________________
| મૂર્ખાઓ મારા ગુરુ! /
ગ્રીસના વિશ્વવિખ્યાત દાર્શનિક સૉક્રેટિસના આંતરિક ગુણો અને મોહક વ્યક્તિત્વથી સહુ કોઈ
પ્રભાવિત થતા હતા. સોક્રેટિસ ગ્રીસના એથેન્સ શહેરની શેરીઓમાં અને બજારોમાં પોતાનો ઘણો ખરો સમય વિતાવતા હતા અને કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ એમને મળે, તો એના પ્રશ્નનો ઉત્તર આપતા હતા.
એક વાર આ મહાન દાર્શનિકને એક જિજ્ઞાસુએ પૂછયું, “આપ આટલા બધા મહાજ્ઞાની છે, તો આપના ગુરુ તો કેવા જ્ઞાની હશે! કોણ છે આપના ગુરુ?'
સૉક્રેટિસે હસીને ઉત્તર આપ્યો, “આ જગતમાં જેટલા મૂર્ખાઓ છે, એ બધા જ મારા ગુરુ છે.”
જિજ્ઞાસુએ વળી પૂછયું, “આપના જેવા મહાન તત્ત્વજ્ઞાનીના ગુરુ કઈ રીતે મૂર્ખ માનવીઓ હોઈ શકે? આપ તત્ત્વદર્શનના શિખરે બિરાજો છો, તો આપના ગુરુ તો એથીયે વિશેષ પરમજ્ઞાની હશે! મને તમારો ઉત્તર સમજાયો નહીં."
સૉક્રેટિસે કહ્યું, “કોઈ પણ મૂર્ખ વ્યક્તિને જોઉં, ત્યારે હું એ વિચાર કરું છું કે એ વ્યક્તિ કયા દોષને કારણે મૂર્ખ ગણાય છે? એ પછી હું સ્વયં આંતરદર્શન કરું છું કે મારામાં તો આવો કોઈ દોષ છે. નહીં ને કે જેથી લોકો મને મૂર્ખ માને? જો એવો કોઈ પણ દોષ મને મારામાં લાગે, તો એને દૂર કરવાનો પ્રયત્ન કરું છું કે જેથી લોકો મને મૂર્ખ ન ગણે, મેં જે પ્રાપ્ત કર્યું છે તે જગતના મૂર્ખ લોકો પાસેથી જ પ્રાપ્ત કર્યું છે. જો આ લોકો ન હોત, તો મારા દોષો, મારી ક્ષતિઓ અને મારી મર્યાદાઓને હું જાણી શક્યો ન હોત અને એને દૂર કરી શક્યો ન હોત, આથી જ એમને હું મારા ગુરુ ગણું છું.”
જિજ્ઞાસુ સોક્રેટિસના ઉત્તરનો મર્મ પારખી ગયો અને પોતાની જાતને એ રીતે દોષમુક્ત કરવા પ્રયત્ન કરવા લાગ્યો.
* ડૉ. પ્રીતિબહેન શાહ ૧૮-1 0 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬