Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. કથા તત્ત્વનું લક્ષઃ
ધર્મકથા એ ઉપદેશનું પ્રબળ સાધન છે. ભારતના બધા ધાર્મિક ગ્રંથોએ કથાઓનો મુખ્ય આધાર લીધો છે. જૈન શાસ્ત્રોએ પણ ધર્મકથાને ઉપદેશનું પ્રધાન અંગ માન્યું છે.
આચાર્યોએ સમગ્ર જૈન વામને ચારભાગોમાં વિભક્ત કર્યું છે અને તેને ચાર “અનુયોગ” એવું ગુણાનુસારી નામ આપ્યું છે.
ધર્મકથાનુયોગ પણ આ ચાર અનુયોગ માંહેનો એક મુખ્ય અનુયોગ છે. તત્ત્વજ્ઞાન કથામાં પીરસાય છે ત્યારે તે જ્ઞાન રસપ્રદ બની જાય છે અને જ્યારે કાવ્યનું રૂપ ધારણ કરે ત્યારે તે સ્મૃતિને અનુકૂળ બની, વરસો સુધી યાદ રહી શકે છે. તે ઉપરાંત આવી કથાઓમાં તત્ત્વજ્ઞાનની સાથે-સાથે કેટલાક નૈતિક, સામાજીક અને વ્યાવહારિક ભાવો પણ પીરસાય છે.
આટલી ભૂમિકા પછી આપણે “જ્ઞાતાધર્મકથાનુયોગ” વિષય પર આવીએ. ગણધર ભગવંતોએ “જ્ઞાતાધર્મકથાંગ”માં એવી સુંદર વાતો મૂકી છે કે તેમાંથી સહજમાં બુદ્ધિને સ્વીકાર્ય એવો મહત્ત્વપૂર્ણ ઉપદેશ મળી જાય છે. જેમ કે– કાચબાનું ઉદાહરણ. કાચબાઓ પાણીની ઉપર આવી, રેતીમાં વિચરણ કરવાની વૃત્તિ રાખી ચારેદિશામાં જોવા લાગ્યા. આ વખતે શિકારી જાનવરો કાચબાને જોઈને તેના પર આક્રમણ કરવા તૈયાર થયા. કાચબાઓ ચેતી ગયા. બધા અંગ-ઉપાંગ સંકોચીને ગોળમટોળ દડા જેવા બની ગયા. શિકારી જાનવર–શિયાળીયાઓ નજીક પહોંચી ગયા. કાચબાને અવળાસવળા ખૂબ ફેરવ્યા પરંતુ ક્યાંય કારી ન ફાવી તેથી થાકીને દૂર જઈ ઊભા રહ્યા. કાચબાઓ વિચારે છે કે- હજુ આમ આ લોકો ભાગી નહીં જાય, એટલે જરા પણ ઉતાવળ કર્યા વિના સંયમ રાખી પડ્યા રહ્યા. એક કાચબાએ ધીરજ ગુમાવી, ઉતાવળ કરીને પગ બહાર કાઢયા, પૂછવું જ શું? ટાંપીને બેઠેલા શિકારી જાનવરે આક્રમણ કરી કાચબાનો પગ પકડી લીધો અને છેવટે તેનું ભક્ષણ કરી ગયા. ભગવાન મહાવીરના ઉપદેશના આધારે શાસ્ત્રકાર કહે છે કે– સંયમનું નિરંતર પાલન થવું જોઈએ. અસંયમ આવવાથી દુર્દશા થાય છે. કેટલું સટીક ઉદાહરણ છે. અતિ સુંદર ભાષામાં લખેલું છે.
#
G 22
);