________________
જૈન સાધુ-સાધ્વી નિરંતર સંયમ-સાધનામાં રત રહે છે. તપ-ત્યાગની સાથે જ્ઞાન-ધ્યાનમાં પ્રવૃત રહે છે. આ બધી સાધનામાં તેઓ સાધનાની વિવિધ ઊંચાઈઓ સર કરે છે. ત્યારે તેમના ગુરુભગવંતો શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તેમને યોગ્યતા અનુસાર વિવિધ પદવીઓ પ્રદાન કરે છે. આજકાલ જે પદવી પ્રદાન કરાય છે તે ક્રમશ: આ પ્રમાણે છે. પંન્યાસ અને ગણિપદ
વિશિષ્ટ અધ્યયન સાધના અને ઉપાસનાથી વ્યક્તિત્વ વધુ વિમળ અને ગંભીર બને છે ત્યારે સાધુને આ પદ આપવામાં આવે છે. આ પદ પ્રાપ્તિ માટે જૈન આગમોનું તલસ્પર્શી જ્ઞાન હોવું અનિવાર્ય છે.
ગણિપદ માટે ‘ભગવતી સૂત્ર'નું યોગોવહન (વિધિપૂર્વક તપયુક્ત જ્ઞાનસાધના) અને પંન્યાસ પદ માટે તમામ ૪૫ આગમોનું અધ્યયન જરૂરી છે. ઉપાધ્યાય પદ
સાધુ અને સાધ્વીગણને અભ્યાસ કરાવવામાં જે સક્ષમ હોય છે, એ માટે જેમણે આગમો અને શાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કર્યું હોય છે તેવા મુનિને આ પદ અર્પણ કરાય છે. દીક્ષિત જીવનના અમુક વરસો બાદ યોગ્ય અને અધિકારી મુનિને જ આ પદ અપાય છે. આચાર્ય પદ
શ્રમણ જીવનનું આ સૌથી સર્વોચ્ચ અને ખૂબ જ જવાબદારી ભર્યું પદ છે. સમસ્ત સંઘ, સમુદાય અને શાસનના યોગક્ષેમની જવાબદારી આચાર્યે સંભાળવાની હોય છે. આ પદ મેળવતા અગાઉ સઘળાં જૈન આગમોનું ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન મેળવવું જરૂરી હોય છે. ષદર્શનનો અભ્યાસ પણ હોવો જરૂરી હોય છે. ધૈર્ય, ગંભીરતા, પ્રવચનશૈલી, મંત્રવિદ્યાસિદ્ધિ આદિ ગુણો પણ હોવા જરૂરી છે. ખૂબ જ યોગ્ય મુનિને આ પદવી અર્પણ કરાય છે.
આ બધી પદવી પ્રાપ્ત કરવા પૂર્વે મહિનાના મહિનાઓ સુધી વિશિષ્ટ અને નિયત યૌગિક ક્રિયાઓ, આયંબિલ આદિ તપ સાથે કરવાની હોય છે. આવી સાધનાને યોગોદ્વહન કહે છે. સાધ્વીગણ માટે પદ
તપ, ત્યાગ, સંયમ, જ્ઞાન-સાધના આદિમાં જે વિશિષ્ટ અને વિલક્ષણ હોય છે તેમજ શાસન પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન અને જવાબદાર હોય તેવા સાધ્વીજીને ‘મહત્તરા’ ‘પ્રવર્તિની' જેવાં પદ અર્પણ કરાય છે. પરંતુ આજકાલ આવાં પદ-પ્રદાનનું પ્રચલન નહિવત્ છે.
આ વિશિષ્ટ પદો ઉપરાંત સેવા અને વિશિષ્ટ કાર્યલક્ષી પદવીઓ પણ આપવામાં આવે છે. નોંધપાત્ર સેવાઓ અને સિદ્ધિઓના ઉપલક્ષ્યમાં આપતી પદવીઓ માટે કોઈ યૌગિક ક્રિયા કરવાની નથી હોતી. એ બધી પદવીઓ સંબંધિત સાધુ-સાધ્વીની શક્તિઓના અભિનંદન અને અભિવાદન માટે હોય છે.
જૈન સાધુ-સાધ્વીની આચારસંહિતાનું પાલન કરવું એ તલવારની ધાર પર ચાલવા બરાબર છે. એ જીવન જીવવાનું દરેક માટે શક્ય નથી હોતું. એ જીવન જીવવાની શક્તિ અને ક્ષમતા ન આવે ત્યાં સુધી શ્રમણ ભગવાન મહાવીરે ‘દેશવિરતિ ધર્મ' (ગૃહસ્થ ધર્મનું યથાશક્ય પાલન કરવાનું ફરમાન કર્યું છે. દેશવિરતિ ધર્મ (ગૃહસ્થ ધર્મ)
| જિનેશ્વર ભગવંતોના જીવન અને કવન પ્રત્યે જેમને પ્રેમ અને આદર છે, જિનેશ્વરોએ ઉપદેશેલ મુક્તિમાર્ગે ચાલવા માટે જેમના હૈયે રસ અને રૂચિ છે, તેમજ એ માર્ગે જીવવાનો જેઓ યથાશક્ય નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે, તેમને “શ્રાવક’ અને ‘શ્રાવિકા' કહે છે.
- સાધુ અને સાધ્વીની જેમ શ્રાવક અને શ્રાવિકા જીવનભર માટે હિંસા, અસત્ય, ચોરી, ભોગવિલાસ અને પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરવા માટે સમર્થ નથી હોતા. ઘરસંસાર ચલાવવા માટે અને ધંધો-રોજગાર કરવા માટે આ પાંચેય મહાવ્રતોનું સર્વથા પાલન શક્ય જ નથી. આથી જિનેશ્વર ભગવંતોએ તેમના માટે દેશવિરતિ ધર્મનું પાલન કરવાનું સૂચવ્યું છે.
દેશવિરતિ એટલે પાપપ્રવૃત્તિઓનો મર્યાદિત ત્યાગ. શ્રાવકજીવનનાં બાર વ્રત
૧૦