________________
ધર્મધ્યાન
૧૨૧
પ્રશ્નકર્તા : અપધ્યાન એટલે શું ?
દાદાશ્રી : અપધ્યાન તો આ કાળમાં ઊભું થયું છે. અપધ્યાન એટલે
જે ચારે ધ્યાનમાં ના સમાય તે. ભગવાનના વખતમાં ચાર પ્રકારનાં ધ્યાન હતા. તે વખતમાં અપધ્યાન લખાયું નહોતું. જે વખતે જે અનુભવમાં ના આવે ને તે લખાય તો શું કામ આપે ? એટલે અપધ્યાન ત્યારે નહોતું લખાયું. આ કાળમાં એવાં અપધ્યાન ઊભાં છે. અપધ્યાનનો અર્થ હું તમને સમજાવું, આ સામાયિક કરતી વખતે શીશીમાં જો જો કરે કે, ‘હજી કેટલી બાકી રહી, હજી કેટલી બાકી રહી, ક્યારે પૂરી થશે, ક્યારે પૂરી થશે’, એમ ધ્યાન સામાયિકમાં ના હોય પણ શીશીમાં હોય! આને અપધ્યાન કહેવાય. દુર્બાન હોય તો ચલાવી લેવાય. દુર્બાન એટલે વિરોધી ધ્યાન અને સધ્યાન મોક્ષે લઇ જાય. અને આ શીશી જો જો કરે એ તો અપધ્યાન કહેવાય. છતું નહીં, ઊંધું નહીં, પણ તીસરી જ પ્રકારનું! શીશી જો જો કરે છે. એમાં એની દાનત શી છે ? એક માણસ ચિઢાયો અને એ પોતાના અહંકારને પોષવા ગામ બાળી મેળે ! પણ એય એક ધ્યાન કહેવાય. આ અપધ્યાનવાળાને તો પોતાના અહંકારની પડી ના હોય, પણ ધ્યાન કરે તે અપધ્યાન કરે-એટલે કે સંપૂર્ણ અનર્થકા૨ક. નહીં પોતાના માટે કે નહીં માન માટે, બિલકુલ મીનિંગલેસ! અર્થ વગર, હેતુ વગર જે ક્રિયા કરવામાં આવે છે તે અપધ્યાન.
હાર્ડ રૌદ્રધ્યાત
બીજું, આ કાળમાં હાર્ડ રૌદ્રધ્યાન વધ્યાં. હાર્ડ રૌદ્રધ્યાન એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો લાભ લઇ સામાનું પડાવી લેવું તે હાર્ડ રૌદ્રધ્યાન. આ તો પોતાની બુદ્ધિથી સામાને મારે, સામાનું આખું લોહી ચૂસી જાય ને સામાનાં હાડકાં ને ચામડી જ બાકી રાખે, તે ઉપરથી કહે, મેં ક્યાં માર્યો ? અમારે તો અહિંસા પરમો ધર્મ !' આ શેઠિયાઓએ એવાં એવાં કનેકશન ગોઠવી દીધાં હોય કે શેઠ ગાદી-ક્લેિ બેઠા હોય ને ખેડૂતો બિચારા રાત દહાડો મહેનત કરે ને તોર તોર શેઠને ઘેર જાય ને પેલાને ભાગે છાશય ના આવે ! શેઠ પોતાની વધારે બુદ્ધિથી
આપ્તવાણી-૨
પેલાની ઓછી બુદ્ધિનો લાભ લઇને પંપાળી પંપાળીને મારે ! આને હાર્ડ રૌદ્રધ્યાન કહ્યું છે. આ તો ટપલે ટપલે મારે. એકદમ તલવારથી બે ઘા કરી નાખે તો એ હાર્ડ રૌદ્રધ્યાન ના ગણાય, રૌદ્રધ્યાન ગણાય. કારણ કે બે ટુકડા કર્યા પછી લોહી જોઇનેય પેલાનું મન પાછું પડે કે, ‘અરેરે ! મારાથી આ મરી ગયો !' પણ આ હાર્ડ રૌદ્રધ્યાનથી તો મન પાછું ના પડે અને ઊલટું વધતું જાય. લોહીનું ટીપુંય પાડ્યા વગર મજૂરના શરીરનું એકેએક લોહીનું ટીપું શેઠ ચૂસી જાય ! હવે આને ક્યાં પહોંચી વળાય ? આને તો ટર્મિનસ સ્ટેશન જ નહીં ને ! આ હાર્ડ રૌદ્રધ્યાનનું ફળ તો બહુ ભયંકર આવે. સાતમી નર્કમાંય ના સમાય તેવું ફળ ! આ હાર્ડ રૌદ્રધ્યાન અને અપધ્યાનને ઝીણવટથી સમજવા તો પડશે ને ? તમને શું લાગે છે ? કે પછી સમજ્યા વગર ચાલશે ?
૧૨૨
પ્રશ્નકર્તા : સમજવું તો પડશે જ, દાદા.
દાદાશ્રી : આ ભગવાન મહાવીર પછીનો ૨૫૦૦ વર્ષનો દુષમ કાળ ! તે બધાં યે ભૂલ ખાધી એમાં. સાધુ-બાધુ બધાએ ભૂલ ખાધી ! કો’ક સેંકડે બે-પાંચ જ સાધુઓ આમાંથી બાકાત રહ્યા હશે ! બાકી બધા રૌદ્રધ્યાન, આર્તધ્યાન ને ન કરવાનાં અપધ્યાન આખો દહાડો કર્યા કરે છે. હવે આ સાધુ શા માટે થાય છે ? ત્યારે કહે, આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખસેડવા માટે. ઘેર ગમે નહીં, રોજ લઢવાડ થાય, કોઇ જોડે પૈસા લેવાદેવા પડે એના ઝઘડા થાય, એનાં કરતાં આમાંથી છૂટીને સાધુ થઇ જાય તો પછી ખાવા પીવાની ચિંતા તો મટી અને ઘર ચલાવવાની પૈણવાની ચિંતા મટી એટલે આર્ત ને રૌદ્રધ્યાન છૂટ્યાં ! આટલું છોડવા માટે સાધુપણું લેવાનું છે. પણ અત્યારે તો આ ગૃહસ્થીઓને જેટલાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના હોય તેટલાં આ મહારાજોને થઇ ગયા છે ! બધાને ઇચ્છા તો ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે. સાચા દિલની ઇચ્છા છે પણ માર્ગ ના મળે તો થાય શું ?
ભગવાનના વખતમાં નહોતાં એવા ધ્યાન અહીં આ કાળમાં અત્યારે ઊભા થયાં !