Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
છે તે “જ્ઞા'' છે. “જ્ઞા' શબ્દ વિશેષ પ્રકારે પરિપક્વ થાય, ત્યારે “પ્રજ્ઞા” બને છે. તેમાં અનુશાસન આવે ત્યારે “અનુજ્ઞા” બને છે અને આ “જ્ઞા' શબ્દ સાર્વભોમ અહંકાર રહિત અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે “આજ્ઞા” બને છે અને એથી આગળ વધીને દર્શનયુક્ત બને અને સાંગોપાંગ નિર્ણયાત્મક બને ત્યારે “પરિજ્ઞા” બને છે અને સાધક પોતાના નિશ્ચિત જ્ઞાનને સમર્પિત થાય ત્યારે “પ્રતિજ્ઞા” બને છે. આથી સમજી શકાય છે કે- “જ્ઞા” શબ્દ કે “જ્ઞા” ધાતુ ઘણો જ મહત્વપૂર્ણ છે અને આ “જ્ઞા”ની સાથે જ્યારે ભાવાત્મક ‘તા” પ્રત્યય જોડાય ત્યારે “જ્ઞાતા” શબ્દ બને છે. સંપૂર્ણ વાંઙમયના સારા તત્ત્વો જેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, તેવા ભાવો “જ્ઞાતા” શબ્દથી અભિવ્યક્ત થાય છે. “જ્ઞાતા” શબ્દ ઘણી જ ઊંડી વિવક્ષા ધરાવે છે. ઘણા ચડાવ-ઉતારના પરિણામે છેવટે સંકલ્પની સિદ્ધિ થતી હોય અને પડતો-આખડતો જીવ છેવટે કેન્દ્રમાં પહોંચી નિર્ણયાત્મક ભાવનું અવલંબન લઈને સિદ્ધગતિને પ્રાપ્ત થાય, તેવા ચડતા-ઉતરતા ભાવો પણ “જ્ઞાતા” શબ્દમાં વિવક્ષિત છે.
અહીં આટલો ઊંડો મર્મ જેમાં ભરેલો છે તેવો “જ્ઞાતા' શબ્દ “ધર્મકથા” સાથે જોડવામાં આવ્યો છે. જૈનદર્શનમાં ફક્ત “ધર્મ” શબ્દને ગ્રાહ્ય માન્યો નથી. સામાન્ય ધર્મ જે વ્યવહારમાં ગણાય છે. એવો કોઈપણ “ધર્મ” કે “ધર્મપંથ” બધી રીતે કલ્યાણકારક બને તેવું નથી. જેથી જૈનતત્ત્વજ્ઞાનમાં ધર્મ સાથે ચોક્કસ વિશેષણ મૂકવામાં આવ્યા છે. જેમ કે- “ચત્તારિ મંગલમ્”માં ચાર મંગલ, ચાર ઉત્તમ કે ચાર શરણમાં “ધર્મ” શબ્દ, ફક્ત ધર્મરૂપે મૂક્યો નથી પરંતુ “કેવલી પન્નતો ધમ્મો” અર્થાત્ કેવળી ભગવાને વિશુદ્ધ ભાવે જે ધર્મ પ્રરૂપ્યો છે એ ધર્મ કલ્યાણકારી અને શરણ યોગ્ય છે. આ રીતે શાસ્ત્રોમાં લગભગ બધી જગ્યાએ ધર્મ સાથે અહિંસક ભાવોને જોડવામાં આવ્યા છે. તે સિવાય એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ન્યાય વિદ્ધ, તર્કઅસંગત, હિંસક ભાવોથી ભરેલો કોઈ પણ ભાવ વાસ્તવિક ધર્મ બની શકતો નથી.
અહીં આપણે જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ એવા ધર્મકથાનુયોગ શબ્દનો વિચાર કરીશું. પ્રથમ આના ત્રણે શબ્દોને છૂટા પાડશું– (૧) ધર્મ (૨) કથા અને (૩) અનુયોગ. ધર્મકથાનુયોગમાં આ ત્રણે શબ્દો મહત્ત્વપૂર્ણ બને છે. ત્રણે શબ્દો સ્વતંત્રભાવે પણ વિચારી શકાય છે અને પરસ્પર વિશેષણ-વિશેષ્ય ભાવે પણ વિચારી શકાય છે. અહીં “કથા”એ મુખ્ય વિષય છે. તેના પૂર્વમાં “ધર્મ” શબ્દ છે અને ઉત્તરમાં “અનુયોગ” છે. “કથા” એટલે વાર્તા, સંસારમાં લાખો કથાઓ અને હજારો આખ્યાનો પ્રચલિત છે,