________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મત મુજબ ચિત્તોડનો આ કિલ્લો એટલો બધો મજબૂત હતો કે તેમાં પક્ષી પણ પ્રવેશી શકતું નહોતું. તેના નોંધ્યા પ્રમાણે અલાઉદીન કિલ્લાની બહાર નીકળીને પોતાની છાવણીમાં ગયો ત્યારબાદ રાણાએ સરણાગતી સ્વીકારી હતી. આ ઘટના ઘટ્યા પછી અલાઉદીને વિશ્વાસઘાત કરીને ૩૦,૦૦૦ રજપૂતોને મારી નાખ્યા.
અમીર ખુસરોના મતનું પરીક્ષણ :- આગળ જોયું તેમ અમીર ખુસરો ઇતિહાસકાર નથી પરંતુ દરબારી કવિલેખક છે. પરિણામે તેના લખાણમાં સર્વ સત્ય હોય તેમ માની શકાય નહિ. તુર્ક-મુસ્લિમ હોવાને કારણે તેનામાં કેટલુંક સત્ય સહન કરવાની શક્તિ નહોતી. આને કારણે પોતાને માટે જે ઘટના અણગમતી હતી તેની તેણે નોંધ લીધી નથી. વળી અલાઉદ્દીનનું લુણ ખાનાર લેખક અલાઉદ્દીન વિરુદ્ધ ન લખી શકે તે સ્વાભાવિક છે. ઉદાહરણ તરીકે અલાઉદ્દીને પોતાના કાકાની કરેલ હત્યા, મોંગોલોએ અલાઉદ્દીનને આપેલ પરાજય, તેમણે દિલ્હીને ઘાલેલ જડબેસલાક ઘેરો... જેવી બાબતોને તેણે પોતાની આવા પ્રકારની સ્વામીભક્તિને કારણે ઉલ્લેખ ટાળ્યો છે.
વળી અમીર ખુસરોના વર્ણનને વિશેષ ઊંડાણથી વાંચીએ તો તેમાં ડગલે અને પગલે વિરોધાભાસ દેખાય છે. તેમજ લેખકનો અલાઉદ્દીન તરફનો પક્ષપાત લગભગ વાસનાની કક્ષાએ પહોંચ્યો હોય તેમ લાગે છે. પ્રો. હબીબના નોંધ્યા પ્રમાણે આ મોહને કારણે જ અમીર ખુસરો અલાઉદ્દીનની સરખામણી સમ્રાટ સોલોમન સાથે કરે છે અને તેની સૈબા ચિતોડના કિલ્લામાં રહેલી પદ્મિનીને કલ્પે છે અને ઇથિયોપિયાના આ વિખ્યાત સમ્રાટ સોલોમન પાસે તેની સુંદર પત્ની સેબાના ખબર લઈ જનાર હુદ-હુદ નામક પક્ષી તરીકે તે પોતાની જાતને ઓળખાવે છે.
ખુસરોના વર્ણન પરથી એવું સ્પષ્ટ થાય છે કે તે પોતે અને સુલતાન અલાઉદ્દીન કિલ્લો તેના હાથમાં આવ્યો તે પહેલાં પણ કિલ્લામાં જઈ આવ્યા હતા અને સુલતાન કિલ્લામાંથી પાછો ફર્યો ત્યાર બાદ જ રાણો તેના તંબુમાં આવીને તેને તાબે થયો હતો. તે પછી નિરાશ થયેલા સુલતાને ૩૦,૦૦૦ હિન્દુઓને કાપી નાખવાનો હુકમ કર્યો હતો. એટલે કે ખુસરોના ગ્રંથને ઝીણવટથી અવલોકતાં પદ્મિની સાથે સંકળાયેલ અનેક પ્રસંગોના ઉલ્લેખો તેમાંથી મળી આવે છે.
રાજસ્થાનના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી.ગૌરીશંકર ઓઝા તથા ડૉ. કે.બી.લાલ જેવા વિદ્વાનો પદ્મિનીની આ ઘટનાને અમીર ખુસરોનાં લખાણોના પરીક્ષણ પછી તદ્દન અસંભવિત તથા ઉપજાવેલી ગણે છે કારણ કે ખુસરો સ્વયં ચિતોડના ઘેરા વખતે હાજર હતો અને તેણે કિલ્લો તેમજ ઘેરાનું ઝીણવટ ભર્યું વર્ણન કરવા છતાં તે પદ્મિની વિશે કોઈ પ્રત્યક્ષ ઉલ્લેખ કરતો નથી.
આનું સાચું કારણ એ છે કે ખુસરો એક દરબારી કવિ હતો એટલે સ્વાભાવિક છે કે પોતાના સ્વામીની અપકીર્તિ થાય તેવી વિગત નોંધે નહિ. ટૂંકમાં શ્રી. ઓઝા માને છે તેમ પદ્મિનીની આ કથા પાછળથી ભાટચારણોએ ઉપજાવી કાઢેલ છે અને તેનું પ્રેરણા સ્થાન ઈ.સ. ૧૫૪૦માં મલિક મુહમ્મદ જાયસીએ લખેલ હિન્દી કાવ્ય ‘પદ્માવત’છે. તેણે આપેલી કાલ્પનિક કથાને પાછળથી ભાટ, ચારણો તથા ઇતિહાસકારોએ સાચી માની લીધી છે, જ્યારે પ્રો. દેવેન્દ્ર ભટ્ટ આના કરતાં સહેજ વિપરિત ભાષામાં નોંધે છે કે મલિક મુહમ્મદ જાયસી પાસેથી ઇતિહાસકારોએ આ કથા મેળવી તેમ કહેવા કરતાં જાયસીએ પોતાના ‘પદ્માવત' માટેની કથા વસ્તુ અમીરખુસરોના “ખજા-એ-ઉલ-ફુતૂહ’'માંથી મેળવી હતી અને તેના પર ક્લ્પનાના રંગ ચઢાવ્યા હતા તેમ કહેવું વિશેષ યોગ્ય ગણાશે.
વિવિધ મતોની સમીક્ષા - આમ આપણે મલિક મુહમ્મદ જાયસી, ફીરીસ્તા અને હાજી ઉદ્દબીરનું પદ્મિની વિષયક વૃત્તાંત જોયું. તેમના ઉપરાંત પાછળથી અનેક ફારસી તવારીખકારો, ભાટો, ચારણો, ગઢવીઓ, બારોટો અને અન્ય ઇતિહાસ તેમજ સાહિત્યકારોએ આ વિષય પર લખ્યું છે. આ તમામ વૃત્તાંતોનો અભ્યાસ કરતાં એક વાત સ્પષ્ટ રીતે તરી આવે છે કે, પ્રત્યેકના લખાણનો મૂળ આધાર મુહમ્મદ જાયસીનું પદ્માવત લાગે છે. બાંકીપુરના ગ્રંથાલયમાં સચવાયેલ ૧૮મી સદીમાં તૈયાર થયેલ કૃતિ ‘બહુલ ખ્વાઝ'માં પણ જાયસીનો ઉતારો કરવામાં લેખકો પદ્મિનીની ઘટના માટે જાયસીનો જ આધાર લેતા દેખાય છે.
પથિક ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૮
•
For Private and Personal Use Only