________________
લપટા થઈ ગયેલા શબ્દો અર્થ ખોઈ બેસે છે. લંડનના ‘ધ ટાઇમ્સ'માં પ્રવેશતી વખતે પત્રકારને શબ્દયાદી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ શબ્દો ફિસ્સા અને લપટા થઈ ગયા હોવાથી તમારા અહેવાલમાં પ્રયોજ શો નહીં.
ઑક્સફર્ડ ડિક્શનેરી કે વેબસ્ટરમાં ઉચ્ચારના સૂચન સાથે શબ્દના વિવિધ અર્થો આપેલા છે, એવી વૈજ્ઞાનિક ઢબે વ્યુત્પત્તિ સહિત શબ્દના અર્થ જે તે સંદર્ભ સાથે આપવાનો ઉપક્રમ થવાનો આપણે ત્યાં હજુ બાકી છે. મોનિયર વિલિયમ્સ સંસ્કૃતમાંથી અંગ્રેજી પર્યાય અને અંગ્રેજીમાંથી સંસ્કૃતના પર્યાયનો કોશ આપવાનો પ્રયત્ન કર્યો, તે અધૂરું કામ તેમના પુત્ર ઉપાડી લીધું હતું. આપણી પાસે આવા કોશ પણ નથી. આજે ઑક્સફર્ડ દ્વારા જુદા જુદા પ્રકારના કોશ પ્રકાશિત થાય છે, એ રીતે ગુજરાતમાં કોશ વિભાગની એક સ્વતંત્ર સંસ્થા સ્થપાય તો કોશસામગ્રીના શાસ્ત્રીય સંશોધનનું - સંપાદનસંચયનનું કામ એકાગ્રતાથી ને સઘનતાથી ચાલી શકે અને કોશ-સાહિત્યનાં ક્ષેત્રે વરતાતું આપણું દારિદ્દ ટાળી શકીએ.
પરિભાષાનો જ પ્રશ્ન પણ પેચીદો છે. પરિભાષાના નિર્માણમાં કડિયા, સુથાર, લુહાર વગેરે જે તળપદા શબ્દો પ્રયોજતા હોય તે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ જાણવા જોઈએ ને યોગ્ય લાગે તો ઉપયોગમાંયે લેવા જોઈએ. એ રીતેનો ઉપયોગ પરિભાષાના નિર્માણમાં સહાયક થશે. પરિભાષામાં પણ જે શબ્દ પ્રચલિત અને સમજવો સુગમ હોય તેને પસંદ કરવો જોઈએ.
દાક્તરી વિદ્યાનાં ગુજરાતી વિશ્વકોશનાં અધિકરણોના અનુભવ પરથી એમ કહી શકાય કે અનેક રોગો અને તેમને લગતી બાબતો વિશે ગુજરાતીમાં અધિકરણો લખવામાં ડૉ. શિલીન શુક્લને સંસ્કૃત ભાષાની મોટી મદદ પારિભાષિક શબ્દો તૈયાર કરવામાં મળે છે અને એ રીતે તબીબી પરિભાષાના નિર્માણથી ગુજરાતી ભાષાને જ સમૃદ્ધ થવાનો લાભ મળતો રહે છે.
એક તબક્કે શ્રી મગનભાઈ દેસાઈ એમનાં પાઠ્યપુસ્તકોમાં અંતે કોશ આપતા હતા, જેના આધારે એમાં પ્રયોજાયેલા નવા શબ્દોની જાણકારી મળતી હતી. હકીકતમાં તો ગુજરાતી, ભૂગોળ, ગણિત, વાણિજ્ય આદિ વિષયોનાં પાઠ્યપુસ્તકોમાં આવો કોશ આપવામાં આવે તો જે તે શબ્દોના ચલણવલણનો આવશ્યક ખ્યાલ મળી રહે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાતા શબ્દોનો કોશ શ્રી જયંત કોઠારી પાસેથી મળ્યો. એ પૂર્વે છોટુભાઈ નાયકે અરબી-ફારસીમાંથી આવેલા ગુજરાતી શબ્દોનો પરિચય કરાવ્યો. શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ અંગ્રેજીમાં ફારસી પિંગળ લખ્યું, તેઓ ગુજરાતીમાં આવો શબ્દકોશ આપી શક્યા હોત. આ વ્યુત્પત્તિ-કોશ કરવાની શ્રી હરિવલ્લભ ભાયાણીની ભાવના આજે કોઈ ભાષાવિજ્ઞાનીની રાહ જોઈ રહી છે. અભ્યાસક્રમમાં પણ વ્યુત્પત્તિને પૂરતું મહત્ત્વ મળતું નથી. કહેવતો, રૂઢિપ્રયોગ વીસરાતાં જાય છે, એની સાથે જોડણીના વર્ગો યોજાવા જોઈએ. એમ.એ.ના વગોમાં પણ શ્રી નગીનદાસ પારેખ જોડણીની તાલીમ આપતા હતા તે યાદ આવે છે. એ જ રીતે ગુજરાતીના સ્નાતક-અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ સમયે જોડણીની પરીક્ષા હોવી જોઈએ. કોવિજ્ઞાનનો અભ્યાસક્રમ ઘડવામાં આવે અને તેના શિક્ષણનું કામ કોઈ સંસ્થા ઉપાડી લે તે પણ હવે ખૂબ જરૂરી છે. શબ્દોના ઉમેરણની સાથોસાથ શબ્દોનું સતત સંમાર્જન થવું જોઈએ.
સાહિત્યિક નિસબત
શબ્દો અંકે કરીએ
ઉપ