________________
પ્રજાકીય વેદનાની અભિવ્યક્તિ
૨૦૦૭નું સાહિત્ય માટે દ્વિવાર્ષિક ‘માન બ્રૂકર આંતરરાષ્ટ્રીય પારિતોષિક' આફ્રિકાના ઉત્કૃષ્ટ નવલકથાસર્જક આલ્બર્ટ ચીનુઆલુમો અચેબેને એનાયત કરવામાં આવ્યું. આની વિશ્વસાહિત્યમાં શકવર્તી ઘટના તરીકે નોંધ લેવાઈ છે.
૧૯૩૦ની ૧૫મી નવેમ્બરે નાઇજિરિયાની ઇબો જાતિમાં જન્મેલો ચીનુઆ અચેબે અંગ્રેજી ભાષામાં સર્જન કરનાર આફ્રિકન સર્જક તરીકે સર્વત્ર વિખ્યાત છે. આફ્રિકન દેશોના સર્જકોમાં ચીનુ અચેબે અંગ્રેજીમાંથી અન્ય ભાષાઓમાં સૌથી વધુ અનુવાદ પામનારો સર્જક છે. આધુનિક આફ્રિકી સાહિત્યના જન્મદાતા તરીકે ઓળખાયેલા ચીનુઆ અચેબેને પ્રાપ્ત થયેલા પારિતોષિક વિશે આપણે ત્યાં ભાગ્યે જ કોઈએ નોંધ લીધી છે. એનું કારણ એ છે કે આપણે યુરોપીય કે અમેરિકન સાહિત્યના જેટલા આફ્રિકન દેશોની સાહિત્યિક ગતિવિધિના સંપર્કમાં નથી. ખરેખર તો હવે આપણે એશિયન તેમ જ આફ્રિકી સાહિત્યની ગતિવિધિમાં વિશેષ ભાવે રસ લેવાનું રાખવું જોઈએ.
સમકાલીન આફ્રિકન સર્જકોની આંખે ઊડીને વળગે એવી વિશેષતા એ છે કે એમણે એમની કથ્ય પરંપરામાંથી ખોબે ખોબે પ્રેરણાનાં વારિ પીધાં છે. એમના સર્જકપિંડના ઘડતરમાં એમની જાતિનાં લોકનૃત્યો, લોકગીતો અને લોકકથાઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આથી આફ્રિકન લેખક એના પરંપરાગત ધર્મનાં દેવદેવીઓની કથાઓ અને એની સામાજિક માન્યતાઓ કે લોકજીવનના
પ્રસંગો એના સર્જનપટમાં તાણાવાણાની માફક ગૂંથે છે. આ સર્જકોની કૃતિમાં તળભૂમિની લોકસંસ્કૃતિની સોડમ મધમધે છે. ચીનુઆ અચેબના પિતા ઇસઇહ કફો અચેબે પૂર્વ નાઇજીરિયામાં આવેલા એમના ગામ ઓગીડીમાં પરંપરાગત ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરનારા પ્રથમ વ્યક્તિ હતા. પરિણામે ચીનુઆ અબેને બાલ્યાવસ્થામાં ઇબો જાતિના પરંપરાગત ધર્મ પ્રત્યે ઉપેક્ષા ધરાવવાના સંસ્કાર મળ્યા. પરંતુ પડોશના બિનખ્રિસ્તી લોકોની સાથે અચેબે પિતા-માતાનો પ્રતિબંધ હોવા છતાં ગામમાં યોજાતા પરંપરાગત લોકોત્સવો માણવા જતો હતો. આથી એની કૃતિઓમાં આફ્રિકન જનજીવન નીતરે છે.
અચેબેએ હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન ચાર્લ્સ ડિકન્સ, જોનાથન સ્વિફ્ટ અને વિલિયમ શેક્સપિયરને માણ્યા હોવા છતાં એની સાહિત્યિક વિભાવના પશ્ચિમી સાહિત્યને બદલે આફ્રિકી સાહિત્ય દ્વારા ઘડાઈ છે. એની નવલકથાસૃષ્ટિમાં લોકજીવનની સુવાસ તો મળે છે, પણ એથીય વિશેષ પુરાકલ્પનો અને માન્યતાઓની વાત પણ કરે છે. ઇબો જાતિમાં અલ્મા અથવા તો અની નામની દેવીનાં બે સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. એ પૃથ્વીની દેવી હોવાની સાથોસાથ સર્જનની દેવી પણ છે. જગતની સર્જનાત્મકતા અને નૈતિકતા બંનેનો એ આધાર છે અને આ દેવીના સ્વરૂપમાંથી અચેબે સર્જનનું હાર્દ શોધે છે. એ કહે છે કે કલા ક્યારેય સંહારનું માધ્યમ, શોષણની સેવિકા કે અનિષ્ટની ઉપાસિકા બની શકે નહીં. પરિણામે સર્જકના કથાસર્જન પાછળ સ્પષ્ટ હેતુ અને નિશ્ચિત સંદેશ હોવા જોઈએ. આમ પોતાના લેખનના આદર્શ તરીકે પશ્ચિમી સાહિત્યની કોઈ વિભાવના સ્વીકારવાને બદલે અચેબે સર્જનાત્મકતા અને નૈતિકતાનું અનુસંધાન સાધીને સાહિત્યસર્જન દ્વારા લોકહિતનો મહિમા કરે છે.
આફ્રિકાના સર્જકોની એક બીજી વિશેષતા એ પોતાની આસપાસની પરિસ્થિતિ વિશેની સભાનતા છે. ચીનુઆ અચેબેએ સમયના ત્રણ તબક્ક નિહાળ્યા છે. બાળપણમાં શ્વેત પ્રજાના સામ્રાજ્યવાદી શાસનનો કાળ, યુવાનીમાં રાષ્ટ્રવાદી આંદોલનોનો સમય અને એ પછીનાં વર્ષોમાં ગુલામીમુક્ત આધુનિક આફ્રિકાનું નવજાગરણ.
પ્રજાકીય વેદનાની અભિવ્યક્તિ
સાહિત્યિક નિસબત
પ;