________________
એક અંતર્મુહૂર્ત
૨ ૩૫
शिक्षापाठ ८६ : एक अंतर्मुहूर्त
ઉન્મત્તપણાનું મૂળ કારણ આત્મભ્રાંતિરૂપ મિથ્યાદર્શન છે, તે સમ્યગદર્શનથી ટાળી જીવ જે અપ્રમત્ત યોગ સ્કુરાવે, તો અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામે. ઝાડના ઠુંઠામાં પુરુષની ભ્રાંતિ ટળતાં જેમ મનુષ્યની ચેષ્ટા સમ્યક હોય છે, તેમ દેહાદિમાં આત્મભ્રાંતિ નિવૃત્ત થતાં સમ્યગુદર્શનથી આત્માની ચેષ્ટા પણ સમ્યક હોય છે; અને તેથી અનુક્રમે સ્વરૂપસ્થિતિરૂપ અપ્રમત્તપણે પામે, એટલે અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામવું સાવ સુલભ છે. કારણકે અપ્રમત્ત ગુણસ્થાનકથી કેવલજ્ઞાન પર્યંતનો ઉત્કૃષ્ટ કાળ પણ અંતર્મુહૂર્તનો છે. અંતમુહૂર્ત એટલે નવ સમયથી માંડી બે ઘડીમાં એક સમય ન્યૂન જેટલો કાળ. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે “જીવ જો પુરુષાર્થ કરે તો શું ન થાય?' અનંત કાળના કર્મગંજને પણ એક અંતર્મુહૂર્તમાં શુક્લ-શુદ્ધ આત્મધ્યાનના પ્રચંડ અગ્નિવડે બાળી નાંખે એવું આ પુરુષાર્થનું બળ છે.
આ કર્મના લયમાં ‘અપૂર્વકરણ” મોટામાં મોટો ભાગ ભજવે છે, એ હકીકત જ આત્માના પુરુષાર્થનું અપૂર્વ બળવાનપણું સૂચવે છે. આ અપૂર્વકરણ બે છે : પહેલું અપૂર્વકરણ, જેનું ફળ ગ્રંથિભેદ છે; અને બીજું અપૂર્વકરણ, જેનું ફળ સામર્થ્યયોગ-ક્ષપકશ્રેણી છે. અપૂર્વકરણ એટલે અનાદિકાળના ભવભ્રમણમાં કદી પણ પૂર્વે પ્રાપ્ત થયો નથી, એવો શુભ પ્રશસ્ત આત્મપરિણામ. જીવ જો અંતરાત્મ પરિણામી થઈ, 'અપૂર્વ આત્મભાવનો ઉલ્લાસ પામી, પુરુષાર્થ ખુરવે, તો અપૂર્વકરણથી અંતમુહૂર્તમાં ગ્રંથિભેદ કરી સમ્યગદર્શન પામે. અને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જીવ જે ઉત્તરોત્તર વધતા તીવ્ર સંવેગરંગથી અપૂર્વ પુરુષાર્થધારા ચાલુ રાખે ને વધારે, તો પલ્યોપમસાગરોપમાદિ જેટલી, કર્મસ્થિતિ પણ શીઘ ક્ષય કરી, અંતમુહૂર્તમાં પાંચમું દેશવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સ્પર્શ ભાવશ્રાવક બને, ને અંતમુહૂર્તમાં જ છઠું સર્વવિરતિ સમદષ્ટિ ગુણસ્થાનક સ્પર્શી ભાવસાધુ બને.