ધીરે ધીરે આકાર લઈ રહી છે. ટ્રાન્સલિટરેશન આજે સાવ સરળ બન્યું છે. એની પાછળ પાછળ અનુવાદની આસાન પદ્ધતિ પણ આવી રહી છે.
ગુજરાતી ભાષામાં શ્રી રતિભાઈ ચંદરયાના ગુજરાતી ડિજિટલ શબ્દકોશની સામગ્રી ઇન્ટરનેટ પર www.gujaratilexicon.com નામની વેબસાઇટ પર ઉપલબ્ધ થઈ ગઈ છે અને હવે ગુજરાત વિદ્યાપીઠના ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ'ના શબ્દોનું ગુજરાતી સ્પેલચેકર પણ તૈયાર થઈ ગયું છે, તે આનંદની ઘટના કહેવાય. આ જ રીતે ગુજરાતી સાહિત્યનાં જૂનાં
સામયિકો જ નહીં, બલ્ક જૂનાં પુસ્તકોને ડીવીડીમાં ઉતારવાની જરૂર છે. આ ટેકનૉલોજી પ્રમાણમાં મોંઘી પણ નથી. ડીવીડીમાં એક પાનું મૂકવું હોય તો એની કિંમત ૩-૪ રૂપિયા થાય. પછી એમાં જેટલી ‘લિંક’ ગોઠવો તેટલો વધુ ખર્ચ થાય. જૂના ગ્રંથોની જાળવણી આમાં શક્ય બનશે. સર્જકોના હસ્તાક્ષરોમાં થયેલાં લખાણો પણ જાળવી શકાશે. અમુક કાર્યક્રમોની જૂની તસવીરો આ રીતે મેળવી શકાશે. વર્તમાન સમયમાં સામયિકો વેબસાઇટ પર મૂકવાથી એ તરત જ એમાં રુચિ ધરાવનાર વાચક સુધી પહોંચી જાય છે તે કંઈ ઓછો લાભ કહેવાય ?
આ રીતે લેખન, ગ્રંથો, ગ્રંથાલયો અને ગ્રંથપ્રકાશન એ બધાંમાં ટેકનૉલોજીની દૃષ્ટિએ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. લિખિત શબ્દનો મહિમા ભલે ઓછો થતો લાગે, પરંતુ એ રહેવાનો તો ખરો જ . એનું એક કારણ એ કે આ ટેક્નોલોજી સહુને માટે સુગમ બનતી નથી. જે દેશમાં ચાલીસ ટકાથી વધુ લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હોય, ત્યારે સહુને માટે કમ્યુટર ક્યાંથી હાથવગું હોય ? પરંતુ જ્ઞાનસંચયના સંદર્ભમાં આ ટેકનૉલોજીનો વિચાર તો હવે કરવો જ રહ્યો, કારણ એ ટેકનોલોજી આજે છેક સાહિત્યના સીમાડે આવી પહોંચી છે. આ નવાં સાધનોને કઈ રીતે પ્રયોજવાં, એમાંથી કઈ રીતે લાભ મેળવવો અને કેવી રીતે એની સાથે અનુકૂલન સાધવું તે વિશે હવે વિચાર કરવાનો સમય પાકી ગયો છે.
સાહિત્યિક નિસબત
સીમાડે ઊભેલી ટેકનોલોજી
૮૦