________________
શ્રુત ઉપાસક રમણભાઈ
રમણભાઈ આપણી વચ્ચે નથી એ સમાચાર મેં અમેરિકા મારી પુત્રી પ્રાચી અને જમાઈ અનીશને આપ્યા, એ અત્યંત ગમગીન બની ગયાં. લગ્ન પછી એ બન્ને હમણાં જ એઓશ્રીના આશીર્વાદ લેવા ગયા હતા, અને ચિ. પ્રાચીને એ પાંચ વર્ષની હતી ત્યારે પૂ. રમણભાઇએ જ શત્રુંજયની જાત્રા પગે ચાલીને કરવા એને પ્રોત્સાહિત કરી બાળ સુલભ ઇનામ પણ આપેલું. આવા તો કેટલાંક જીવોને એમણે પૂણ્યકાર્ય કરાવ્યું હશે !
રમણભાઇના કયા કયા ગુણોને યાદ કરીએ ? જેટલા યાદ કરો એટલા આપણે સત્ત્વશીલ થતાં જઈએ.
હમણાં મારા મુરબ્બી મિત્ર શ્રી નટવરભાઈ દેસાઈએ રમણભાઇના ગુણો અને વિવિધ ક્ષેત્રે એમના યોગદાન અને મા શારદાની એમની પરમ સાધના વિશે વાત કરતાં કહ્યું કે રમણભાઈ પૂર્વજન્મના યોગભ્રષ્ટ આત્મા હતા. મેં કહ્યું મારી સમજ પ્રમાણે હું સંમત નથી થતો, આવો આત્મા ક્યારેય ભ્રષ્ટ થાય જ નહિ, પણ પોતાના બાકી રહેલા કર્મોને ખપાવવા જ જન્મ લે. આવા આત્મા તો પ્રત્યેક જન્મે ઊર્ધ્વગામી જ હોય, કર્મ ખપાવવાનો ક્રમ પૂરો થાય એટલે દેહને વિદાય આપી દે.
વનમાં રહે એ ઋષિ હોય, ન પણ હોય, પણ જનમાં રહીને ઋષિતુલ્ય જીવન જીવે એ ઋષિ હોય જ હોય. પૂ. રમણભાઈ આવા જન ઋષિ હતા. - રમણભાઈ આ સંસ્થા સંઘનો પ્રાણ હતા. એઓશ્રીની રાહબરીથી સંઘે અનેરી ઊંચાઇઓ પ્રાપ્ત કરી, એ સર્વ વિગતો આ સાથેના શોક ઠરાવમાં છે. ઉપરાંત એઓશ્રીના જીવન-સર્જન વિશે મારા વિદ્વાન મિત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ આ અંકમાં “ચેતનગ્રંથની વિદાય' દ્વારા આલેખી છે એટલે એ હકીકતોને પ્રસ્તુત કરી, પુનરાવર્તનના દોષથી મુક્ત થવા પ્રયત્ન કરું છું.
એઓ સંઘનો “આત્મા' હતા, છતાં હંમેશાં પોતાને સંઘનો “સેવક સમજતા. શરીર અને પ્રાણના અણુએ અણુમાં નમ્રતા જ ફોરમતી, એવા રમણભાઈને આપણે શત શત વંદન કરી ધન્ય થઈએ.
ભાવિને પ્રકાંડ પંડિતો તો મળશે, કારણ કે પુરુષાર્થથી પાંડિત્ય પ્રાપ્ત કરી શકાય છે, પણ જેનું જીવન અને કવન, જીવન અને સર્જન, જીવન અને શબ્દ એકરૂપ જ નહિ, પણ એકરસ હોય એવી વ્યક્તિનું નિર્માણ કરવા માટે તો કાળને ય તપ કરવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org