________________
પર
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
તો ક્ષીણમોહ-સયોગી અને અયોગી ગુણસ્થાનકોમાં પણ અંતરાય અને મોહનીયકર્મનો અભાવ હોવા છતાં તે પાંચ લબ્ધિ અને ચારિત્ર નથી. એમ જ માનવાનો પ્રસંગ આવે, જે શાસ્ત્ર સમ્મત ન હોવાથી બરાબર નથી. (અંતરાયકર્મનો ક્ષય બારમાના ચરમ સમયે અને મોહનીયકર્મનો ક્ષય દસમાના ચરમ સમયે થાય છે એમ જાણવું.) તે કારણથી શાસ્ત્રકારોની દૃષ્ટિએ ચારિત્રાદિ ગુણોનો (ચારિત્ર અને પાંચ લબ્ધિ-આત્મક ગુણોનો) સિદ્ધપરમાત્માને સદ્ભાવ છે આમ જાણવું.
તથા આ ચારિત્ર નામનો ગુણ ચારિત્રમોહનીયકર્મથી આવૃત કરાયેલો છે. (ઢંકાયેલો છે). ચારિત્રમોહનીયકર્મનો સર્વથા ક્ષય કરવાથી આ ચારિત્રગુણ સર્વથા આવિર્ભૂત થાય છે અને પાંચમા ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધીમાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કર્યો હોવાથી આંશિક પ્રગટ થાય છે. ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક આત્મગુણોના પૂર્ણ આનંદની ઈહા (વિચારણા-તન્મયતા) કરતાં કરતાં પ્રગટ થયેલા (પાપોના) પશ્ચાત્તાપાદિ થકી ક્ષાયોપશમિક અવસ્થાને પામેલું આંશિક ચારિત્ર પ્રગટ થાય છે. ચારિત્રમોહનીય કર્મના પુદ્ગલો જે પૂર્વકાલમાં બાંધેલ છે અને ઉદયમાં આવેલ છે. તેનો (સજાતીય પરપ્રકૃતિમાં સંક્રમાવીને) ભોગવવા દ્વારા આ જીવ ક્ષય કરે છે તે ક્ષય, અને જે પુદ્ગલો હાલ ઉદયમાં આવ્યાં નથી પણ સત્તામાં છે અને ઉદીરણાકરણ તથા અપવર્તનાકરણ વડે ઉદયમાં લાવી શકાય તેમ છે. તેને અટકાવ્યે છતે અર્થાત્ ઉદીરણા અને અપવર્તના દ્વારા ઉદયમાં ન આવે તેવી રીતે દબાવી દેવા દ્વારા ઉપશમ કર્યે છતે, આ રીતે કેટલાંક ચારિત્રમોહનીયકર્મનાં પુદ્ગલોનો પ્રદેશોદયથી (સજાતીય પરપ્રકૃતિરૂપે) ભોગવીને નિકાલ કર્યો છતે ચારિત્રનામના ગુણના કેટલાક કેટલાક વિભાગોનો (અંશોનો) આવિર્ભાવ થાય છે. તેને ક્ષાયોપમિક ભાવનું ચારિત્ર કહેવાય છે. આ ચારિત્રગુણ દેશવિરતિરૂપે પાંચમા ગુણસ્થાનકે અને સર્વવિરતિરૂપે છઠ્ઠા ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધી હોય છે. સર્વવિરતિરૂપ આ સંયમનાં સ્થાનોની જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની તરતમતા આ પ્રમાણે હોય છે -
तत्र सर्वजघन्यसंयमस्थाने सर्वाकाशप्रदेशानन्तगुणतुल्यचारित्रपर्यायप्राग्भावः प्रथमं संयमस्थानम् ।
ते कत्तिया पएसा ?, सव्वागासस्स मग्गणा होइ । तेजत्तिया परसा, अविभागतो अनंतगुणा ॥४५१२ ॥
(બૃહત્કલ્પસૂત્ર ગાથા ૪૫૧૨)