________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમ - ૨
ડૉ. મહેબૂબ દેસાઈ* સવિનય કાનૂનભંગની લડતમાં ભાગ લેવા બદલ સરદાર પટેલને ગાંધીજી સાથે જ ૪ જાન્યુઆરી ૧૯૩રના રોજ કેદ કરી યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ગાંધીજી અને સરદાર પટેલ ૧૬ માસ સાથે રહ્યા. એ દરમ્યાન અવારનવાર ગાંધીજી અને સરદાર પટેલ હિંદુમુસ્લિમ સમસ્યા અંગે ચર્ચા કરતા. એ ચર્ચાઓમાં સરદાર પટેલના મુસ્લિમો પ્રત્યેના અભિગમને સાચો ઘાટ મળ્યો. સરદાર પટેલ ગાંધીજીના વિચારોને માન આપતા. પરિણામે સરદાર પટેલના મુસ્લિમો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન આણવામાં ગાંધીજીએ આ સમય દરમ્યાન નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. જેમકે ૩૦.૩.૧૯૩૨ની એક સવારે એક મુસ્લિમ આગેવાન અંગે વાત નીકળી ત્યારે સરદાર પટેલ બોલી ઊઠયા :
‘કટોકટી આવી પડે ત્યારે આ ભાઈ પણ સંકુચિત કોમવાદી ખ્યાલ અપનાવે છે. અને મુસ્લિમો માટે અલગ ફંડ અને અલગ અપીલની માંગણી કરે છે.'
તેના જવાબમાં ગાંધીજી બોલ્યા : ‘આ કારણસર તેને દોષ આપી શકાય નહિ. આપણે મુસલમાનોને શી સગવડ આપીએ છીએ ? તેમની સાથે મોટે ભાગે અસ્પૃશ્યો જેવો વર્તાવ રાખીએ છીએ. માટે અતુસ સલામને દેવલાલી મોકલવી હોય તો.... ત્યાં તેને રાખવા કહી શકાય ? ખરું જોતાં હિંદુઓએ આગળ પગ માંડવો જોઈએ. હિંદુઓ જાગૃત થાય અને ભેદભાવની જે વાડ બાંધવામાં આવી છે, તે તોડી પાડવામાં આવે તો કડવાશ ઘણી ઓછી
થાય.’
વલ્લભભાઈએ કહ્યું: ‘પણ મુસલમાનો રીતરિવાજમાં જુદા છે. તેઓ માંસાહારી છે. જયારે આપણે શાકાહારી છીએ. તેમની જોડે એક ઘરમાં કેવી રીતે રહી શકાય ?'
બાપુએ કહ્યું : “ના, ના, ગુજરાત સિવાય બીજે ક્યાંય હિંદુઓ શાકાહારી હોતા નથી. પંજાબમાં, સિંધમાં, ઉત્તરપ્રદેશમાં દરેક હિંદુ માંસ ખાય છે.”
તા. ૬.૯.૧૯૩૨ના રોજ યરવડા જેલમાં એકવાર નિરાશ સ્વરે સરદાર પટેલે ગાંધીજીને પૂછ્યું :
એવા કોઈ મુસ્લિમ છે જે તમારી વાત સાંભળે છે ત્યારે ગાંધીજી બોલ્યા :
‘ભલે ને કોઈ જ ન હોય. તેથી કશો ફેર પડતો નથી. પણ આપણે આશા રાખીએ કે એ લોકો પણ જાગૃત થાય. સત્યાગ્રહનો આધાર જ એ છે કે માનવસ્વભાવ પર વિશ્વાસ મૂકવો. એટલે કોઈક મુસલમાન તો જરૂર નીકળશે કે જે કહેશે અમે આટલું બધું થાય એ તો સહન ન કરી શકીએ."
તા. ૮.૪.૧૯૩૩ના રોજ ભારતના મુસ્લિમો અંગે સરદાર પટેલે ગાંધીજીને કહ્યું : મુસલમાન શાંત બેઠા છે અને કશું બોલતા નથી. અંગ્રેજ સરકારને બરાબર સસ્કાર આપી રહ્યા છે.' ત્યારે બાપુએ તેના પ્રતિભાવ આપતા કહ્યું, જયાં સુધી મુસલમાનો દેશના હિતમાં પોતાનું હિત ન જુવે ત્યાં સુધી હિંદુ-મુસ્લિમ ઐક્ય થવાનું નથી.”
યરવડા જેલમાં ગાંધીજી અને સરદાર પટેલ વચ્ચે થયેલી આવી ગુફતેગુએ જ ભારતના મુસ્લિમો પ્રત્યેના સરદાર પટેલના અભિગમમાં પરિવર્તન આણવામાં કે તેને હકારાત્મક રીતે ઘડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. જેની અસર સરદાર પટેલના એ પછીના ભારતના મુસ્લિમો પ્રત્યેના અભિગમમાં જોઈ શકાય છે. * રીડર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર - ૩૬૪૭૨.
પથિક - ત્રિમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૨૪
For Private and Personal Use Only