Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 33
________________ ઉપાશ્રયનું વાતાવરણ જ્ઞાનમય અને તપમય હોય છે. સાધુ-સાધ્વીઓ જ્ઞાનાભ્યાસમાં રત રહે છે. શ્રાવક-શ્રાવિકાઓ પણ સાધુ-સાધ્વીઓ પાસે ધર્માભ્યાસ કરે છે. જ્ઞાનગોષ્ઠીઓ યોજાય છે. તત્ત્વજ્ઞાનના વર્ગો ચાલે છે. ચાતુર્માસના સમયમાં ઉપાશ્રય આરાધકોની સતત આરાધનાથી ગૂંજતો અને ગાજતો રહે છે. સુખી અને સંપન્ન ભાવિકોના દાનથી ઉપાશ્રય બાંધવામાં આવે છે. સ્થાનિક સંઘ તેનો વહીવટ કરે છે. જૈન જ્ઞાનમંદિર પુસ્તકાલય, ગ્રંથાલય માટે જૈનો ‘જ્ઞાનમંદિર’ શબ્દનો ઉપયોગ કરે છે. “જ્ઞાનમંદિરમાં શબ્દની યથાર્થતાનો અનુભવ થાય છે. તેમાં સમય પસાર કરવા માટેના કે મનોરંજન માટેના પુસ્તકો નહિ, પરંતુ તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સંસ્કૃતિ, જીવનચરિત્ર વગેરે જ્ઞાનની વિવિધ શાખાઓના પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ હોય છે. પહેલાં પુસ્તકો તાડપત્રો પર લખાતા હતા. વિશિષ્ટ કાગળ પર વિશિષ્ટ શાહીથી પુસ્તકો લખાતા. આ જ્ઞાનમંદિરોમાં એવા તાડપત્રો અને હસ્તપ્રતોનો કાળજીપૂર્વકનો સંગ્રહ હોય છે. ખંભાત, લીંબડી, ડભોઈ, અમદાવાદ, પાટણ, જેસલમેર, બિકાનેર આદિ શહેરોમાં એકથી વધુ જ્ઞાનમંદિરો કે જ્ઞાનભંડારો છે. તે દરેકમાં પ્રાચીનતમ ગ્રંથો, તાડપત્રો, હસ્તપ્રતો ઉપલબ્ધ છે. તેમાં ઈસુના હજારેક વરસ પૂર્વેની પણ પ્રતો પ્રાપ્ત છે. જૈન સંસ્કૃતિના ગ્રંથો અને પ્રતો તો તેમાં છે જ, ઉપરાંત વેદ સંસ્કૃતિ અને બૌદ્ધ-સંસ્કૃતિના પણ અલભ્ય ગ્રંથો અને પ્રતોનો સંગ્રહ છે. સાધુ-સાધ્વીજીની પ્રેરણાથી, આવા જ્ઞાનમંદિરો ઊભા થયા છે અને થાય છે. સ્થાનિક સંઘ તેની સંભાળ રાખે છે. કેટલાંક વ્યક્તિગત માલિકીનાં પણ જ્ઞાનમંદિર કે જ્ઞાનભંડાર છે. જૈન સંસ્કૃતિને સમગ્રતયા જાણવા સમજવા માટે આ જ્ઞાનભંડારો મહત્ત્વની અને મબલખ સામગ્રી પૂરી પાડે છે. અમદાવાદ ખાતેનું લાલભાઈ દલપતભાઈ ભારતીય પ્રાચ્ય વિદ્યામંદિર એક વિશિષ્ટ જ્ઞાનમંદિર છે. તેમાં સંશોધન અને પ્રકાશનનું કાર્ય પણ થાય છે. દેશ અને વિદેશના વિદ્વાનો આ જ્ઞાનભંડારોની મુલાકાત લે છે. જૈન પાઠશાળા જ્યાં બાળકો, કિશોરો અને યુવાનોને ધર્મના જૈન શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે, એ સ્થળને જૈન પાઠશાળા કે જૈન જ્ઞાનશાળા કહે છે. ધાર્મિક શિક્ષક-શિક્ષિકા અભ્યાસ કરાવે છે. જૈન સૂત્રો શીખવે છે. ધર્મની ક્રિયાઓની પ્રાયોગિક તાલીમ આપે છે. જૈન ઇતિહાસ પણ ભણાવે છે. જૈન તત્ત્વજ્ઞાન વિશાળ છે. જૈનો માટે બે પ્રતિક્રમણ કે પાંચ પ્રતિક્રમણનું જ્ઞાન હોવું જરૂરી છે. પ્રતિક્રમણ એ જૈનોની રોજિંદી ધાર્મિક ક્રિયા છે. જિનપૂજા પણ નિત્યની ક્રિયા છે. પાઠશાળામાં મુખ્યત્વે એ ક્રિયા-સૂત્રોનો અભ્યાસ કરાવાય છે. બાળકો જૈન ધર્મનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત બને તે માટે ઉદારદિલ જ્ઞાન પ્રેમીઓ તેમને વિવિધ ઈનામો પણ આપે છે. વરસમાં ક્યારેક ધાર્મિક પરીક્ષાઓ પણ લેવાય છે. ખંભાત, અમદાવાદ, મહેસાણા, મુંબઈ જેવા મોટા શહેરોની પાઠશાળામાં વિદ્વાન પંડિતો પાસે સાધુ-સાધ્વીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરે છે. આયંબિલ શાળા વિવિધ જૈન તપોમાં આયંબિલ તપનું આગવું સ્થાન છે. આ તપ માંગલિક અને પ્રભાવિક સાબિત થયેલું છે. ચૈત્ર અને આસો મહિનાના નવ દિવસ ઘણાં ભાવિકો નવ દિવસના આયંબિલ તપ સાથે નવપદની ઓળીની આરાધના કરે છે. ઘણાં ભાવિકો વર્ધમાન તપ પણ કરે છે. આ તપમાં પણ આયંબિલની મુખ્યતા છે. ઘણાં લોકો પર્વ તિથિએ પણ આયંબિલ કરે છે. આયંબિલ-તપનું પ્રચલન વિશેષ છે. આયંબિલનું તપ ઘરે કરવા માટે સુગમ અને સરળ નથી બનતું, કારણ આ તપમાં લુખ્ખ-સુજ્જુ મીઠાં મરચાં વિનાનું તેમજ તેલ-ઘી વગરનું ભોજન એક ટંક કરવાનું હોય છે. ઘરે આવી રસોઈ કરવાની દરેકને અનુકૂળતા નથી હોતી. આથી સંઘે આ તપને આરાધકો માટે આયંબિલશાળાની વ્યવસ્થા કરી છે. તેમાં આયંબિલ તપમાં ખાઈ શકાય એવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. આરાધકો અહીં આવીને આયંબિલ કરે છે. આ તપ કઠિન છે. પરંતુ સમુહમાં અહીં આરાધકો આયંબિલ કરતા હોવાથી આરાધકોને પ્રેરણા અને બળ મળી રહે છે. આયંબિલ ખાતામાં પીવા માટેના ગરમ પાણી (ઉકાળેલું પાણી) ની પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવે છે. ३३

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69