________________
મન
૨૯૭
રતલને બદલે દસ રતલ બોજો થઇ જાય, ને મને ડીપ્રેશન નથી જ’ કહે તો બોજો દસ રતલને બદલે એક રતલ થઇ જાય. અહીં રેડિયો વાગતો હોય ને લાગે, મહીં થાય કે ‘અવાજથી ઊંઘ નહીં આવે' તો ઊંઘ ના જ આવે; જો થાય કે ‘અવાજમાંય ઊંઘ આવી જશે’ તો આરામથી ઊંઘ આવે. આવું છે જગત ! આપણે મનથી જુદા છીએ, દેહથી જુદા છીએ અને વાણીથી પણ જુદા છીએ. પાડોશી વાસણ ખખડાવે તો એને કોણ કહેવા જાય ? પોતે એક જ હોત તો કહેવું પડે, આપણે તો એની ક્રિયાને
જાણનારા.
આ મન મનના ધર્મમાં છે. આપણને કાનમાં શબ્દ પેસે નહીં તો મનને અસર થતી હશે ? કશી અસર ના થાય, અને કાનમાં શબ્દ પેસે તો ? એ ચાળાચાળ કરવી એ મનનો ધર્મ છે. તારણ કાઢવું એ બુદ્ધિનો ધર્મ છે. મન, બુદ્ધિ એ બધા એના પોતાના ગુણધર્મમાં છે અને એમાં આપણે શું પેસવાનું ? આપણે આપણા સ્વધર્મમાં રહેવાનું.
પ્રશ્નકર્તા : હું પ્રયત્ન તો ઘણો કરું છું મનની શાંતિ માટે, પણ સ્થિરતા જ નથી આવતી.
દાદાશ્રી : કયો ધર્મ પાળો છો ?
પ્રશ્નકર્તા : વૈષ્ણવ ધર્મ.
દાદાશ્રી : તો એ વૈષ્ણવ ધર્મ ખોટો હશે ? નહીં, કૃષ્ણ ભગવાન ખોટા હશે ?
પ્રશ્નકર્તા ઃ ના, ભૂલ આપણી.....
દાદાશ્રી : શી ભૂલ હશે ?
પ્રશ્નકર્તા : એ તો આપને ખબર, દાદા.
દાદાશ્રી : આપનું નામ શું ?
પ્રશ્નકર્તા : ચંદુલાલ.
આપ્તવાણી-૨
દાદાશ્રી : રોજ તો ગજવામાં પાંચ-પચીસ હોય તો મુંબઇના બજારમાં મન સ્થિર રહે અને દસ-વીસ હજાર હોય તો ? મન સ્થિર ના રહે ? એ તો સ્થિર રહે એવું છે, પણ એને આપણે ફટવીએ છીએ. રોજ રોજ છોકરાંને ફટવીએ અને એને કહીએ કે સ્થિર થા તો થાય નહીં, તેમ મનને ફટવ્યા પછી સ્થિરતા માગે તો સ્થિર રહે ? એ તો મનને પાન કે બીડી એ જ હોય, પણ આ તો ફટવીએ રેડિયો લો, ફ્રીઝ લો અને પેલું ટેલિવિઝન પણ લો. મનને ફટવ્યા પછી પાંસરું ના થાય. મનને ના ફટવશો, બીજા બધાને ફટવજો. બૈરીને ફટવી હશેને તો આ જ્ઞાની કલાકમાં સીધી કરી આપશે. સ્ત્રી ફાટી હોય તો બીજી રૂમમાં રાખે તો બાર કલાક છૂટા રહે, પણ મન તો રાતદહાડો જોડે જ રહે. ફટવેલું મન રાગે ન પડે, પણ જ્ઞાની મળે ને જ્ઞાન આપે તો ફટવેલું મન રાગે પડે.
પ્રશ્નકર્તા ઃ આ માટે દસ વરસ મહેનત કરેલી.
૨૯૮
દાદાશ્રી : તો ગયે અવતારે કરી નહોતી ? અનંત અવતાર આનું આ જ કર્યું છે. મન શું છે ? એને જાણવું તો પડે ને ! એનાં માબાપ કોણ છે ? એનું રહેઠાણ ક્યાં છે ? એનાં જન્મદાતા કોણ છે ? એનો વિલય કેવી રીતે થાય ? એ બધું પણ જાણવું તો પડે ને! એ મન કોણે મૂક્યું ?
પ્રશ્નકર્તા : પ્રભુએ.
દાદાશ્રી : શા માટે ? દુઃખ માટે કે સુખ માટે ? ભગવાને શા માટે એવું કર્યું ? બધાંને દિવેલ ચોપડવા માટે કર્યું હશે ? ભગવાન આમાં હાથ જ ઘાલતા નથી, આ પ્રોડક્શનમાં ભગવાન હાથ ઘાલતા નથી. એ તો બટ નેચરલ છે અને ભગવાન આ વાત મહીં બેઠા સાંભળે છે ને હસેય છે ખરા, કે, ‘ચંદુલાલ, આ શું ગાંડાં કાઢે છે !' આપણે સમસરણ માર્ગમાં છીએ ને ! સમસરણ માર્ગ એટલે નિરંતર પરિવર્તન થયા કરે તે. એમાં છેલ્લામાં છેલ્લું સ્ટેશન મન. અત્યારે તમારું આ સ્ટેશન છેને એ આવતા ભવનું મન થશે. એ તો ‘જ્ઞાની પુરુષ’ જાણે કે મન શું છે? મન ઠેકાણે શી રીતે આવશે ? મન ઠેકાણે રાખવા તમે પોતે પ્રયત્ન નથી કરતા ?