________________
૩૬
બોધસાર | સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્વસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી.
અનેક પ્રકારનું બાહ્ય પદાર્થોનું જ્ઞાન અન્ય અનાર્ય દેશોમાં ઘણું વિકાસ પામેલું જોવામાં આવે છે. અહીં તો તેને યથાર્થ જ્ઞાન ગમ્યું છે કે જે જ્ઞાનને પ્રાપ્ત કરવાથી સાધકમાં શાંતભાવ પ્રગટે, વિવેક પ્રગટે અને ત્યાગવા યોગ્ય તથા ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોનો યથાર્થ નિર્ણય થઈ તેને અનુસાર જીવન જીવવાનો પુરુષાર્થ બને.
સંસારનાં સુખો અનંતીવાર આત્માએ ભોગવ્યા છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે કારણ, સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે. તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે તેને કડવો ગણ્યો, આ પણ અવિવેક છે. જ્ઞાન દર્શનાદિ ગુણો અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવઅમૃતમાં આવવું, એનું નામ વિવેક છે.
જ્ઞાન સર્વ પ્રકારના સુખનું સાધન છે. જ્ઞાની પુરુષો પાસે જગતના મોટા મોટા રાજા, મહારાજા, શ્રીમંત, ડૉક્ટર, વકીલ, પ્રધાન, ઇજનેર કે હોદ્દેદારો પણ વિનયવાન થઈ સેવામાં રહે છે. આમ બનવા છતાં પણ જેમના અંતરની અંદર અભિમાન કે મમતા ઊપજતાં નથી તે તેમના જ્ઞાનબળનો અને સમાધિબળનો જ પ્રતાપ છે. નમસ્કાર હો તે જ્ઞાનને અને તે સમાધિને અને ફરી ફરી નમસ્કાર હો તે જ્ઞાન-સમાધિના સ્વામી સપુરુષોને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org