________________
હૃદયપ્રદીપ અર્થ – જે અનુભવ ચિત્તમાં રહ્યો થકો ચેતનારહિત જડ એવા શબ્દાદિ પાંચેય વિષયોમાં વિવેકની કળાને હૃદયને વિષે પ્રગટ કરે છે તથા જે અનુભવથી ભવાંતરમાં થયેલી ચેષ્ટાઓ પણ પ્રગટ થાય છે તે અનુભવને તું ભજ! ભાવાર્થ – હૃદયમાં દેદીપ્યમાન દીપકની પેરે પ્રકાશ કરનાર છત્રીશ શ્લોકરૂપ ‘હૃદયપ્રદીપ ષત્રિશિકા' રચનાર ગ્રંથકારે પોતાના આત્માને સંબોધીને જે વિચાર દર્શાવ્યો છે, તે અન્ય પણ અનુભવજ્ઞાનના અર્થી ભવ્ય જનોએ અતિશય મનન કરવા યોગ્ય છે એમ ધારી, તે વિચાર ભાષાંતરરૂપે લખવાની જરૂર હોવાથી આ ભાષાંતરનો પ્રારંભ કરવામાં આવે છે - - પ્રથમ શ્લોકમાં ગ્રંથકારે અનુભવનું સ્વરૂપ બતાવવા સાથે તે જે અનુભવની સેવા કરવાનો ઉપદેશ કરેલો છે તે બતાવે છે :
જે અનુભવ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પાંચ વિષયો પુગલસ્વભાવરૂપ હોવાને લીધે જડ છે, તે વિષયોમાં રૂડે પ્રકારે ‘આ વિષયો તે હું નથી અને એઓનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું એનાથી અન્ય છું, એનાથી મારું સ્વરૂપ પણ ન્યારું છે' એવું વિવેચન પોતાના મનમાં કરાવી આપે છે; વળી, જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મોમાં વિભાવદશાના આધીનપણાએ કરેલી મોહજાળમાં ફસાવવાની હેતુભૂત વર્તનાઓનો ભાસ થાય છે તે તારા પોતાના આત્મામાં જ રહેલા અનુભવને છે. આત્મા! તું સેવ.
અહીં અનુભવજ્ઞાનની સેવા કરવાની જે વાત ગ્રંથકારે બતાવી છે તેથી કાંઈ તેના કારણભૂત શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાન એ બે જ્ઞાનની સેવાનો નિષેધ થતો નથી, પરંતુ ઊલટું તે બે જ્ઞાનનું સેવન અતિ આદરપૂર્વક કરવું. એમ સિદ્ધ થાય છે;